મહિલા અને બાળ કલ્યાણ મંત્રી ભાનુબેન બાબરીયા સાંકવા આંગણવાડી કેન્દ્રની મુલાકાતે

મહિલા અને બાળ કલ્યાણ મંત્રી ભાનુબેન બાબરીયાએ સાંકવા આંગણવાડી કેન્દ્રની મુલાકાતે
કેવડિયા સર્કિટ હાઉસ ખાતે બેઠક યોજીને સુપોષિત નર્મદાના નિર્માણ માટે ‘ટીમ નર્મદા’ ને માર્ગદર્શિત કરતા મંત્રી બાબરીયા
મહિલા અને બાળ કલ્યાણ મંત્રી ભાનુબેન બાબરીયા
પોષણયુક્ત ગુજરાતના નિર્માણમાં મારી આંગણવાડી બહેનોનો સિંહફાળો છે
જાડા ધાન્યનો ઉપયોગ થકી એક તંદુરસ્ત સમાજનું નિર્માણ શક્ય
THR – ટેક હોમ રેશનના પેકેટ્સ આરોગ્ય અને પોષણની દ્રષ્ટિએ બાળકો, સગર્ભા-ધાત્રી બહેનો માટે ખૂબ લાભદાયક
ગ્રામજનોને એક અપીલ : દીકરા-દીકરીને ‘સમાન શિક્ષણ, સમાન પોષણ’
મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની આગેવાની હેઠળ રાજ્ય સરકારે પ્રત્યેક ક્ષેત્રે પ્રગતિની એક નવી રાહ ચીંધી છે. પુરુષોની સાથે મહિલાઓ પણ નવા સમાજના નિર્માણમાં અમૂલ્ય યોગદાન આપી રહી છે, ત્યારે રાજ્ય સરકારે મહિલાઓ અને સમાજની ભાવિ પેઢી સમાન બાળકોના આરોગ્ય અને પોષણ સહિત સર્વાંગી વિકાસની દિશામાં અનેક યોજનાઓ અમલી બનાવી છે, જેમાંની સંકલિત બાળ વિકાસ યોજના એક શ્રેષ્ઠ યોજના સાબિત થઈ છે.મહિલા અને બાળ વિકાસ વિભાગ હેઠળ ચાલી રહેલી આઈ.સી.ડી.એસ. યોજના રાજ્ય સહિત નર્મદા જિલ્લાના આંગણવાડી કેન્દ્રોમાં આવતા ૬ વર્ષ સુધીના ભૂલકાઓ, સગર્ભા-ધાત્રી માતા, કિશોરીઓના સર્વાંગી વિકાસની જવાબદારીઓને વહન કરી રહ્યું છે. ત્યારે રાજ્યના સામાજિક ન્યાય અને અધિકારીતા તેમજ મહિલા અને બાળ કલ્યાણ મંત્રી ભાનુબેન બાબરીયાએ નર્મદા જિલ્લામાં ગરુડેશ્વર તાલુકાના સાંકવા આંગણવાડી કેન્દ્રની ખાસ મુલાકાત લીધી હતી.આ તકે ભાનુબેન બાબરીયાએ ભૂલકાઓ કુપોષણ મુક્ત બને તે માટે ‘શ્રી અન્ન’ મિલેટ્સ પર વિશેષ ભાર આપતા જણાવ્યું કે, આપણે સૌ પરંપરાગત ખેત પેદાશો મિલેટ્સ (બાજરી, જુવાર, રાગી, નાગલી) જેવા જાડા ધાન્યનો ઉપયોગ કરીને બાળકો સહિત પોતાના પરિવારને તંદુરસ્ત રાખીને વડાપ્રધાનના સ્વસ્થ ભારતની પરિકલ્પનાને સાકાર કરવા માટે અનુરોધ કર્યો હતો.
મંત્રીએ વધુમાં ઉમેર્યું કે, મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના આગેવાની હેઠળ આંગણવાડી કેન્દ્ર થકી ઉપલબ્ધ થઈ રહેલા THR – ટેક હોમ રેશનના પેકેટ્સ આરોગ્ય અને પોષણની દ્રષ્ટિએ બાળકો, સગર્ભા-ધાત્રી બહેનો માટે ખૂબ જ લાભદાયક છે. દીકરા-દીકરીને સમાન ગણીને યોગ્ય શિક્ષણ-પોષણ આપીને એક તંદુરસ્ત સમાજના નિર્માણ માટે વાલીઓને એક પગલું આગળ મુકવા અનુરોધ કર્યો હતો.
આ પ્રસંગે નાંદોદના ધારાસભ્ય ડો. દર્શનાબેન દેશમુખે પણ બાળકોને બહારની ચીજ-વસ્તુઓના બદલે મિલેટ્સમાંથી તૈયાર કરેલી સ્વાદિષ્ટ-પૌષ્ટિક વાનગી ખવડાવી બાળકોના શારીરિક અને માનસિક સ્વાસ્થ્યની કાળજી લેવા જણાવ્યું હતું.સાંકવા આંગણવાડી કેન્દ્ર ખાતે આયોજિત કાર્યક્રમમાં આંગણવાડી કાર્યકર બહેનોએ મિલેટ્સમાંથી અવનવી વાનગીઓ તૈયાર કરી હતી. ઉપસ્થિત મહેમાનોએ કાર્યકર બહેનોને આવી મિલેટ્સમાંથી તૈયાર કરેલી પૌષ્ટિક વાનગીઓથી અન્ય ગ્રામજનોને જાગૃત કરવા અપીલ કરી હતી. કાર્યક્રમના અંતે મંત્રી બાબરીયાએ વૃક્ષ વાવીને તેને પોતાના બાળકની જેમ ઉછેરવા કાર્યકર બહેનોને આગ્રહ કર્યો હતો.કાર્યક્રમ બાદ મંત્રીએ કેવડિયા સર્કિટ હાઉસ ખાતે આઇસીડીએસના સર્વ કર્મચારીઓ સાથે બેઠક યોજી હતી. કુપોષણ અને સૂક્ષ્મ પોષકતત્વોની ઉણપની પૂર્તિ માટે આશીર્વાદ બની રહેલી પોષણસુધા યોજનાનો લાભથી લાભાર્થીઓના જીવનશૈલીમાં આવેલ હકારાત્મક પરિવર્તન વિશે માહિતગાર થઈને કર્મચારીઓની કામગીરીને બિરદાવી કેટલાક રચનાત્મક સૂચનો કર્યા હતા.આંગણવાડી એ ભૂલકાઓને જ્ઞાન-ગમ્મત સાથે પૂર્વ પ્રાથમિક શિક્ષણ પ્રાપ્ત કરવાનું ખુલ્લુ આકાશ છે. અહીં બાળકોના સંસ્કાર અને કૌશલ્યોનું સિંચન થાય છે. આંગણવાડીની બહેનો દ્વારા પૂર્વ પ્રાથમિક શિક્ષણની સાથેસાથે પૂરક પોષણ માટે અવનવી વાનગીઓ દ્વારા બાળકોના સ્વાસ્થ્યની દરકાર કરવામાં આવી રહી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, આંગણવાડીમાં પોષણસુધા યોજના થકી સગર્ભા અને ધાત્રી માતાઓને આંગણવાડી કેન્દ્રમાંથી મળી રહેલ રોટલી, શાક, દાળ-ભાત, લાપસી ,સુખડી જેવી અવનવી સ્વાદિષ્ટ અને પોષણયુક્ત ખોરાક આરોગી સગર્ભા અને ધાત્રી માતાઓના શારીરિક અને માનસિક વિકાસમાં વૃદ્ધિ જોવા મળી છે. સાંકવા આંગણવાડી કેન્દ્ર ખાતે મંત્રી બાબરીયાની મુલાકાત વેળાએ ગાંધીનગરથી મંત્રીના ખાસ ફરજ પરના અધિકારી આરતીબેન ઠાકર, જિલ્લા વિકાસ અધિકારી અંકિત પન્નુએ ખાસ ઉપસ્થિતિ નોંધાવી હતી.
આ પ્રસંગે નાયબ કલેકટર પ્રોટોકોલ એન.એફ.વસાવા, જિલ્લા આઈ.સી.ડી.એસ. પ્રોગ્રામ ઓફિસર ક્રિષ્નાબેન પટેલ, ગરુડેશ્વર તાલુકાના એપીએમસીના પ્રમુખ જયંતીભાઈ તડવી, દેડીયાપાડાના સંકલિત બાળ વિકાસ યોજના અધિકારી હેમાંગીનીબેન ચૌધરી, ઇન્ચાર્જ સંકલિત બાળ વિકાસ યોજના અધિકારી અસ્મિતાબેન ચૌધરી, આંગણવાડી કાર્યકર બહેનો સહિત ગ્રામજનો અને ભૂલકાઓએ હાજરી આપી હતી.
રિપોર્ટ – વિપુલ ડાંગી, રાજપીપલા
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300