નવમી એપ્રિલે લેવાનાર જૂનિયર ક્લાર્ક પરીક્ષા વ્યવસ્થા અંગે આક્રોશ.

॥ લોકમત ॥
નવમી એપ્રિલે લેવાનાર જૂનિયર ક્લાર્ક પરીક્ષા વ્યવસ્થા અંગે આક્રોશ.
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા આ વખતે લેવાનાર જૂનિયર ક્લાર્ક પરીક્ષા બેઠક વ્યવસ્થા લોકમતે ખૂબ ચર્ચાસ્પદ વિષય બની ગયો છે. અગાઉની પેપર ફૂટવાની ઘટનાઓ હજી વિસરાઈ નથી.એના જખમ હજી આળા છે,રુઝાયા નથી જ.ત્યાં આ વખતે પરીક્ષાર્થીઓને દૂર દૂર ફેંકી દેવામાં વહીવટી તંત્રને શું રસ પડ્યો છે ? એ કોઈને પણ સમજાતું નથી.અરે મહેરબાનો ! પરીક્ષાર્થીઓને 264 રુપેડી આપવાની મશ્કરી કરતાં કોઈ માઈના જણ્યાને શરમ પણ ન આવી ??? એવરેજ પંચાણું ટકા છાત્રોને સો થી દોઢસો કિલોમીટરના અંતરે ફેંકવામાં આવ્યા હોવાનું ચર્ચાઈ રહ્યું છે.મહદ્અંશે પરીક્ષાર્થીઓ ગ્રામ્ય/ગરીબ અર્ધ શહેરી વિસ્તારોમાંથી હશે.એમાં પણ ગરીબ, વંચિત અને માંડ પેટિયું રળી ખાનાર ખેત મજૂર,કારીગર, ખેડૂત,પશુપાલક કે છૂટક કામે જનારાઓનાં સંતાનો હશે.આમાં ઘણાંની આર્થિક સ્થિતિ તકલીફોનું ઘર હશે. ઘેરથી પરીક્ષા સ્થળે પહોંચવા આશરે ચાર કલાકનો સમય થાય જ.બધાને પોતાનાં વાહન ક્યાંથી હોય?? હોય તો પણ ઓછાં પાણીથી ચાલે છે?? અપરિચિત સ્થળે પહોંચવા પરીક્ષાર્થીઓને કેટલી,કેવા પ્રકારની મુશ્કેલીઓ પડે છે? એ આ અંધેર વહીવટને ક્યાંથી ખબર હોય ?? બેફામ,બેજવાબદાર, સતત બદલાતા કાયદાઓની જનેતા સરકાર,અંગ્રેજોને પણ સારા કહેરાવી રહી છે.
બિચારા આગલા દિવસે નીકળી,ક્યાંક રાતવાસો કરશે,ભોજન- નાસ્તાના ખર્ચને બચાવવા કેટલાક ભૂખ્યા પણ સુઈ રહેશે.સારું ગામ કે કોઈ જગ્યાએ સેવાભાવી સંસ્થાઓ જરૂર મદદરૂપ બને છે એ ઘણું સારું છે. પણ બધી જગ્યાએ આમ ક્યાંથી હોય ?? લોકમતે સૌથી મોટો અને સળગતો પ્રશ્ન એ છે કે જનતા છાત્રોની મદદ કરી શકે તો સરકાર માત્ર નાણાંથી તીજોરી ભરવાના જ કામની ?? એ પણ કોના માટે ??? આ પણ પ્રવર્તમાન સમયે વિચારણીય મુદ્દો છે.
ઠીક છે,ક્યાંય પણ વ્યવસ્થા ગોઠવવી એ વહીવટી જવાબદારી છે. આપણે સ્વીકારી લઈએ. પણ દૂર દૂર ફેંકવાના કારણ માટે ચોરી અટકાવવાની સાવ બાલીસ તરકીબ કોઈને પણ ગળે ઉતરતી નથી. પેપર ક્યાંથી ફૂટે છે?, કોણ ફોડે છે? એ બધી વાતો હવે કાંઈ અજાણી નથી જ.પરીક્ષામાં ચોરી ન થાય તે માટે મહિના અગાઉ પરીક્ષા સ્થળ તપાસ,સીસીસી ટીવી કેમેરા, સ્થળ સંચાલક, સુપરવાઇઝર વગેરેની ચકાસણી કરવામાં આવે છે. કર્મચારીઓ કે પરીક્ષાર્થીઓની તુલનામાં પેપર કૌભાંડો સાથે સંકળાયેલ પરિબળો અને કાંડ બહારથી થતાં હોવાનું વખતો વખતની ઘટનાઓમાં જાણવા મળ્યાં છે.ગુજરાતની પ્રજાને હજી સુધી વિશ્વાસ છે કે પરીક્ષા ખંડમાં માત્ર…..વિદ્યાર્થી, શિક્ષક અને સુપરવાઇઝર વગેરે સૌ વિશાળ પાયે બહું ઓછા ગુનેગાર થતા સાંભળ્યા છે. એસ એસ સી,એચ એસ સી પરીક્ષામાં લાખો વિદ્યાર્થીઓ લગભગ ઘર આંગણે જ પરીક્ષા આપે છે.ઘર આંગણે પરીક્ષાને કારણે ચોરીઓ થાય છે એવું બહું ઓછું બન્યું છે.પણ એ પરીક્ષાઓમાં આટલી ક્રુરતા જોવા મળી નથી.
ચોરેચૌટે એક જ ચર્ચા સાંભળવા મળે છે કે પરીક્ષા કૌભાંડનાં દરેક પગેરાં લગભગ ઉપલા લેવલેથી જ ગતિ કરતાં જ જણાયાં છે. અગાઉથી મહા ગોઠવણ એ હાલના તંત્રની કાબેલિયત ગણાય છે. કોરી ઉત્તરવહીમાં માત્ર એક-બે જ મીંડા કરી ઘણું બધું ગોઠવાય છે.કેટલું સાચું એ ભગવાન જાણે !! લોકમત તો ત્યાં સુધી કહે છે કે આ ગોઠવણ લાખોના આંકડે વહેવારમાં હાથ નાખે છે. લોકમતને…. અફસોસ એ વાતે છે કે શિક્ષણ તંત્ર કથળ્યું,એટલે ખાનગી શાળા/ મહાશાળાઓમાં ખૂબ ખર્ચા કર્યા, હજારો ખર્ચ કરીને, ટ્યૂશન રાખી તૂટી જવાયું છે.હવે દૂર સ્થળે પહોંચી પૈસાનો ધુમાડો.વાહ ! સરકાર વાહ! વહીવટી તંત્ર પણ દિવસે દિવસે કોન્ટ્રાક્ટ પદ્ધતિના ખોળે બેસી રહ્યું છે.આ આન્સર સીટો તપાસવા અને પરિણામ બનાવવા પણ ખાનગી એજન્સીને કામ અપાશે.છાત્રોની ચિંતા કરનારાઓ ને નવાઈ એ વાતે છે કે જનતા સાવ અજાણ તો નથી જ. માત્ર લાચાર છે.
પણ દુઃખ એ બાબતે છે કે આટલી સહન શક્તિ ક્યાંથી?? કોના માટે?? ક્યાં સુધી??
આયોગના અધ્યક્ષનું નિવેદન પણ કેટલુ હાસ્યાસ્પદ !!!. તેઓએ કહ્યું, ” અમે જાણી જોઈને આટલે દૂરની વ્યવસ્થા કરી છે.ચોરીઓ ઓછી થાય માટે. ” અરે સાહેબ !એસીમાં બેસનારને જનતાની વેદના નહીં સમજાય !! એક દિવસ જનતાના બની જૂઓ.ખબર પડે, તકલીફ કોને કહેવાય ?? GST પછી વિવિધ પ્રકારે હવે સરકારને અબજોની આવક થાય છે.(જનતા તમારા આંકડાઓને આધાર બનાવીને આ નિવેદન આપે છે.) ચૂંટણી ટાણે છેક ઊંડાણમાંથી રાતોરાત માણસો ઢસડી લાવી ભીડ ભેગી કરીને એસ.ટી બસને કરોડોના ઉધાર ખાડે નાખી,આપતી વખતે ટટળાવવામાં કાબેલ સરકારને અહીં પેટમાં ક્યાં દુખે છે?? શું પરીક્ષાર્થીઓને પણ એમ ન લાવી- લઈ જઈ શકાય ??? પણ….
ભલે !એમાં સરકાર કરતાં અમે વધુ દોષિત છીએ. કારણ…… અમે અમારાં કર્યાં ભોગવી રહયાં છીએ.
શ્રી શ્યામજીભાઈ દેસાઈ
પૂર્વ અધ્યાપક સર્વ વિદ્યાલય હા.કડી તા.કડી જિ.મહેસાણા. સંપર્ક…94274 71991
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300