બોધકથા..આંધળુ અનુકરણ ન કરો..
એક ગામમાં એક મહારાજ સત્યનારાયણ ભગવાનની કથા કરી રહ્યા હતા.ગામના તમામ ભક્તો કથાનું રસપાન કરવા આવ્યા હતા.તમામે મન લગાવીને કથા સાંભળી અને જ્યારે કથા પુરી થઇ ત્યારે કથા કરનાર મહારાજને નિયમોનુસાર દક્ષિણા અને અનાજનું દાન આપવા લોકો લાઇનમાં ઉભા રહી ગયા. અનાજ અને દક્ષિણા આપતી વખતે લાઇનમાં એમ મહિલા સૌથી આગળ ઉભી હતી.તેને અનાજ અને દક્ષિણા આપી સાથે સાથે મહારાજશ્રીના લલાટમાં કુમકુમનું તિલક કરી પૂજન પણ કર્યું.તિલક કર્યા પછી આ મહિલાએ નીચે પડેલ પિપળાના પાનને લઇને તેની ઉપર કુમકુમ લગાવી ઘેર ચાલી ગઇ. લાઇનમાં ઉભેલા તમામ ભાઇ-બહેનોએ આ દ્રશ્ય જોયું અને એક પછી એક તમામે આ બહેનનું અનુકરણ કરી બહેને જેમ કર્યું તેમ મહારાજને તિલક કરી પિપળના પાન લઇને તેની ઉપર કુમકુમ લગાવવા લાગ્યા.મહારાજ દક્ષિણા લેવામાં વ્યસ્ત હતા.
આ દ્રશ્ય એક સજ્જન યુવક જોઇ રહ્યો હતો ત્યારે તેના મનમાં પ્રશ્ન થયો કે તમામ લોકો મહારાજશ્રીને તિલક કરી રહ્યા છે તે તો યોગ્ય છે પરંતુ પિપળાના ઝાડ નીચે પડેલા પાન ઉપર તિલક કેમ કરી રહ્યા છે? યુવાને આ પ્રશ્ન તમામને પુછ્યો તો તમામે એક જ જવાબ આપ્યો કે આગળવાળા જેમ કરી રહ્યા છે એટલે અમે પણ તે મુજબ કરીએ છીએ.ત્યારે આ યુવકે પ્રથમ પૂજા કરી હતી તે મહિલા તો ઘેર જતી રહી હતી તેના ઘેર જઇને પ્રશ્ન પુછ્યો કે આપે નીચે પડેલ પિપળાના પાન ઉપર તિલક કેમ કર્યું હતું? ત્યારે મહિલાએ કહ્યું કે કેવું તિલક? મેં તો મારો હાથ જે કુમકુમવાળો થયો હતો તેને લુછવા માટે પિપળાના પાનનો ઉપયોગ કર્યો હતો.તે સાંભળીને આ યુવક લોકોની મૂર્ખતા ઉપર જોર-જોરથી હસવા લાગ્યો અને પોતાના ઘેર ચાલ્યો ગયો.
આને કહેવાય આંધળું અનુકરણ.હાલના સમયમાં આવું દરેક જગ્યાએ જોવા મળે છે.પછી ભલે તે સામાજીક ક્ષેત્ર હોય, રાજનીતિ, અર્થકારણ, શિક્ષણ કે આધ્યાત્મિક ક્ષેત્ર હોય તમામ જગ્યાએ ફક્ત આંધળું અનુકરણ જોવા મળે છે. વર્તમાન સમયમાં સૌથી વધુ આંધળું અનુકરણ અધ્યાત્મ અને ધર્મના ક્ષેત્રમાં જોવા મળે છે.અમારો સનાતન વૈદિક ધર્મ સત્ય અને વિજ્ઞાનના પાયા ઉપર ઉભો છે.પ્રત્યેક કૃતિની પાછળ તર્ક અને વિજ્ઞાન આવશ્યક છે. વ્યક્તિ પોતે વ્યક્તિગત અંધશ્રદ્ધા ઊભી કરે છે. ઘણા લોકો કોઈ તારીખ વાર સમય સ્થળ વસ્તુ રંગ વ્યક્તિ કે પ્રક્રિયાને શુકનવંતી કે અપશુકનિયાળ માને છે.ઘણા વિદ્યાર્થી અમુક જ કલમથી પરીક્ષામાં પ્રશ્નપત્ર લખે,ઘણા વ્યક્તિ અમુક જ સમયે ઘરની બહાર નીકળે,કોઈ એક આંકડાને શુકનિયાળ માનીને પોતાની જિંદગીમાં તેનો ઉપયોગ કર્યા કરે કે તે મુજબ વ્યવહારો ગોઠવે..આ બધાં અંધશ્રદ્ધાનાં બાહ્ય સ્વરૂપો છે.
આપણે કોઈને ખબર નથી કે કાલે શું થવાનું છે? આથી બુદ્ધિનો ઉપયોગ કરીને કોઇપણ પ્રકારના વહેમ રાખ્યા વિના તમામ કર્તવ્ય કર્મ તાત્કાલીન પૂર્ણ કરવા જોઈએ.આપણે કોઇ અગત્યના કામ માટે બહાર નીકળીએ તો ક્યારેક ગાય તો ક્યારેક કોઇ વિધવા સ્ત્રી તો ક્યારેક કોઈ છીંક ખાય અને આપણું અચેતન મન ખચકાય છે આ અંધશ્રદ્ધા છે.પ્રભુ પરમાત્માનું નામ લઇને શરૂ કરવામાં આવેલ દરેક કાર્ય શુભ જ થાય છે. આપણા મનમાં અંધશ્રદ્ધા નામનો પ્રેતાત્મા અને અપશુકન નામની ડાકણ જો પોતાનું ઘર ના બનાવે તે માટે જીવનમાં સાચા સંતોના સંગમાં રહી સેવા સુમિરણ સત્સંગમાં મનને લગાવવાની જરૂર છે.
ચાલુ વર્ષની શરૂઆતમાં એક સમાચાર છપાયા હતા કે તાંત્રિક પાસે પૂજા કરાવવા ગયેલી આંગણવાડીની કાર્યકર ઉપર બળાત્કાર કરીને એને નિર્દયતાપૂર્વક માર મારવાના અને એની સાથે પાશવી અત્યાચાર કર્યો હતો.કોઇ તાંત્રિકે બળાત્કાર કર્યો હોય એવા આ પહેલા સમાચાર નથી.એક સ્ત્રી કે યુવતી છેતરાઈ હોય એવું પહેલીવાર નથી બન્યું,આવું અવાર-નવાર થાય છે.તાંત્રિક પૂજારી જ્યોતિષ કે ભૂવાઓ પાસે જતી સ્ત્રીઓની સંખ્યા ઘટતી નથી પરંતુ વધતી જાય છે.પહેલાં એવું માનવામાં આવતું હતું કે અંધશ્રદ્ધા ફક્ત અભણ અને ગામડાના લોકોમાં જ હોય છે પરંતુ આ અંધશ્રદ્ધા ભણેલા,મધ્યમ અને ઉચ્ચ વર્ગના લોકોમાં પણ જોવા મળે છે.
જેમ અંધશ્રદ્ધા એક રોગ છે તેમ ધાર્મિક પરંપરાઓનો સમજ્યા વિનાનો વિરોધ પણ રોગ છે. અંધશ્રદ્ધા માનવ મનની માન્યતા છે. આ માન્યતા નક્કર કારણો કે જ્ઞાન પર આધારીત હોતી નથી પરંતુ લોકવાયકા કે પરાપૂર્વેથી ચાલી આવતી પરંપરાઓ પર આધારીત હોય છે.પુરાતન સમયમાં મનુષ્ય અનેક ક્રિયાઓ તથા ઘટનાઓ પાછળનાં કારણોને સમજી શકતો ન હતો.અજ્ઞાનવશ એમ સમજતો કે એની પાછળ કોઈ અદૃશ્ય શક્તિ રહેતી હોય છે.
વર્ષા વીજળી રોગ ભૂકંપ વૃક્ષપાત કુદરતી આપત્તિ વગેરે ઘટનાઓને અજ્ઞાત તથા અજ્ઞેય દેવ, ભૂત-પ્રેત અને પિશાચનાં પ્રકોપનું પરિણામ તરીકે માનવામાં આવતું હતું. હાલ વિજ્ઞાનનો વિકાસ થવા છતાં પણ આવા વિચાર ઓછા થયા નથી. નાના બાળકોના ગાલ કે કપાળ પર કાળું ટીકું કરવાથી નજર લાગતી નથી તેવી વ્યાપક અંધશ્રદ્ધા આજે પણ ચાલે છે. મનુષ્યનું જીવન શ્રદ્ધા અને વિવેકથી ચાલે છે..વિવેક ના હોય ૫રંતુ શ્રદ્ધા હોય તો બીજાના વિવેકથી લાભ ઉઠાવી શકાય છે.બીજાના વિવેકથી લાભ ઉઠાવવાની યોગ્યતાનું નામ શ્રદ્ધા છે.પ્રેમ અને શ્રદ્ધાની પ્રબળતા હોય તો ભયંકરમાં ભયંકર કષ્ટો ૫ણ કોમળ વ્યક્તિ સહન કરતી હોય છે.
સુમિત્રાબેન દાદુભાઇ નિરંકારી
છક્કડીયા(ધાણીત્રા),તા.ગોધરા(પંચમહાલ)