ગ્રામીણ સ્વરોજગાર તાલીમ સંસ્થાન (RSETI)ના મહિલા લાભાર્થીઓ સાથે સીધો સંવાદ કરતાં મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલ

ગ્રામીણ સ્વરોજગાર તાલીમ સંસ્થાન (RSETI)ના મહિલા લાભાર્થીઓ સાથે સીધો સંવાદ કરતાં મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલ
મહિલાઓના સર્વાંગી ઉત્થાન માટે રાજ્ય સરકાર કટિબદ્ધઃ મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલ
સરકારી યોજના અંતર્ગત તાલીમ મેળવી વાર્ષિક ૭ સાખ સુધીની કમાણી કરતા લાભાર્થીઓઃ તમામ લાભાર્થીઓએ રાજ્ય સરકારનો આભાર વ્યક્ત કર્યો
ગ્રામીણ સ્વરોજગાર તાલીમ સંસ્થાન (RSETI) મારફતે તાલીમ પામેલા લાભાર્થીઓ સાથે સ્વર્ણિમ સંકુલ-૧, ગાંધીનગર ખાતે બેઠક યોજાઈ હતી. આ બેઠક દરમિયાન કૃષિ, પશુપાલન, ગૌસંવર્ધન, મત્સ્યોદ્યોગ, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલે મહિલા લાભાર્થીઓ સાથે પ્રત્યક્ષ સંવાદ કરી મહિલાઓના સર્વાંગી વિકાસ માટે કટિબદ્ધતા વ્યક્ત કરી હતી.
મંત્રીશ્રી સાથે સંવાદ દરમિયાન લાભાર્થીઓએ રાજ્ય સરકારની યોજના અંગે સંતોષ વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, સ્વરોજગાર માટે આરસેટીનાં માધ્યમથી બેંક લોન લઇ આજીવિકા ઊભી કરવામાં મદદ મળી છે. ગ્રામીણ સ્વરોજગાર તાલીમ સંસ્થાન દ્વારા મળેલ તાલીમ થકી આત્મ-નિર્ભર બની વાર્ષિક અંદાજિત ૭ લાખ સુધીની આવક મેળવતા થયા હોવાથી મંત્રીશ્રી સમક્ષ રાજ્ય સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો.
મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલે આ પ્રસંગે લાભાર્થીઓને સંબોધન કરતાં કહ્યું હતું કે, મહિલાઓને સમાજમાં મોભાદાર સ્થાન પ્રાપ્ત થાય તે માટે તત્કાલીન મુખ્યમંત્રી અને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સૌપ્રથમવાર મહિલા-બાળ વિકાસ વિભાગની રચના કરી હતી. તેમણે મહિલાલક્ષી બજેટ રજૂ કરી મહિલા ઉત્થાન માટે અલગ નાણાકીય જોગવાઈ કરી હતી. આજે મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ મહિલાઓના સર્વાંગી વિકાસ માટે રાજ્યમાં વિવિધ મહિલા કલ્યાણની યોજનાઓ અમલમાં છે. તમામ ક્ષેત્રે મહિલાઓ પગભર થાય તે માટે રાજ્ય સરકાર વ્યવસાયિક તાલીમથી લઈ સ્વરોજગાર પ્રાપ્તિ સુધી સરકાર મહિલાઓને મદદ કરી રહી છે.
ઉલ્લેખનીય છે કે, ગ્રામ વિકાસ વિભાગ દ્વારા ગ્રામીણ સ્વરોજગાર તાલીમ સંસ્થાન (આરસેટી) અંતર્ગત સમગ્ર ગુજરાતનાં ગ્રામીણ વિસ્તારનાં ગરીબ કુટુંબના ૧૮ થી ૪૫ વર્ષના યુવાન/યુવતીઓને સ્વરોજગારી અંગેની નિઃશુલ્ક તાલીમ આપવામાં આવે છે. આ તાલીમમાં તાલીમાર્થીને મફત રહેવા-જમવાની સગવડ, યુનિફોર્મ, તાલીમ મટીરીયલ તથા આ અંગેનો અન્ય તમામ ખર્ચ સરકાર દ્વારા ભોગવવામાં આવે છે.
આરસેટી અંતર્ગત અપાતા તાલીમ કોર્સનો સમયગાળો ૬ થી ૪પ દિવસનો હોય છે, જેમાં ૬૧ પ્રકારના કોર્સની તાલીમ આપવામાં આવે છે. જેમાં કૃષિસંલગ્ન તાલીમ જેવી કે ડેરી, મરઘાં, મધમાખી ઉછેર, બાગાયત, રેશમ ઉછેર, મશરૂમની ખેતી, ફ્લોરીકલ્ચર, મત્સ્યઉછેર, વગેરે તાલીમનો સમાવેશ થાય છે. પ્રોડક્ટ સંલગ્ન તાલીમ જેવી કે ડ્રેસ ડિઝાઇનિંગ, રેકઝીન આર્ટિકલ્સ, બેગ, બેકરી પ્રોડક્ટ્સ, લીફ કપ મેકિંગ, રિસાયકલ પેપર ઉત્પાદન વગેરીની તાલીમ આપાય છે. જ્યારે પ્રોસેસ સંલગ્ન તાલીમ જેવી કે ટુ વ્હીલર રિપેર, રેડિયો/ટીવી રિપેર, મોટર રિવાઇન્ડિંગ, ઇલેક્ટ્રિકલ ટ્રાન્સફોર્મર રિપેર, સિંચાઈ પંપ-સેટ રિપેર, ટ્રેક્ટર અને પાવર ટીલર રિપેર, સેલ ફોન રિપેર, બ્યુટિશિયન કોર્સ, ફોટોગ્રાફી અને વિડિયોગ્રાફી, સ્ક્રીન પ્રિન્ટિંગ, ઘરેલું વિદ્યુત ઉપકરણો રિપેર, કમ્પ્યુટર હાર્ડવેર અને DTP વગેરે સમાવિષ્ટ છે. આ ઉપરાંત કૌશલ્ય વર્ધન તાલીમ જેવી કે, બીસી સખી, બેંક સખી, નાણાકીય સાક્ષરતાની તાલીમ તથા અન્ય તમામ સ્થાનિક જરૂરિયાતોને લગતી તાલીમ જેવી કે ચામડા, હોસ્પિટાલિટી અને અન્ય ક્ષેત્રો સાથે સંબંધિત તાલીમો આપવામાં આવે છે. તાલીમ પૂર્ણ થયા બાદ સ્વરોજગારી પૂરી પાડવા માટે બેંક થકી ક્રેડિટ લિન્કેજ કરાવી આપવામાં આવે છે.
આ યોજના ૧૦૦% કેન્દ્ર પુરષ્કૃત યોજના છે અને ગુજરાત રાજ્યમાં વર્ષ ૨૦૦૯થી અમલીકરણ કરવામાં આવે છે. કેન્દ્ર સરકાર દ્વારા તાલીમ ભવનનાં બાંધકામ માટે રૂ. ૨.૦૦ કરોડ સુધીની ગ્રાન્ટ તથા રાજ્ય સરકારશ્રી દ્વારા નિઃશુલ્ક જમીનની ફાળવણી કરવામાં આવી છે. હાલમાં ગુજરાત રાજ્યના ૨૮ જીલ્લામાં આરસેટી કાર્યરત છે. અત્યાર સુધી રાજ્યમાં કુલ ૨,૭૯,૮૩૫ યુવાન-યુવતીઓને તાલીમ આપવામાં આવી છે, જે પૈકી કુલ ૧,૯૬,૧૪૫ યુવાન- યુવતીઓને સ્વરોજગારી મેળવી છે.
આ બેઠકમાં ગ્રામ વિકાસ વિભાગના અગ્ર સચિવ અને કમિશનર, ગુજરાત લાઈવલીહૂડ પ્રમોશન કંપની લિ.ના સંયુક્ત મેંનેજીંગ ડાયરેકટર, આરસેટીનાં સ્ટેટ ડાયરેકટર, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના ડેપ્યુટી જનરલ મેનેજર, ખેડા, આણંદ ગાંધીનગર અને સાબરકાંઠા ગ્રામીણ સ્વરોજગાર તાલીમ સંસ્થાનના ડાયરેક્ટરશ્રીઓ તથા સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાનાં અન્ય અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300