એસપી-બીએસપી પર પીએમ મોદીનો પ્રહાર, આ ગામના ગુંડાને પણ ઠીક નથી કરી શકતા

યૂપીના સીતાપુરમાં ચૂંટણી સભાને સંબોધતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ એસપી-બીએસપી-આરએલડી મહાગઠબંધન અને કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા. પીએમ મોદીએ કહ્યું હતું કે વિપક્ષના લોકોને એકબીજાના મો જોવા પણ પસંદ ન હતા. જાત-પાતનો જે ખેલ તેમણે રચ્યો હતો હવે તે જ તેમને ભારે પડી રહ્યો છે. પીએમ મોદીએ એસપી અને બીએસપીની સરકારો પર નિશાન સાધતા કહ્યું હતું કે આ ગામના ગુંડાને પણ ઠીક કરી શકતા નથી તે આતંકવાદીઓ સાથે કેવી રીતે નિપટશે.
પીએમ મોદીએ રેલીમાં કહ્યું હતું કે આજે એવા સમયે સીતાપુર આવ્યો છું જ્યારે ચૂંટણી નિર્ણાયક રાઉન્ડમાં પહોંચી ગઈ છે. યૂપીમાં એસપી-બીએસપી સાથે ક્યારે કોંગ્રેસને જોઈ નથી. મહારાષ્ટ્રમાં રાહુલ ગાંધી અને શરદ પવારને સાથે જોયા નથી. આ લોકો એકબીજાને જોવા પણ પસંદ કરતા નથી.
આ પહેલા કન્નોજમાં યોજાયેલી રેલીમામાં તેમણે એસપી અને બીએસપીના મહાગઠબંધનની વિરુદ્ધ આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું આ વખતે કોઈ દળ નહીં પરંતુ પ્રજા ચૂંટણી લડી રહી છે. ગમે તે થાય જીતશે તો મોદી જ.
પીએમ મોદીએ રેલીમાં કહ્યું, “ પરમ દિવસે કાશીની પ્રજાએ તકવાદી મહામિલાવટીઓના હોંશ ઉડાડી દીધા હતા. આજે તમે એમના હાલ બેહાલ કરી નાંખ્યા છે, તમે અહીંયા વિજય ડંકો વગાડવા આવ્યા હોય એવું લાગી રહ્યું છે. હું જ્યારે એરપોર્ટ ઉતર્યો તો મેં સ્થાનિક નેતાઓને પૂંછ્યું કેવો માહોલ છે? એમણે કહ્યું ન તો અમે ચૂંટણી લડી રહ્યાં છે, ન તો ભાજપ ચૂંટણી લડી રહ્યો છે, આ ચૂંટણી તો ઉત્તર પ્રદેશની પ્રજા લડી રહી છે. ”
પીએમ મોદીએ વધુમાં કહ્યું, “ આજે જેટલા લોકો પોતાની જાતને ભાવિ વડાપ્રધાન તરીકે ગણાવી રહ્યાં છે તેમણે દેશને મજબૂત કરવા જવાનોને તાકાતવર બનાવવા માટે કોઈ આયોજન બનાવ્યું છે કે નહીં ? જે લોકો મોદીને હરાવવા માટે પાકિસ્તાનના જુઠ્ઠાણાને સત્ય માનતા હોય, પાકિસ્તાનને હિરો બનાવવા માંગતા હોય તેમની પાસે શું અપેક્ષા રાખી શકાય. આ નવું હિંદુસ્તાન છે ડરવાનું નથી. નવું હિંદુસ્તાન ઘરમાં ઘૂસીને મારશે. દેશ સુરક્ષિત થશે ત્યારે જ સામાન્ય માણસનું જીવન યોગ્ય થશે. ”