સમાજના છેલ્લી હરોળના સર્વોદય અને ઉત્થાન માટે સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ સતત પ્રયત્નશીલ

સમાજના છેલ્લી હરોળના સર્વોદય અને ઉત્થાન માટે સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ સતત પ્રયત્નશીલ: સામાજિક ન્યાય અને અધિકારિતા રાજ્યમંત્રી શ્રી ભીખુસિંહજી પરમાર
સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગની વર્ષ ૨૦૨૫-૨૬ની રૂ. ૧૪,૧૦૨.૨૬ કરોડની અંદાજપત્રીય માંગણીઓ અંગે વિધાનસભા ગૃહમાં મંજૂર
અનુસૂચિત જાતિ સહિતના પછાતવર્ગોનું ઘરના ઘરનું સપનું સાકાર કરવા મકાન સહાયમાં રૂ.૫૦,૦૦૦નો વધારો કરી, કુલ રૂ. ૧૨૦ કરોડની જોગવાઈ સૂચિત કરાઈ
સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગની વર્ષ ૨૦૨૫-૨૬ની અંદાજપત્રીય માંગણીઓ અંગે વિધાનસભા ગૃહમાં સામાજિક ન્યાય અને અધિકારિતા રાજ્યમંત્રી શ્રી ભીખુસિંહજી પરમારે જણાવ્યું હતું કે સમાજના છેલ્લી હરોળના સર્વોદય અને ઉત્થાન માટે સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ સતત પ્રયત્નશીલ છે. દેશની એકતા, અખંડીતતા અને વિકાસ માટે સામાજિક સમરસતા સૌથી અગત્યની જરૂરિયાત છે તેમ તેમણે ઉમેર્યું હતું.
વિધાનસભા ગૃહ ખાતે અંદાજપત્રીય માંગણીઓ પર ચર્ચા કરતા મંત્રી શ્રી પરમારે જણાવ્યું હતું કે નાણાં મંત્રીશ્રીએ વર્ષ ૨૦૨૫-૨૬ માટે રાજ્યનું કુલ રૂ. ૩ લાખ ૭૦ હજાર ૨૫૦ કરોડનું ઐતિહાસિક બજેટ રજૂ કર્યું છે. જેમાં અનુસૂચિત જાતિ, વિકસતી જાતિ અને સમાજ સુરક્ષા તથા અનુસૂચિત જાતિ પેટા યોજના સહિત વિવિધ યોજનાઓ માટે કુલ રૂ. ૧૪,૧૦૨ કરોડ ૨૬ લાખની જોગવાઇ કરી છે. જે ગત વર્ષની સરખામણીએ રૂ. ૨૫૭૭ કરોડ ૭૮ લાખ જેટલી વધારે છે.
રાજ્ય સરકાર દરેક નાગરિકને ઘરનું ઘર આપવા માટે તત્પર છે, ત્યારે અનુસૂચિત જાતિ સહિતના પછાતવર્ગોનું સપનું સાકાર કરવા આગામી વર્ષથી આ વિભાગ હસ્તકની આવાસ યોજનાઓ હેઠળ આપવામાં આવતી મકાન સહાયમાં રૂ.૫૦,૦૦૦ નો વધારો કરી, રૂ.૧,૭૦,૦૦૦ ની મકાન સહાય આપવામાં આવશે. જેના માટે રૂ.૧૨૦ કરોડની જોગવાઈ સૂચિત કરવામાં આવી છે તેમ મંત્રીશ્રીએ જણાવ્યું હતું.
રાજ્યમંત્રીશ્રીએ કહ્યું કે વિવિધ ક્લ્યાણકારી યોજનાઓ દ્વારા વંચિતોના, પિડિતોના, શોષિતોના, અનુસૂચિત જાતિઓના, વિચરતી અને વિમુકત જાતિઓના, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગોના, દિવ્યાંગજનોના, વિધવા બહેનોના સર્વાંગી વિકાસ માટે અમારી સરકાર પ્રયત્નશીલ છે.
જે અંતર્ગત અંદાજપત્રમાં શૈક્ષણિક યોજનાઓ માટે અનુસૂચિત જાતિ કલ્યાણની રૂ.૬૨૪.૯૦ કરોડની અને વિકસતી જાતિ કલ્યાણ માટે અંદાજે રૂ.૧૬૧૨ કરોડની જોગવાઇ મળી કુલ રૂ. ૨૨૩૬.૯૦ કરોડની જોગવાઇ કરવામાં આવી છે.
મંત્રીશ્રી પરમારે જણાવ્યું હતું કે આર્થિક ઉત્કર્ષની યોજનાઓ માટે અનુસૂચિત જાતિ કલ્યાણની રૂ.૧૩૨.૦૮ કરોડની અને વિકસતી જાતિ કલ્યાણની રૂ.૭૪૨.૭૦ કરોડની મળી કુલ રૂ. ૮૭૪.૭૮ કરોડ, આરોગ્ય, વસવાટ અને અન્ય સામાજિક યોજનાઓ માટે અનુસૂચિત જાતિ કલ્યાણની રૂ.૨૩૩.૫૮ કરોડની અને વિકસતી જાતિ કલ્યાણની રૂ.૨૯૫.૭૫ કરોડની મળી કુલ રૂ.૫૨૯.૩૩ કરોડની જોગવાઇ કરવામાં આવી છે.
તદુપરાંત, વિચરતી-વિમુક્ત જાતિઓ માટે રૂ.૧૬૩.૫૯ કરોડની જ્યારે બિનઅનામત વર્ગો માટે રૂ. ૫૮૫.૨૨ કરોડની જોગવાઇ કરવામાં આવી છે.
કન્યા કેળવણી વિશે જણાવતાં મંત્રીશ્રીએ કહ્યું હતું કે, અમારી સરકારે હંમેશાં કન્યા કેળવણીને પ્રોત્સાહન આપ્યું છે. કન્યાઓ સારી રીતે ભણીને સ્વનિર્ભર થઈ શકે તે માટે આજે એક નહીં, પરંતુ જુનાગઢ, અમરેલી, અમદાવાદ યુનિટ-૨, સુરત યુનિટ-૨, રાજકોટ યુનિટ-૨, વડોદરા યુનિટ-૨, વલસાડ, પાલનપુર, અને દાહોદ એમ કુલ ૯ જિલ્લાઓમાં નવાં સમરસ કન્યા છાત્રાલયો બનાવવા આ બજેટમાં રૂ. ૩૪.૨૨ કરોડની જોગવાઈ કરી છે.
આ ઉપરાંત, સુરેન્દ્રનગર, બારડોલી, જુનાગઢ, અમરેલી, અમદાવાદ યુનિટ-૨, સુરત યુનિટ-૨, રાજકોટ યુનિટ-૨, વડોદરા યુનિટ-૨, વલસાડ, પાલનપુર અને દાહોદ એમ કુલ-૧૧ સમરસ કુમાર છાત્રાલય બાંધવા માટે રૂ.૪૮.૬૯ કરોડની જોગવાઇ કરાઈ છે. જ્યારે અનુસૂચિત જાતિ કલ્યાણ અને વિકસતી જાતિ કલ્યાણ પ્રભાગની આદર્શ નિવાસી શાળાઓ અને સરકારી છાત્રાલયોમાં CCTV Camera લગાવવા માટે રૂ.૨૭.૧૮ કરોડની જોગવાઇ કરાઈ છે તેમ તેમણે ઉમેર્યું હતું.
મંત્રીશ્રીએ જણાવ્યું કે સંત સૂરદાસ યોજનામાં દિવ્યાંગતાની ટકાવારી ૬૦ ટકા કરી લાભ આપવાની નવી બાબત માટે રૂા. ૯૯ કરોડની જોગવાઈ કરાઈ છે. વિદેશમાં ઉચ્ચ અભ્યાસ માટે વિકસતી જાતિના અંદાજે ૫૫૦ અને અનુસૂચિત જાતિના અંદાજે ૬૦૦ વિધાર્થીઓને વિધાર્થીદીઠ રૂ.૧૫ લાખની લોન ૪ ટકાના વ્યાજદરે આપવા માટે બજેટમાં રૂ.૧૮૨ કરોડની જોગવાઇ કરવામાં આવી છે.
શ્રી પરમારે કહ્યું કે સમાજના દરેક વર્ગની જરૂરિયાત પ્રમાણે કલ્યાણકારી યોજનાઓનો અમલ કરી સર્વેનો ઉદય થાય તમામનું કલ્યાણ થાય તે દિશામાં અમારી સરકાર કામ કરી રહી છે. વિકસતી જાતિઓ માટેની પંડિત દીનદયાળ આવાસ યોજનામાં રૂ.૨૬૫ કરોડ તેમજ અનુસૂચિત જાતિઓ માટેની ડૉ.આંબેડકર આવાસ યોજનામાં રૂ.૧૨૭.૫૦ કરોડની જોગવાઇ કરવામાં આવી છે.
મંત્રીશ્રીએ ઉમેર્યું હતું કે બૌદ્વિક અસમર્થતા ધરાવતા (મનોદિવ્યાંગ) વ્યક્તિને આર્થિક સહાય આપવાની યોજનામાં દિવ્યાંગતાની ટકાવારી ૫૦ ટકા કરી છે. આ યોજના અંતર્ગત ૭૫ હજાર મનોદિવ્યાંગોને લાભ આપવા માટે કુલ ૮૮ કરોડની જોગવાઈ કરવામાં આવી છે.
મંત્રીશ્રીએ જણાવ્યું કે દિવ્યાંગ લગ્ન સહાય યોજનામાં વર્ષ ૨૦૨૫-૨૬માં કુલ ૧૪૦૦ લાભાર્થીઓને સહાય માટે કુલ રૂ.૭ કરોડની જોગવાઈ કરવામાં આવી છે. દિવ્યાંગોને એસ.ટી.માં મફત મુસાફરીની યોજનામાં કુલ ૪ લાખ ૫૦ હજાર લાભાર્થીઓ માટે કુલ રૂ.૭૫ કરોડની જોગવાઈ કરવામાં આવી છે.
વિધાનસભા ગૃહમાં સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગની વર્ષ ૨૦૨૫-૨૬ની રૂ. ૧૪,૧૦૨.૨૬ કરોડની અંદાજપત્રીય માંગણીઓ મંજૂર કરવામાં આવી હતી.
રિપોર્ટ : વિવેક ગૌદાણા
સાથે ક્રિશ ગૌદાણા
લોકાર્પણ દૈનિક ન્યૂઝ માંગરોલ (જુનાગઢ)
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300