રાજકોટ ના કારખાનેદારોને વિમાનના સ્પેર પાર્ટ્સના ઓર્ડર મળશે, વડાપ્રધાનશ્રી

રાજકોટ ના કારખાનેદારોને વિમાનના સ્પેર પાર્ટ્સના ઓર્ડર મળશે, વડાપ્રધાનશ્રી
Spread the love

રાજકોટ ના કારખાનેદારોને વિમાનના સ્પેર પાર્ટ્સના ઓર્ડર મળશે, વડાપ્રધાનશ્રી

રાજકોટ જીલ્લાના જામકંડોરણા ખાતે આજે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ જંગી જનસભાને સંબોધતા કહ્યું હતું કે, ગુજરાતનો આત્મવિશ્વાસ આજે બુલંદ છે. ગુજરાતના આંતરિયાળ એવા જામકંડોરણામાં પહેલીવાર કોઈ વડાપ્રધાન આવ્યા હોય તેવો આ પહેલો પ્રસંગ છે. લાખો લોકોની સભામાં તેમણે ગુજરાતની વિકાસગાથા વર્ણવતા કહ્યું હતું કે, “ગુજરાત અને દેશની સરકારના વડા તરીકે કાર્યરત થયાને પોતાને ૨૧ વર્ષ થયા છે અને તેની શરૂઆત રાજકોટથી થઈ છે” તેમણે કહ્યું હતું કે, કચ્છ-કાઠિયાવાડ અને રાજકોટની જનતાની ભાવનાઓ અને આકાંક્ષાઓને આદેશ માન્યા છે. એ આદેશોને પૂર્ણ કરવામાં પોતાની જાતને ખપાવી છે. વડાપ્રધાનશ્રી મોદીએ વિકાસની ગાથા વિશે વિસ્તૃત વાત કરતાં જણાવ્યું હતું કે બે દાયકાઓ પહેલાં ગુજરાત સૂકું ભઠ હતું, દરિયાઈ સીમાઓના વિસ્તાર વિકાસથી વંચિત હતો. જ્યારે આજે ગુજરાત એટલે વિકાસ અને વિકાસ એટલે ગુજરાત. વિકાસ આજે જન આંદોલન બની ગયું છે અને રાજકોટ શિક્ષણ હબ બન્યું છે. ગુજરાતના ગામડાના યુવાનો હવે માતૃભાષામાં મેડિકલ અને એન્જીનિયરિંગ ભણી શકશે. તેમણે કહ્યું હતું કે રાજકોટ ગુજરાતના ચમકતા સિતારાની જેમ છે. ૨૦-૨૫ વર્ષ પહેલાં કોઈને કલ્પના પણ નહોતી પણ આજે રાજકોટ ઓટોમોબાઇલ હબ બન્યું છે. આજે જમાનો I.T નો છે ત્યારે આ ક્ષેત્રમાં ૮૦૦ થી વધુ નવા યુનિટ ઊભા કર્યા હોવાનું તેમણે જણાવ્યું હતું. ગુજરાતની તમામ ક્ષેત્રોની વિકાસ ગાથા વર્ણવતા તેમણે કહ્યું હતું કે ગુજરાતે સમુદ્ર કિનારાને જાગતો કર્યો છે અને બંદરોને દેશના પ્રવેશદ્વાર બનાવ્યા છે. જ્યારે હિરાસર આંતરરાષ્ટ્રીય એરપોર્ટ રાજકોટને દુનિયા સાથે જોડશે. એ દિવસો દૂર નથી જ્યારે રાજકોટના કારખાનેદારોને વિમાનના સ્પેર પાર્ટ્સ બનાવવાના ઓર્ડર મળશે. રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા અંગે તેમણે કહ્યું હતું કે, પહેલા ઊભા પાક લણાઈ જતા, સાંજે બહેન દિકરીઓની છેડતીઓ થતી, પણ હવે એ દ્રશ્યો બદલાયા છે. તેમણે કહ્યું કે નરેન્દ્ર-ભૂપેન્દ્રની સરકાર નવી ઉદ્યોગ પોલિસી લાવી છે, જેના કારણે લઘુ ઉદ્યોગકારો માટે બંને હાથમાં લાડુ જેવી સ્થિતિ છે. ઉદ્યોગોને નક્કર દિશા આપતી નવી નીતિ બદલ તેમણે ગુજરાત સરકારને અભિનંદન આપ્યા હતા. તેમણે કહ્યું હતું કે ૪૦ વર્ષ સુધી ખેડુતોએ પાણી માટે વલખાં માર્યા હતા, તેમની જમીન અને જીંદગી સુકી ભઠ થઈ ગઈ હતી. રાહતકામોમાં ખાડા ખોદીને ગુજરાન ચલાવતા હતા. છેલ્લા અઢી વર્ષની વિકાસ યાત્રામાં અમારી સરકારે ખેડુતોની પાણી માટેની તરસને તૃપ્ત કરી છે. ખેડુતોને પાણીદાર બનાવ્યા છે. અત્યારે ગુજરાતનો એગ્રીકલ્ચર ગ્રોથ ૯ થી ૧૦% નો થયો છે. મા નર્મદાના પાણીના સ્પર્શથી સૌરાષ્ટ્રની ભૂમી પર સોનું ઊગી નિકળ્યુ છે. કપાસ અને મગફળીના પૂરતા ભાવ ખેડૂતોને મળતા થયા છે. ગુજરાતની નવી પેઢીને ઉદ્દેશીને તેમણે કહ્યું હતું કે, આવનારા ૨૫ વર્ષે સુધી આ વિરાટ વિકાસ વૃક્ષના ફળોને વિશ્વ સમક્ષ લઈ જવાના છે. આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત દેશનો અમૃતકાળ ચાલી રહ્યો છે પરંતુ ગુજરાતનો સ્વર્ણિમ કાળ ચાલી રહ્યો છે. બેટ દ્વારકામાં થયેલા ડિમોલીશનનો ઉલ્લેખ કરતાં તેમણે કહ્યું હતું કે ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં બેટ દ્વારકાની શકલ-સુરત બદલાઈ ગઈ છે. તેમણે કહ્યું હતું કે ગુજરાતને બદનામ કરનારા લોકોની કારી ફાવી નથી. ગુજરાતને બદનામ કરવાના કારસાઓની આગમાં ગુજરાત તપીને સ્વર્ણિમ ગુજરાત બન્યું છે. અંતમાં તેમણે કહ્યું હતું કે, અમારે ગુજરાતના ઉજ્જવળ ભવિષ્ય માટે કાર્યો કરવા છે. બાળકો માટે ઉત્તમ પઢાઈ યુવાનો માટે ઉત્તમ કમાઈ અને વડીલો માટે ઉત્તમ દવાઈની સુવિધાઓ પ્રદાન કરવી છે. મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલે સંબોધનમાં જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રીશ્રી જયારે ગુજરાતના મુખ્યમંત્રી બન્યા ત્યારે ગુજરાતની પ્રજા પાણી, વીજળી, શિક્ષણ, રોજગારી સહિતના અનેક પ્રશ્નોથી પીડાઈ રહી હતી. નરેન્દ્રભાઈએ આ પીડા સમજી પીવાના પાણીની સમસ્યા માટે નર્મદાના પાણીની સૌની યોજનાથી સૌરાષ્ટ્ર કચ્છ પહોંચાડી તરસ છીપાવી, ખેડૂતોને ૨૪ કલાક વીજળી, શિક્ષણ અને રોજગારી ક્ષેત્રે અનેક પગલાંઓ લઈ યુવાઓને નવી દિશા પુરી પાડી છે. આ તકે મુખ્યમંત્રીશ્રીએ ડબલ એન્જીનની સરકારે રાજકોટના વિકાસને નવી ઊંચાઈએ પહોંચાડી સમગ્ર સૌરાષ્ટ્રને વિકાસની દિશા પુરી પાડી હોવાનું જણાવ્યું હતું. પ્રદેશ પ્રમુખશ્રી સી.આર.પાટીલએ શાબ્દિક સ્વાગત કરતા જણાવ્યું હતું કે લોક કલ્યાણકારી અનેક યોજનાઓના માધ્યમથી સરકાર આજે લોકો સુધી પહોંચી તમામ સવલતો પુરી પાડવા નિરંતર પ્રયાસો કરી રહી છે. કોરોના કાળમાં પણ વડાપ્રધાનશ્રીએ દેશના વૈજ્ઞાનિકો ઉપર વિશ્વાસ રાખી ભરોસો મૂકીને દેશની જનતાને કોરાનાની રસી વિનામુલ્યે આપી છે. જામકંડોરણા ખાતે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. હેલીપેડથી સભા સ્થળ સુધી લાલ જાજમ બિછાવી હતી. જેના પર ચાલતા ચાલતા નરેન્દ્રભાઈ મોદીએ સૌનું અભિવાદન ઝીલ્યું હતું. આ સમયે મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલ પણ તેમની સાથે રહ્યા હતા. રસ્તામાં જામકંડોરણા કન્યા છાત્રાલયની વિદ્યાર્થિનીઓએ ગરબા રજૂ કર્યા હતા તો મહિલાઓએ તિરંગા લહેરાવીને તો કન્યા છાત્રાલયની ૬૦૦ બાળાઓએ પરંપરાગત રીતે વડાપ્રધાનશ્રીને ઉમળકાભેર આવકાર્યા હતા. સભા સ્થળે વડાપ્રધાનશ્રીનું આગમન થતાં જ જંગી જનમેદનીએ ચિચિયારીઓ અને મોદી.. મોદી..ના નાદ સાથે તેમનું સ્વાગત કર્યું હતું. આ કાર્યક્રમમાં લાખો લોકો ઉમટ્યા હતા. વડાપ્રધાનશ્રીના આગમન પૂર્વે લોક કલાકારોએ ડાયરાની રમઝટ બોલાવી હતી. આ તકે પૂર્વ મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી, સાંસદ સભ્યશ્રી મોહનભાઈ કુંડારિયા, શ્રી રામભાઈ મોકરીયા, શ્રી રમેશભાઈ ધડુક, શ્રી વિનોદભાઈ ચાવડા, શિક્ષણમંત્રીશ્રી જીતુભાઈ વાઘાણી, વાહન વ્યવહાર રાજ્યમંત્રીશ્રી અરવિંદભાઈ રૈયાણી, યુવા ભાજપના અગ્રણીશ્રી પ્રશાંત કોરાટ, ગુજરાત પ્રદેશ ઉપાધ્યક્ષ ડો.ભરત બોઘરા, ધારાસભ્યશ્રી જયેશભાઈ રાદડીયા, શ્રી કુંવરજીભાઈ બાવળીયા, શ્રી ગોવિંદભાઈ પટેલ, શ્રી લાખાભાઈ સાગઠીયા, રાજકોટ જીલ્લા પંચાયત પ્રમુખશ્રી ભૂપતભાઈ બોદર, ભાજપ અગ્રણીઓશ્રી રક્ષાબેન બોળીયા, શ્રી મનસુખભાઈ ખાચરીયા, શ્રી નાગદાનભાઈ ચાવડા, શ્રી મનસુખભાઈ રામાણી, શ્રી મનીષભાઈ ચાંગેલા, શ્રી મહેન્દ્રસિંહ સરવૈયા, શ્રી લલિતભાઈ રાદડિયા, તમામ તાલુકા તથા જીલ્લા પંચાયતના પ્રમુખશ્રીઓ, હોદ્દેદારો, સહકારી ક્ષેત્રના અગ્રણીઓ સહિતના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

રિપોર્ટ : દિલીપ પરમાર રાજકોટ.

 

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330

➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!