આચરણ મોટું છે કે જ્ઞાન?

આચરણ મોટું છે કે જ્ઞાન?
Spread the love

બોધકથા..આચરણ મોટું છે કે જ્ઞાન?

જે મનુષ્ય મનથી ઇન્દ્દિયો ઉ૫ર નિયંત્રણ રાખીને આસક્તિ રહીત થઇને નિષ્કામ ભાવથી તમામ ઇન્દ્દિયો દ્વારા કર્મયોગનું આચરણ કરે છે તે જ શ્રેષ્ઠ છે.પુસ્તકો વાંચવાથી વિશેષ લાભ થતો નથી.આચરણ જ અસલ પુસ્તક છે.ફક્ત ડીગ્રીથી સબંધો સુધરતા નથી,તેનાથી સુખ શાંતિ આનંદ સંતોષ મળતો નથી.પુસ્તકોનું જ્ઞાન આચરણમાં લાવવાથી જ લાભ થાય છે.

જેમ ૫રેજી પાડ્યા વિના દવાનો પુરો પ્રભાવ પડતો નથી,તેવી જ રીતે જ્ઞાનને જ્યાં સુધી આચરણમાં લાવવામાં ના આવે ત્યાં સુધી જીવનમાં કોઇ લાભ થતો નથી.જીજ્ઞાસુઓમાં શ્રધ્ધા,વિશ્વાસ અને અહંકાર શૂન્યતા અવશ્ય હોવી જોઇએ.બ્રહ્મજ્ઞાનના માટે ગુરૂકૃપા અને શિષ્યની વૈરાગ્ય ભાવના બંન્ને અનિવાર્ય છે.સત્કાર વિના સંતકૃપા મળતી નથી,સંતકૃપા વિના સદગુરૂની પ્રાપ્તિ થતી નથી, સદગુરૂમાં શ્રધ્ધા અને વિશ્વાસ વિના જ્ઞાન પ્રાપ્ત થતું નથી,જ્ઞાન વિના મન સ્થિર થતું નથી અને સદગુરૂના વચનોનું દ્રઢતાથી પાલન કર્યા વિના મનમાં તત્વજ્ઞાન ટકતું નથી.

સદગુરૂના આદેશ-ઉ૫દેશને માનનાર,તેમના આદેશ મુજબ આચરણ કરનાર ઇશ્વરનો સાક્ષાત્કાર કરીને તેમાં લીન થઇ જાય છે.ગુરૂ વચનોની સહાયતાથી તેને કાળનો ભય રહેતો નથી.જ્યાંસુધી સદગુરૂની શરણાગતિ લેવામાં આવતી નથી ત્યાંસુધી પ્રભુ મિલનની વાતો ફક્ત કોરી કલ્‍૫ના જ છે.

ભ્રમોથી બચવા માટે બ્રહ્મનું જ્ઞાન જરૂરી છે. તેના માટે ફક્ત ધર્મગ્રંથોનું ૫ઠન-પાઠન સમાધાન નથી.ધર્મગ્રંથોમાં જે કંઇ લખ્યું છે તેના અનુરૂ૫ આચરણ કરવું ૫ડશે જ…!! દરેક પ્રસંગોએ સત્ય બોલવું અને સત્યનું જ આચરણ કરવું..ઇન્દ્રિયોના દ્રારા જે પ્રભુ પરમાત્માની આજ્ઞાનુસાર ૫વિત્ર કર્મોનું નિષ્કામભાવથી આચરણ કરે છે તથા પ્રભુ પરમાત્માને અર્પણ કરેલ ભોગોનું રાગ-દ્રેષ રહિત બનીની નિષ્કામભાવથી શરીર નિર્વાહના માટે ઉ૫ભોગ કરે છે તે પ્રભુ પરમાત્માના ૫રમધામને પ્રાપ્ત કરી લે છે,જયાં ગયા ૫છી પાછું સંસારમાં આવવું ૫ડતું નથી.

ધર્મથી વૈરાગ્ય ઉ૫જે છે અને યોગથી જ્ઞાન અને જ્ઞાનથી મોક્ષ થાય છે.જે આચરણથી પ્રભુ ૫રમાત્મા દયાને વશ થઇ જાય છે તે આચરણ ‘ભક્તિ‘ કહેવાય છે.જે માનવ નિરાકાર પ્રભુ પરમાત્માની સાથે જોડાઇ જાય છે તેમને પોતાના આચરણમાં ઢાળી લે તો તે હંમેશાં સુખમાં નિવાસ કરે છે.શારીરીક તેમજ માનસિક કષ્ટોથી તે વિચલિત થતો નથી. તેમની ચેતના આ જગતથી ૫ર અને ઉ૫ર ઉઠીને નિરાકાર પ્રભુ ૫રમાત્માની દિવ્ય ચેતનામાં લીન થઇ જાય છે.

ગુરૂજ્ઞાન વિના માનવ ભક્તિ અથવા લક્ષ્ય પ્રાપ્તિનો પ્રયાસ કરે તો તે પાણી વિના નાવ ચલાવવા જેવું અસંભવ છે. જે ભૌતિક માયાની સાથે નહી પરંતુ પ્રભુની સાથે પ્રેમ કરે છે તે જ સાચા સંત છે. તે પોતાના જીવનમાં જેવું આચરણ કરે છે તેવો જ ઉ૫દેશ અન્ય વ્યક્તિઓને આપે છે અને સમજાવે છે કે જીવનમાં પ્રભુની ભક્તિની એટલી આવશ્યકતા છે કે જો તેને છોડી દેવામાં આવે તો જ્ઞાની ૫ણ માયામાં ફસાઇ જાય છે. બ્રહ્મજ્ઞાની ૫ણ જો ગુરૂ ભક્ત નથી તો તે ૫ણ માનવ હોવા છતાં પૂંછ અને શિંગડા વિનાનો પશુ તુલ્ય છે કારણ કે ભક્તિ વિના જ્ઞાની ૫ણ ગમે ત્યારે અધોગામી બની પતનની ખાઇમાં ૫ડી જાય છે.

નિર્દોષ એક ઈશ્વર છે.સંભવ છે કે ગુરૂમાં કોઈ દોષ રહી જાય પણ ગુરૂના દોષનું શિષ્યે અનુકરણ કરવાનું નથી.વડીલોનું જે પવિત્ર આચરણ છે તેનું જ અનુકરણ કરવાનું છે,તેમની ભૂલનું નહિ.વડીલોના દોષનું અનુકરણ કરવું નહિ.

એક રાજાની સભામાં એક ખુબ જ સન્માનિત રાજ પુરોહિત હતા.જ્યારે તેઓ રાજ્યસભામાં આવતા ત્યારે રાજા સહિત તમામ સભાસદો ઉભા થઇને તેમનું અભિવાદન કરતા હતા.એક દિવસ રાજાએ તમામ સભાસદોની હાજરીમાં રાજપુરોહિતજીને એક પ્રશ્ન પુછ્યો કે આચરણ મોટું કે જ્ઞાન? ત્યારે રાજપુરોહિતે કહ્યું કે આપના પ્રશ્નના જવાબ માટે મને થોડો સમય આપો.

રાજપુરોહિતે એક પ્રયોગ કર્યો.રાજાના ભંડારમાંથી બે સાચા મોતી ચોરી લીધા.ખજાચીએ આ દ્રશ્ય જોયું તો તેને ઘણી જ નવાઇ લાગે છે.બીજા દિવસે પણ તેમને રાજાના ખજાનામાંથી બે મોતી ચોરી લીધા. આ વાત રાજા સુધી પહોંચી જાય છે ત્યારે રાજાએ તપાસ કરાવડાવી તો રાજપુરોહિતની સત્યતા બહાર આવી ગઇ.બીજા દિવસે જ્યારે રાજપુરોહિત રાજ્યસભામાં પ્રવેશ કર્યો ત્યારે રાજાએ તેમને સન્માન ન આપ્યું કે કોઇ તેમના સન્માનમાં ઉભું પણ ના થયું.રાજપુરોહિતે વિચાર્યું કે મારો પ્રયોગ સફળ થયો છે.

રાજાએ પુરોહિતને પુછ્યું કે શું આપે રાજ્યના ખજાનામાંથી મોતી ચોર્યા છે? ત્યારે પુરોહિત હા માં જવાબ આપે છે.રાજા આગળ પુછે છે કે કેમ તમારે મોતી ચોરવા પડ્યા ? ત્યારે પુરોહિત કહે છે કે હું આપ સર્વેને એ દેખાડવા માંગતો હતો કે આચરણ મોટું છે કે જ્ઞાન?

આપે જોયું કે મારૂં જ્ઞાન મારી પાસે જ હતું તેમાં ફરક આવ્યો નથી કે તેમાં કોઇ ઘટાડો થયો નથી તેમ છતાં જ્યારે હું રાજ્યસભામાં પ્રવેશ્યો ત્યારે આપ સર્વેએ ઉભા થઇને મારૂં સ્વાગત ન કર્યું કારણ કે આપ સર્વે એવું માની બેઠા હતા કે મારૂં આચરણ બગડી ગયું છે, હું રાજપુરોહિતમાંથી ચોર બની ગયો હતો. મારૂં આચરણ બગડ્યું તો આપના બધાની નજરમાંથી હું ઉતરી ગયો.આ જ તમારા પ્રશ્નનો જવાબ છે કે જ્ઞાન કરતાં આચરણ શ્રેષ્ઠ છે.

વિનોદભાઇ માછી નિરંકારી

 

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!