ભોપાલમાં IT દરોડાં પર બોલ્યા PM મોદી- ‘ભ્રષ્ટનાથ’ના દાવાનું કોઈ વજૂદ નથી

બીજેપીએ ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યા બાદ પીએમ નરેન્દ્ર મોદીએ ન્યૂઝ18ને સૌથી મોટો ઇન્ટરવ્યૂ આપ્યો છે. મોદીએ પોતાના ઇન્ટરવ્યૂમાં જમ્મુ-કાશ્મીરથી લઈને ભ્રષ્ટાચાર મુદ્દે સવાલોના જવાબ આપ્યા હતા. ઇન્ટરવ્યૂ દરમિયાન પીએમ મોદીએ ભ્રષ્ટાચારને લઈને મધ્ય પ્રદેશની કોંગ્રેસની સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. મોદીએ મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી કમલનાથને ‘ભ્રષ્ટ નાથ’ કહીને તેમના પર આકરા પ્રહારો કર્યા હતા.
મોદીને જ્યારે પૂછવામાં આવ્યું કે તમે છેલ્લા પાંચ વર્ષમાં ભ્રષ્ટાચાર સામે લાલ આંખ કરી છે તો આ બાબતે શું કહેશો? આ પ્રશ્નના જવાબમાં મોદીએ મધ્ય પ્રદેશના કોંગ્રેસના મુખ્યમંત્રી કમલનાથને આડેહાથ લીધા હતા. નોંધનીય છે કે તાજેતરમાં આવકવેરા વિભાગે મધ્ય પ્રદેશમાં સીએમ કમલનાથના નજીકના લોકોને ત્યાં દરોડાં કર્યાં હતાં. અંદાજ પ્રમાણે આવકવેરા વિભાગે દરોડાંની કાર્યવાહી દરમિયાન રૂ. 281 કરોડ જપ્ત કર્યા છે.
મોદીએ જણાવ્યું કે, “મેં ભ્રષ્ટાચાર સામે લાલ આંખ નથી કરી પરંતુ આપણા તમામ માટે કૌભાંડ કે ભ્રષ્ટાચાર એક મોટી સમસ્યા છે. જરા ભોપાલમાં જે થયું તેના પર નજર કરો. ‘ભ્રષ્ટનાથ’ કંઈ પણ કહી શકે છે પરંતુ તેનો કોઈ મતલબ નથી. કૌભાંડો અને ભ્રષ્ટાચાર સામે કડક હાથે કાર્યવાહી થવી જોઈએ. જે વસ્તુને કોલ્ડ સ્ટોરેજમાં મૂકી દેવામાં આવી હતી તેના વિશે અમે વિચાર્યું કે આને બહાર લાવવી જોઈએ અને કાયદા પ્રમાણે જેમની પાસેથી વસૂલાત બાકી છે તે થવા દેવી જોઈએ.”
મોદીએ વધુમાં જણાવ્યું કે, “હવે જ્યારે આ વાત સામે આવી છે ત્યારે જે વ્યક્તિએ આવું કર્યું છે તે પણ સામે આવવું જોઈએ. એ લોકોએ કંઈક ખોટું કર્યું છે, આથી જ તેઓ જામીન માંગી રહ્યા છે.”
Source: News 18