શ્રીમદ ભગવદગીતાના તેરમા અધ્યાયનું માહાત્મય

શ્રીમદ ભગવદગીતાના તેરમા અધ્યાયનું માહાત્મય
Spread the love

શ્રીમદ ભગવદગીતાના તેરમા અધ્યાયનું માહાત્મય

શ્રી મહાદેવ કહે છે કે પાર્વતી ! હવે તમે શ્રીમદ ભગવદ ગીતાના તેરમા અધ્યાયનો મહિમા સાંભળો.દક્ષિણ ભારતમાં તુંગભદ્ર નદીના કિનારે હરિહરપુર નામનું રમણીય નગર આવેલું છે.ત્યાં હરિહર નામે સાક્ષાત ભગવાન શિવજી બિરાજમાન છે, જેમના દર્શનમાત્રથી પરમ કલ્યાણની પ્રાપ્તિ થાય છે.આ હરિહરપુર નગરમાં હરિ દીક્ષિત નામના એક ક્ષોત્રિય બ્રાહ્મણ રહેતા હતા જે હંમેશાં તપસ્યા અને સ્વાધ્યાયમાં લાગેલા રહેતા હતા તથા તેઓ વેદોના પરમ વિદ્વાન હતા.તેમની એક પત્ની હતી જેને લોકો દુરાચાર નામથી બોલાવતા હતા, તેનામાં નામ અનુસાર જ ગુણકર્મ હતા, તે હંમેશાં પોતાના પતિને અપશબ્દો કહ્યા કરતી હતી.તેને ક્યારેય પોતાના પતિ સાથે શયન કર્યું નહોતું.તેના પતિની સાથે સબંધ રાખનારા જેટલા પણ લોકો તેના ઘેર આવતા હતા તે બધાને તે અપમાનિત કરીને ભગાડી મુકતી હતી અને પોતે ચારીત્ર્યહીન વ્યભિચારી લોકો સાથે ફરતી હતી.

એક દિવસ નગરમાં અવર-જવર હોવાથી તે નજીકના વનમાં નિર્જન અને દુર્ગમ સ્થાન ઉપર જાય છે.રાત્રીએ તેને કોઇ કામી પુરૂષ ન મળતાં તે વનમાં આમતેમ ફાંફા મારે છે પણ કોઇ કામી પુરૂષ તેને મળતો નથી તેથી તે વિલાપ કરે છે.આ વિલાપ કરતી સ્ત્રીનો અવાજ સાંભળીને જંગલમાં સૂઇ રહેલ એક વાઘ જાગી જાય છે અને તેની પાસે આવી પહોંચે છે અને પોતાના પંજો મારીને તેને જમીન ઉપર પાડી દે છે.તે સમયે તે બુમાબુમ કરે છે અને વાઘને પુછે છે કે તૂં મને કેમ મારી નાખવા ઇચ્છે છે? તેનું કારણ બતાવીને પછી તૂં મને મારી નાખ.

સ્ત્રીની વાત સાંભળી વાઘ હસીને કહે છે કે દક્ષિણ દેશમાં મલાપહા નામની એક નદી છે,તેના કિનારા ઉપર મુનિપર્ણા નામની નગરી છે,ત્યાં ર્પંચલિંગ નામથી પ્રસિદ્ધ સાક્ષાત ભગવાન શંકર નિવાસ કરે છે.આ નગરીમાં હું મનુષ્ય અવતારમાં બ્રાહ્મણના રૂપમાં રહેતો હતો.હું નદીના કિનારે એકલો બેસી રહેતો હતો અને જે યજ્ઞના અધિકારી નથી તેવા લોકો પાસે યજ્ઞ કરાવીને તેમનું અન્ન ખાતો હતો,એટલું જ નહી, ધનના લોભના કારણે હું હંમેશાં વિદ્યા વેચતો હતો.

મારો લોભ એટલો વધી ગયો કે અન્ય ભિક્ષુઓને ગાળો બોલીને તેમને દૂર ભગાડી મુકતો હતો.ઋણ લેવાના બહાને હું લોકો સાથે છળકપટ કરતો હતો.સમય પસાર થતાં હું વૃદ્ધ થયો,મારા વાળ સફેદ થઇ ગયા,આંખોની રોશની ઓછી થઇ ગઇ અને મારા મુખના તમામ દાંત પડી ગયા,તેમછતાં મારી દાન લેવાની ટેવ ના છુટી.તહેવાર આવતાં દાન લેવાના લોભના કારણે હાથમાં કુશ લઇને હું તીર્થોમાં જતો હતો.ત્યારબાદ જ્યારે મારા શરીરના તમામ અવયવો શિથિલ થઇ ગયા ત્યારે એકવાર હું કેટલાક ધૂર્ત બ્રાહ્મણોના ઘેર માંગીને ખાવા માટે ગયો, તે જ સમયે મારા પગ ઉપર એક કૂતરો કરડે છે જેથી હું મૂર્છિત થઇને જમીન ઉપર ઢળી પડ્યો, મારા પ્રાણ નીકળી ગયા અને પછી મને આ વાઘની યોનિમાં જન્મ મળે છે, ત્યારથી હું આ દુર્ગમ વનમાં રહું છું તથા મારા પૂર્વજન્મના પાપોને યાદ કરીને હું ક્યારેય કોઇ ધર્મિષ્ઠ મહાત્મા,યતિ, સાધુ પુરૂષ કે સતી સ્ત્રીઓને ખાતો નથી પરંતુ પાપી-દુરાચારી, અને કુલટા સ્ત્રીઓને મારો આહાર બનાઉં છું અને તૂં કુલ્ટા સ્ત્રી હોવાથી આજે હું તને ખાઇ જવાનો છું.

આમ કહીને વાઘે પોતાના કઠોર નખોથી તેના શરીરના ટુકડા કરીને ખાઇ ગયો.ત્યારબાદ યમરાજાના દૂતો આ પાપિનીને સંયમની પુરીમાં લઇ ગયા અને યમરાજાની આજ્ઞાથી તેને અનેકવાર વિષ્ઠા મૂત્ર અને રક્ત ભરેલા ભયાનક કુંડોમાં નાખવામાં આવે છે.અનેક વર્ષો સુધી તેમાં રાખ્યા બાદ તેને ત્યાંથી લઇ જઇને સો મન્વતરો સુધી રૌરવ નામના નરકમાં નાખી,ત્યાર પછી તેને દહનાનન નામના નરકમાં નાખવામાં આવે છે.

તે સમયે તેના કેશ ખુલ્લા હતા અને શરીર ભયાનક લાગતું હતું.આમ ઘોર નરકયાતના ભોગવ્યા પછી તેને આલોકમાં ચાંડાલ યોનીમાં જન્મ આપવામાં આવે છે.ચાંડાલના ઘરમાં તે ઉંમરલાયક થતાં પૂર્જનન્મના અભ્યાસ અને સંસ્કાર અનુસાર ફરીથી પાછી પાપ કર્મોમાં લાગી ગઇ અને તેના પરીણામે તેને કોઢ જેવા અનેક રોગ થયા અને છેલ્લે તે પોતાનું મૂળ નિવાસસ્થાન હરિહરપુર આવી જાય છે કે જ્યાં ભગવાન શિવના અંતઃપુરની સ્વામિની જમ્ભકા દેવી વિરાજમાન છે ત્યાં તેને વાસુદેવ નામના પવિત્ર બ્રાહ્મણનું દર્શન થાય છે કે જે નિરંતર શ્રીમદ ભગવદ ગીતાના તેરમા અધ્યાયનો પાઠ કરતા હતા,તેમના શ્રીમુખથી ગીતાનો પાઠ સાંભળતાં જ તે ચાંડાલના શરીરથી મુક્ત થાય છે અને દિવ્યદેહ ધારણ કરીને સ્વર્ગલોકમાં જાય છે.

ગીતાના તેરમા અધ્યાયનો સાર એ છે કે સંસારમાં એક પરમતત્વ જ જાણવા યોગ્ય છે,તેના જાણ્યા પછી અમરતાની પ્રાપ્તિ થાય છે.આ રૂપના કારણે દેખાતા આ શરીરને ક્ષેત્ર અને આ ક્ષેત્રને જે જાણે છે તેને જ્ઞાનીજનો ક્ષેત્રજ્ઞ કહે છે.જે પૃથ્વી પાણી અગ્નિ વાયુ અને આકાશ-આ પાંચ તત્વોનું બનેલું છે એટલે કે માતાપિતાના રજ-વિર્યથી પેદા થાય છે તેને સ્થૂળ શરીર કહે છે, તેનું બીજું નામ અન્નમયકોશ છે.આ સ્થૂળ શરીર પાંચ જ્ઞાનેન્દ્રિયો,પાંચ કર્મેન્દ્રિયો,પાંચ પ્રાણ,મન અને બુદ્ધિ-આ સત્તર તત્વોથી બનેલ છે.

શરીરને ક્ષેત્ર કહેવાનો બીજો ભાવ ખેતર છે.જેવી રીતે ખેતરમાં જાત-જાતના બી વાવીને ખેતી કરવામાં આવે છે એવી જ રીતે આ મનુષ્ય શરીરમાં અહંતા-મમતા કરીને જીવ જાત-જાતનાં કર્મો કરે છે, આ કર્મોના સંસ્કાર અંતઃકરણમાં પડે છે.એ સંસ્કારો જ્યારે ફળના રૂપમાં પ્રગટ થાય છે ત્યારે દેવતા,પશુ-પક્ષી કીટ-પતંગ વગેરનું બીજું શરીર મળે છે.

ભગવાન કહે છે કે બધા ક્ષેત્રોમાં ક્ષેત્રજ્ઞ એટલે કે જીવાત્મા તૂં મને જ જાણ અને ક્ષેત્ર-ક્ષેત્રજ્ઞનું જે જ્ઞાન છે તે જ જ્ઞાન છે.મૂળ પ્રકૃતિ અને સમષ્ટિ બુદ્ધિ(મહતત્વ), અહંકાર,પાંચ મહાભૂત(પૃથ્વી પાણી અગ્નિ વાયુ અને આકાશ) દશ ઇન્દ્રિયો(આંખ કાન નાક જીભ અને ત્વચા-આ પાંચ જ્ઞાનેન્દ્રિયો,હાથ પગ વાણી ગુદા અને ઉપસ્થ-આ કર્મેન્દ્રિયો) મન અને પાંચ ઇન્દ્રિયોના વિષયો( શબ્દ સ્પર્શ રૂપ રસ અને ગંધ) આ ચોવીસ તત્વવાળું ક્ષેત્ર છે.આ ક્ષેત્ર ઇચ્છા-દ્વેષ,સુખ-દુઃખ, સ્થૂળ શરીર,ચેતના(પ્રાણશક્તિ) અને ધૃતિ (ધારણશક્તિ) વગેરે સાત વિકારોવાળું છે.

શ્રીમદ્ ભગવદ્ ગીતાના તેરમા અધ્યાયમાં જ્ઞાનીનાં વીસ લક્ષણોનું વર્ણન કરવામાં આવેલ છે. શરીરની સાથે તાદાત્મય કરી લેવાથી ઇચ્છા-દ્રેષ વગેરે વિકાર પેદા થાય છે અને આ વિકારોની અસર આપણી ઉ૫ર ૫ડે છે એટલા માટે શરીરની સાથે થયેલ તાદાત્મયને દૂર કરવા આવશ્યક વીસ સાધનોનું જ્ઞાનના નામથી ભગવાને વર્ણન કરેલ છે.

પોતાને શ્રેષ્ઠ માનવારૂપી અભિમાનનો અભાવ, દંભાચરણનો અભાવ, અહિંસા, ક્ષમાભાવ, સરળતા, પોતાના ગુરૂની સેવા, બાહ્ય તેમજ આંતરીક શુ્દ્ધિ, સ્થિરતા અને મનનું વશમાં હોવું..ઇન્દ્રિયોના વિષયોમાં વૈરાગ્ય, અહંકારનો અભાવ, જન્મ-મૃત્યુ વૃદ્ધાવસ્થા અને રોગ વગેરેમાં દુઃખરૂપ દોષોને જોવા.. આસક્તિનો અભાવ, સ્ત્રી-પૂત્ર ઘર અને ધન વગેરેમાં મમતા ન હોવી, પ્રિય અને અપ્રિયની પ્રાપ્તિમાં ચિત્તનું સમ રહેવું.. પરમેશ્વરમાં અનન્યયોગ દ્વારા અવ્યભિચારીણી ભક્તિ, એકાંત અને શુદ્ધ સ્થાનમાં રહેવાનો સ્વભાવ અને જન સમુદાયમાં અપ્રિતિ.. અધ્યાત્મ જ્ઞાનમાં નિત્ય સ્થિતિ, તત્વજ્ઞાનના સારરૂપે પરમાત્માનો સર્વત્ર અનુભવ કરવો..આ વીસ સાધનો જ્ઞાન છે,જ્ઞાનીનાં લક્ષણ છે અને જે બધાથી વિપરીત છે તે અજ્ઞાન છે.

પરમાત્મા તત્વને જાણીને મનુષ્ય અમરતાનો અનુભવ કરે છે.ભગવાન કહે છે કે સૃષ્ટિના પહેલાં પણ હું વિદ્યમાન હતો,મારા સિવાય બીજું કશું જ નહોતું અને સૃ્ષ્ટિ ઉત્પન્ન થયા પછી આ સંસારમાં જે કંઇ દેખાય છે તે પણ હું જ છું..પરમાત્મા તમામ ઇન્દ્રિયો વિનાના અને તમામ ઇન્દ્રિયોના વિષયોને પ્રકાશિત કરવાવાળા તથા આસક્તિ રહિત છે.તમામ સંસારનું ભરણ-પોષણ કરવાવાળા છે અને નિર્ગુણ નિરાકાર હોવા છતાં સંપૂર્ણ ગુણોના ભોક્તા છે.પરમાત્મા તમામ પ્રાણીઓની અંદર-બહાર વ્યાપેલા છે.

વિનોદભાઇ માછી નિરંકારી

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300

 

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!