બોધકથાઃ સંતના વચનનો મહિમા

બોધકથાઃ સંતના વચનનો મહિમા
એક સંતના આશ્રમમાં તેમના ત્રીસ શિષ્યો રહેતા હતા.એક શિષ્યે ગુરૂજીની આગળ અરદાસ પ્રાર્થના કરી કે મહારાજ..મારી બહેનના લગ્નને હવે એક મહિનો જ બાકી છે તો તેની તૈયારી કરવા માટે મારે દશ દિવસ ઘેર જવું પડશે અને આપ પણ અમારા ઘેર પધારો તો ઘણું સારૂં,ત્યારે ગુરૂજી કહે છે કે કર્તા-હર્તા પ્રભુ પરમાત્મા છે.આપણા જીવનમાં સમય સમય પર તમામ કાર્યો સંપન્ન થતા હોય છે છતાં શિષ્ય વચ્ચે વચ્યે ગુરૂજીને કહે છે કે આપે મને થોડી ઘણી મદદ કરવી પડશે.આખરે લગ્નનો સમય નજીક આવી ગયો ત્યારે શિષ્ય કહે છે કે ગુરૂજી હું કાલે સવારે ઘેર જઇશ.સવાર થતાં શિષ્ય ઘેર જવા તૈયાર થાય છે ત્યારે ગુરૂજીએ તેને પાંચ કિલો અનાર આપે છે અને કહે છે કે ભગવાનની કૃપાથી તમારી બહેનના લગ્ન ખુબ જ ધામધૂમથી કરો કે આવા લગ્ન તો ક્યારેય જોયા ન હોય તેવા થાય અને શિષ્યની જોડે બે સેવકોને લગ્નના કામમાં મદદ કરવા મોકલે છે.
ગુરૂજીના આશ્રમથી ૧૦૦ કિલોમીટર ગયા પછી શિષ્ય સેવકો સાથે ચર્ચા કરે છે કે મારી બહેનના લગ્ન માટે મારી પાસે કશું જ નથી તે જાણવા છતાં ગુરૂજીએ મને કંઇ જ મદદ કરી નથી.બે દિવસ બાદ તે ઘેર પહોંચે છે.તેનું ઘર રાજસ્થાનના રણપ્રદેશમાં આવેલું હતું કે જ્યાં કોઇ ખેતીવાડી થતી નહોતી.ત્યાંના રાજાની દિકરીને એક ગંભીર પ્રકારની બિમારી થાય છે.રાજવૈદ્ય કહે છે કે હું જે દવા આપું છું તે દવા રાજકુંવરીને અનાર સાથે આપવામાં આવશે તો જ બિમારી જલ્દી સારી થશે.તે સમયે રાજા નગરમાં જાહેરાત કરે છે કે જે કોઇની પાસે અનાર હોય અને તે મને આપશે તો તેને મોં માગ્યું ઇનામ આપવામાં આવશે.રાજાએ આખા નગરમાં જાહેરાત કરી કે જેની પાસે અનાર હોય તેમને તાત્કાલીક રાજકુમારીના ઇલાજ માટે અનાર આપવા વિનંતી છે.
રાજાની જાહેરાતની ખબર શિષ્યની સાથે આવેલા સેવકોને પડે છે ત્યારે તે કહે છે કે તમારી પાસે ગુરૂજીના આપેલ જે અનાર છે તે લઇને આપણે રાજદરબારમાં જઇએ.રાજા પાસે જઇને રાજાને અનાર આપે છે.વૈદ્ય અનારનો રસ કાઢી દવા સાથે પીવડાવે છે અને તેનાથી રાજકુમારીની તબિયત સારી થઇ જાય છે.રાજા પુછે છે કે તમે લોકો ક્યાંથી આવ્યા છો? ત્યારે સેવકો તમામ હકીકત રાજાને કહે છે ત્યારે રાજા કહે છે કે તમારા આપેલ અનારથી મારી દિકરીની બિમારી દૂર થઇ છે એટલે તમારી બહેનના લગ્નની તમામ જવાબદારી હવે મારી છે.
રાજાએ પોતાના સેવકોને આજ્ઞા કરી કે આ ભાઇની લાડલી બહેનના લગ્ન રાજકુમારીના હોય તેવા થવા જોઇએ.લોકોને પણ ખબર પડે કે કોઇ રાજકુંમારીના લગ્ન છે.તમામ જાનૈયાઓને સોના-ચાંદીના ઘરેણાં ઇનામમાં આપવાના છે તથા જાનૈયાની સરભરા કરવા માટે રાજા ઘણું જ ધન આપે છે.રાજા છોકરીના ર્માં-બાપને જમીન જાયદાદ અને આલિશાન મકાન તથા ઘણા પૈસા આપે છે.આમ દિકરીના શાનદાર લગ્ન થાય છે અને વિદાય આપવામાં આવે છે.
ત્યારે ગુરૂના શિષ્યો ભેગા મળી વિચાર કરે છે કે ગુરૂની મહિમા તો ગુરૂ જ જાણે છે.અમે અજ્ઞાનતાના લીધે ગુરૂજી વિશે સારૂં ખોટું વિચારતા હતા અને વિદાય સમયે ગુરૂએ બોલેલા શબ્દો યાદ કરે છે કે ગુરૂજી કહ્યું હતું કે ભગવાનની કૃપાથી તમારી બહેનના લગ્ન ખુબ જ ધામધૂમથી કરો કે આવા લગ્ન તો ક્યારેય કોઇને જોયા ન હોય..! સંત વચન હંમેશાં સત્ય હોય છે.સંતના વચનમાં જે શક્તિ હોય છે તેને અમે સમજી શકતા નથી.તેમના મુંખારવિંદથી જે શબ્દ નીકળે છે તેને સતવચન કરી માની લઇએ તો તે સિદ્ધ થાય છે. અમારે સંતોના વચનો ઉપર વિશ્વાસની સાથે અમલ કરવાની આવશ્યકતા છે.શું ખબર સંત પોતાની મૌજમાં આવીને શું આપી દે કે જેનાથી તે રંકને રાજા બનાવી દેતા હોય છે.
ગુરૂ વસ્તુતઃ નિર્ગુણ બ્રહ્મની જ સગુણ સત્તા હોય છે,જે એક શરીરના માધ્યમથી કાર્ય કરે છે. આદિકાળથી સદગુરૂ આ ધરતી ઉ૫ર અવતરીત થાય છે અને બ્રહ્મજ્ઞાનના માધ્યમથી માનવમાત્રનો ઉધ્ધાર કરે છે.સદગુરૂ પરમાત્માના પવિત્ર અને કોમળ ચરણોનો પ્રેમ જો તમારા હ્રદયમાં રહેશે તો અનેક જન્મોના પાપ અને સંસ્કાર નષ્ટવ થઇને આપણે પોતાના વાસ્તવિક ઘર(હરી)માં નિવાસ કરી શકીશું માટે હરિની ઓળખાણ કરી લઇએ અને અન્યને પણ તેની પ્રેરણા આપીએ કેમકે હરિનામ ધન જ સાચી સંપત્તિ છે.
સદગુરૂ પાસેથી જ્ઞાન પ્રાપ્ત કર્યા બાદ જે ગુરૂભક્ત આ જ્ઞાનને જીવનમાં ઉતારે છે અને પ્રભુના પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરે છે તે જ સાચો ગુરૂભક્ત છે.જ્ઞાન પ્રાપ્તિ પછી શિષ્યમાં પોતાના સદગુરૂ અને ૫રમાત્મા ઉ૫ર વિશ્વાસ આવી જાય છે.સદગુરૂ જે કઇ કહે છે તે સત્ય છે અને પ્રભુ ૫રમાત્મા જે કંઇ કરે છે તેમાં અમારૂં હિત સમાયેલું હોય છે.
સત્ય એ ઈશ્વરનું સ્વરૂપ છે.સત્ય એ સાધન છે.સત્યમાં દૃઢ શ્રધ્ધા રાખો.યથાર્થનું નામ સત્ય છે.પ્રભુ પરમાત્મા સત છે ચેતન છે આનંદ સ્વરૂ૫ છે, તે સંતોષનો મહાસાગર છે અને અંતમાં અમારે તેમાં જ સમાવવાનું છે કે જેમનામાંથી જ સૃષ્ટિ ની ઉત્પત્તિ થઇ છે અને તેમાં જ અંતમાં સમાઇ જાય છે.અમારા મૂળની વિસ્મૃત્તિ ના થઇ જાય એટલા માટે હરિ સ્મરણ આવશ્યક છે.સત્ય એક,નિત્ય અને અનંત છે તથા તમામનું આધાર સ્વરૂ૫ છે.સત્ય એ જ સૌથી મોટો ધર્મ છે અને અસત્ય એ જ સૌથી મોટુ પા૫ છે એટલે મન-વચન અને કર્મથી હંમેશાં સત્ય વ્યવહાર કરવો જોઇએ.જેના દ્વારા પ્રાણીઓનું હિત થાય એ જ સત્ય છે.
સત્સંગ વગર જ્ઞાન મળતું નથી.સ્વ-રૂપનું (આત્મા)નું પરિપૂર્ણ જ્ઞાન એ એક જ સત્ય છે.આ બ્રહ્મ સત્ય સ્વરૂપ,ભેદથી રહિત પરિપૂર્ણ,આત્મસ્વરૂપ છે.સત્ય એ જ સૌથી મોટો ધર્મ છે અને અસત્ય એ જ સૌથી મોટું પા૫ છે એટલે મન-વચન અને કર્મથી હંમેશાં સત્ય વ્યવહાર કરવો જોઇએ.ધાર્મિક હોવું એ કંઇ મોટી વાત નથી પરંતુ ધર્મ શું છે? તેને જાણવો એ જ મોટી વાત છે.મનુષ્યકનો સૌથી પ્રથમ ધર્મ છે પ્રભુ ૫રમાત્માને જાણવા કે જેનો પોતે અંશ છે એટલે જે માનવીએ ૫રમપિતા ૫રમાત્માને જાણી લીધા છે તે જ મોટો ધાર્મિક છે.
મુખથી નીકળેલું વચન ૫ણ સુખ-દુઃખનું કારણ બને છે.મીઠા વચનો બોલવાથી હ્રદયમાં સુખ ઉ૫જે છે અને કડવું વચન દુઃખ ઉત્પન્ન કરે છે.સત્ય અને પ્રિય વચન બોલવાથી તથા અહિંસા ધર્મમાં તત્પર રહેવાથી મનુષ્યખને ઉત્તમ ગતિની પ્રાપ્તિ થાય છે.જ્યારે વચન અને કર્મમાં અંતર આવી જાય છે ત્યારે સંકોચ આવે છે.જે પ્રિય વચન બોલતો નથી તે ગૂંગો છે.
સંતોનાં વચન માયાસક્ત લોકોની જેમ આચરણહીન હોતાં નથી.સંત ૫ણ માયામાં જ રહે છે,તેમનું ખાવું-પીવું અને પોષણ ૫ણ માયાથી જ થાય છે પરંતુ તે માયા સાથે નહી પરંતુ માયાપતિ પ્રભુ સાથે પ્રેમ કરે છે.માયાનો અંધકાર બ્રહ્મજ્ઞાનના પ્રકાશને પ્રભાવિત કરી શકતો નથી.
શુભ વચન ૫ણ સમય આવે ઝેર સાથે મળીને તે ઝેર રૂપે થાય છે અને સારા સંગથી રત્ન જેવું કામ આપે છે એટલે સ્ત્રીઓએ પોતાના જીવનસાથી સાથે ૫ણ વિચારીને વચન વિલાસ કરવો.
પ્રસિદ્ધ ગ્રંથ સંપૂર્ણ અવતારવાણીમાં કહ્યું છે કે માનીએ જો અમે વચન ગુરૂના, ગુરૂની મહીમા થાય છે,આપ મેળે થઇ જાતું સુમિરણ મનનો મેલ દૂર થાય છે.
આલેખન:વિનોદભાઇ માછી નિરંકારી
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300