ચોમાસાની ઋતુ દરમિયાન પાણીજન્ય અને મચ્છરજન્ય રોગોથી બચવા સાવચેતી દાખવીએ

ચોમાસાની ઋતુ દરમિયાન પાણીજન્ય અને મચ્છરજન્ય રોગોથી બચવા સાવચેતી દાખવીએ
મલેરીયા મુક્ત જિલ્લા માટે હાઉસ ટુ હાઉસ સર્વેલન્સ હાથ ધરાયુ
ગાંધીનગર જિલ્લા આરોગ્ય તંત્ર ચોમાસાની ઋતુ દરમ્યાન વધતા પાણીજન્ય તેમજ મચ્છરજન્ય રોગો અટકાવવા સતર્ક..
ચોમાસાની ઋતુ દરમિયાન ભેજનું પ્રમાણ વધતા મચ્છરોનો ઉપદ્રવ થવાની સંભાવના વધી જાય છે.નદી નાળામાં નવા નીર આવતા તેમજ પાણીના પ્રદુષણને કારણે પણ આ ઋતુમાં પાણી જન્ય રોગ થવાની સંભાવના વધી જાય છે.આવા સંજોગોમાં વાહક જન્ય રોગચાને ફેલાતો અટકાવવા સાવચેતીના પગલા સાથે રોગ નિયંત્રક કામગીરી અને લોક જાગૃતિ આવશ્યક છે.
જિલ્લા પંચાયત મેલેરિયા શાખા દ્વારા રાષ્ટ્રીય વાહકજન્ય રોગ નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત વાહક મચ્છરો દ્વારા ફેલાતા રોગો જેવા કે, મેલેરિયા, ડેન્ગ્યુ ,ચિકનગુનિયા, ફાઇલેરિયા જેવા રોગોના નિયંત્રણ માટે તકેદારીના ભાગરૂપે આરોગ્યતંત્ર દ્વારા કામગીરી ઘનિષ્ઠ બનાવવામાં આવી છે.
ગાંધીનગર જિલ્લામાં વાહકજન્ય કે પાણીજન્ય રોગચાળો ફેલાય નહીં અને લોકો બીમારીમાં ન સપડાય તે માટે જિલ્લા આરોગ્ય વિભાગના જિલ્લા સર્વેલન્સ યુનિટ તેમજ જિલ્લા મેલેરિયા શાખાની ટીમ દ્વારા વિશેષ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જેમાં રોગ અટકાયતી પગલાં બાબતે લોકજાગૃતિ અને જન સમુદાયની સક્રિય ભાગીદારી મેળવવા માટે વિશેષ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા ગાંધીનગરને વાહકજન્ય રોગ નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત મેલેરિયા મુક્ત કરવા હાઉસ ટુ હાઉસ સર્વેલન્સ અભિયાન પણ શરૂ કરવામાં આવ્યુ છે.
જુલાઈથી ઓક્ટોબર સુધીના સમયગાળા દરમિયાન વાહકજન્ય રોગો, જેવા કે મલેરિયા અને ડેન્ગ્યુનો ફેલાવો મહત્તમ થાય છે. જેને ધ્યાને લેતા જિલ્લા આરોગ્યતંત્ર દ્વારા આ રોગોના ફેલાવા માટે જવાબદાર મચ્છર ઉત્પત્તિ માટેના તમામ સ્ત્રોતો નાબૂદ આ કામગીરી ત્રણ તબક્કામાં હાથ ધરાઈ છે. જેમાં આરોગ્ય કર્મચારીઓ દ્વારા હાઉસ ટુ હાઉસ સર્વેલન્સ અંતર્ગત કામગીરી હાથ ધરવામાં આવી અને સાથે સાથે ગ્રામ્ય તેમજ શહેરી કક્ષાએ વિવિધ સંસ્થાઓ, દુકાનો તેમજ જાહેર જગ્યાઓએ આગોતરી સાવચેતીના ભાગરૂપે પાણી ભરાય અને મચ્છરોના પોરા(લારવા) થાય તેવા સ્થળો પર પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા કરવા સમજ આપવામાં આવી છે. જે જગ્યાએથી પાણીનો નિકાલ શક્ય ન હતો ત્યાં પોરાનાશક કામગીરી જેવી કે પોરાભક્ષક એવી ગપ્પી માછલીઓ મૂકવાની તેમજ ઓઇલ બોમ્બ મુકવા જેવી કામગીરીઓ તકેદારીના ભાગરૂપે કરવામાં આવી.
કન્સ્ટ્રક્શન સાઈટ, રોડ સાઈટ, કેનાલ સાઈટ, ઈટવાળા ભઠ્ઠા, જીઆઇડીસી વગેરે જેવી પાણીનો ભરાવો થઈ શકે તેવી જગ્યાઓ કે વિસ્તારોને જોખમી પરીબળ તરીકે લઇ સાવચેતીના ભાગરૂપે જિલ્લા આરોગ્યતંત્ર દ્વારા ગ્રામ્ય અને અર્બન વિસ્તારમાં હેલ્થ વર્કર, સીએચઓ તથા આશા વર્કર મળી સર્વેલન્સ કરી જોખમી વિસ્તારોમાં સફળતાપૂર્વક મચ્છરના પોરા ન થાય તે અંગે પગલાં લેવામાં આવ્યા છે.
ઉપરાંત વાહક જન્ય રોગ નિયંત્રણ વિભાગ દ્વારા ઘરે-ઘરે સર્વે કરી મલેરિયા સર્વેલન્સ ડોર ટુ ડોર ઇન્ટ્રાડોમેસ્ટિક સર્વે ,એન્ટિલાર્વલ , ફોગીંગ ઉપરાંત ટાયરો, કેરબા, પીપડા તેમજ બિન વપરાશી કાટમાળનો નિકાલ, ખુલ્લા પ્લોટમાં ભરાયેલા પાણીનો નિકાલ, ડ્રેનેજ જાળીની સફાઈ કરી રસ્તા પર ભરાયેલા પાણીનો નિકાલ દ્વારા મચ્છરજન્ય રોગો સામે તકેદારી કેળવવી એટલી જરૂરી છે.ત્યારે દહેગામ,માણસા અને કલોલ ખાતે ૮ થી ૧૦ ટીમો દ્વારા ટાયર પંચર ની દુકાનો, ચા કે ઠંડા પીણા ની દુકાનો, ભંગારની દુકાનોને ખાસ આવરી લેવામાં આવી છે. જેથી પાણીની ખાલી બોટલો, ટાયરો કે ભંગારમાં પાણી ન ભરાય તે વિશેની તકેદારી રાખવામાં આવી છે.
આ વાહકજન્ય રોગોની સૌથી વધુ અસર બાળકોને થાય છે, ત્યારે જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા શાળાઓમાં પણ મુલાકાત લઈ આ વિશે માહિતી આપવામાં આવી રહી છે.જેમાં શાળાઓમાં ભણતા બાળકો વાહકજન્ય રોગોથી સુરક્ષિત રહે તે માટે શાળાઓને તકેદારી વર્તવા જણાવાયુ છે. શાળાની અંદર તથા આજુબાજુ પાણી સંગ્રહિત ન રહે તેની કાળજી લેવા, પાણીના પાત્રો ટાંકી વગેરે ઢાંકીને રાખવા, શાળામાં વિદ્યાર્થીઓને શક્ય હોય તો આખી બાંયના કપડા પહેરવા માટે પણ સલાહ અપાઈ છે.તેમજ શાળામાં મેલેરિયા તથા ડેન્ગ્યુથી બચવા અંગે વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવા ઉપરાંત તેમના ઘર આસપાસ પણ સ્વચ્છતા જાળવી તકેદારી રાખી શકે તે માટે શિક્ષકો દ્વારા સમજ કેળવાય તેવા પ્રયત્નો પણ થઈ રહ્યા છે.જિલ્લાના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.એ.જે.વૈષ્ણવ જણાવે છે કે, જિલ્લામાં વાહક જન્ય તેમજ પાણીજન્ય રોગચાળાની પરિસ્થિતિ ઉભી ન થાય તે માટે પ્રિ-મોન્સુન પ્રિપેર્ડનેસ પ્લાન મુજબ સ્વાસ્થ્ય સુરક્ષા માટે સઘન પગલા લેવાઈ રહ્યા છે.
મલેરિયા એક પ્રકારના પ્લાઝમોડીયમ નામના પરોપજીવી મચ્છરથી થતો રોગ છે. જેમાં ઠંડી સાથે તાવ, પરસેવો થવો, માથું દુખવુ, શરીર દુખે, ઉબકા અને ઉલટી થવી, પરસેવા સાથે તાવ ઉતરવો જેવા લક્ષણો છે, ડેન્ગ્યુ રોગમાં અચાનક સખત તાવ આવવો, લમણામાં દુખાવો, છાતી તથા હાથ પર ઓરી અછબડા જેવા દાણા દેખાવા, આંખના ડોળા માં દુખાવો થવો, સમયસર સારવાર લેવામાં ન આવે તો દર્દી બેભાન થાય અને મૃત્યુની પણ સંભાવના રહેલી છે, આવા લક્ષણો દેખાય તો તુરંત સારવાર માટે નજીકના દવાખાને અથવા સરકારી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનો સંપર્ક શક્ય તેટલો જલ્દી કરવો, ચિકનગુનિયામાં તાવ આવે, સાંધાનો દુખાવો થાય ,માથાનો દુખાવો, હાથ પગમાં સોજા ચડી જવા, સમયસર સારવાર ના લેવાય તો દર્દી મહિનાઓ સુધી દુખાવાથી પીડિત રહે વગેરે લક્ષણો જોવા મળે છે.
સામાજિક આરોગ્યની જાળવણી માટે મચ્છરની ઉત્પત્તિ થાય નહીં તે માટે મચ્છર ઉત્પત્તિ થતી હોય તેવા સ્થળોને ઓળખી સફાઈ કરવા તેમજ જરૂર મુજબ ગપ્પી માછલી દ્વારા મચ્છરના લારવાના વિકાસને રૂંધી મચ્છર ઉત્પત્તિ અટકાવી, મચ્છરદાનીમાં સૂવાનું રાખવુ, સરકારી આરોગ્ય કેન્દ્ર દ્વારા આપવામાં આવતી સૂચના અને માર્ગદર્શનને અનુસરીને સાવચેતી રાખી પોતાના અને પરિવારના સ્વાસ્થ્યને સલામત રાખવા જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.
તેમજ પાણીજન્ય રોગચાળા અટકાયત માટે ક્લોરીનેશન પર વિશેષ ભાર આપી તમામ પાણી સપ્લાય કરતા મુખ્ય સ્ત્રોત પર અચૂક કલોરીનેશન કરીને જ પાણી સપ્લાય કરવા સંલગ્ન ગ્રામ પંચાયતોને સૂચના આપવામાં આવી.લોકોને સ્વચ્છ કપડાથી ગાળીને સુદ્ધ પાણી પીવા,જરૂર પડે ઉકાળેલા પાણીનો ઉપયોગ કરવા પણ અનુરોધ કરાયો છે.
ગામમાં કે શહેરી વિસ્તારમાં કોઈપણ વ્યક્તિને હાલના સમયમાં તાવ, શરદી ઉધરસ કે ઝાડા-ઉલ્ટી જેવી બીમારી હોય તો નજીકના આરોગ્ય કેન્દ્રનો સંપર્ક કરી તાત્કાલિક ઉપચાર કરાવવા જિલ્લા મેલેરિયા અધિકારી ડૉ. વિક્રમસિંહ સોલંકી એ જણાવ્યું છે. આમ જિલ્લામાં વાહકજન્ય તેમજ પાણીજન્ય રોગચાળાની પરિસ્થિતિ ઊભી ના થાય એ માટે પ્રી મોનસૂન પ્રીપેરડનેસ પ્લાનિંગ મુજબ તમામ કક્ષાએ કામગીરી હાથ ધરવામાં આવેલ હોવાનું મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ એ. જે. વૈષ્ણવ દ્વારા જણાવવામાં આવ્યું.
નેહા તલાવિયા
જિલ્લા માહિતી કચેરી ગાંધીનગર
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300