દાનવીર ભક્ત રાજા મોરધ્વજની કથા

દાનવીર ભક્ત રાજા મોરધ્વજની કથા
મહાભારત યુદ્ધ પૂર્ણ થયા પછી અર્જુનને વહેમ થઇ ગયો કે તે ભગવાન શ્રીકૃષ્ણનો સર્વશ્રેષ્ઠ ભક્ત છે. અર્જુન વિચારતો હતો કે શ્રીકૃષ્ણએ મારો રથ ચલાવ્યો છે,અમારી સાથે રહ્યા છે એટલે હું ભગવાનનો સર્વશ્રેષ્ઠ ભક્ત છું.ભગવાને વિચાર્યું કે ભક્તમાં અહંકારનો આ એક પ્રકારનો રોગ છે અને તેને દૂર કરવો જરૂરી છે.
ભગવાન શ્રીકૃષ્ણના કહેવાથી પાંડવોએ અશ્વમેઘ યજ્ઞનું આયોજન કર્યું.અશ્વમેઘ યજ્ઞ પછી યજ્ઞનો ઘોડો છોડવામાં આવે છે અને ઘોડો જ્યાં પણ જાય ત્યાંના રાજા દાસતા સ્વીકારતા હતા.ઘોડાની રક્ષા માટે ધનુર્ધર અર્જુનને જવાબદારી સોંપવામાં આવી હતી.ઘોડો આગળ વધતો જાય છે અને તે અનેક રાજ્યો પસાર કરીને રતનપુર રાજ્યની હદમાં પ્રવશે કરે છે.રતનપુરના રાજા મોરધ્વજ(મયૂર ધ્વજ) બહુ મોટા ધર્માત્મા અને ભગવાન શ્રી નારાયણના પરમ ભક્ત હતા.રાજા મોરધ્વજનો પૂત્ર ધીરધ્વજ(તામ્રધ્વજ) હતો. ધીરધ્વજે ઓછી ઉંમરમાં યુદ્ધકળામાં તમામ શિક્ષા પ્રાપ્ત કરી લીધી હતી.વીર ધીરધ્વજે અશ્વમેઘના ઘોડાને રોકી લીધો અને ઘોડાના રક્ષક અર્જુનની પ્રતિક્ષા કરવા લાગ્યા.સેના સહિત ધનુર્ધર અર્જુન ત્યાં પહોંચીને વીર બાળકને કહે છે કે હે બાળક ! તમે જે ઘોડાને રોક્યો છે તે ચક્રવર્તી સમ્રાટ યુધિષ્ઠિરના અશ્વમેઘ યજ્ઞનો ઘોડો છે જેની સુરક્ષામાં હું પોતે ઉભો છું.આ ઘોડાને પકડવાની હિંમત કોઇ રાજાએ નથી કરી.હું તમારી ભૂલ સમજીને તમોને ક્ષમા કરૂં છું તો તમે આ ઘોડાને મુક્ત કરી દો.
અર્જુનની વાત સાંભળીને તામ્રધ્વજે પોતાની વીરતાનો પરીચય આપતાં કહે છે કે હે અર્જુન ! હું રતનપુરનો ભાવી સમ્રાટ તામ્રધ્વજ છું.મારા પિતા મયૂરધ્વજ અને માતા વિદ્યાધરણી છે. હું ક્ષત્રિય છું અને ક્ષત્રિય ક્યારેય કોઇનો દાસ હોતો નથી ત્યારે અર્જુન કહે છે કે હે નાદાન બાળક ! તૂં જાણતો નથી કે તૂં શું કરી રહ્યો છે.તારી બાળહઠથી યુદ્ધ થઇ શકે છે અને યુદ્ધનું પરીણામ તૂં જાણતો નથી એટલે તૂં આ ઘોડાને છોડી દે અને તારા પિતાને આ વાતની જાણ કર જેથી તે તને સમજાવી શકે.ત્યારે તામ્રધ્વજે કહ્યું કે જો તમારે ઘોડો જોઇતો હોય તો તમારે પોતાના બાહુબળથી પ્રાપ્ત કરવો પડશે.
અર્જુને તામ્રધ્વજે કહ્યું કે હે મૂર્ખ ! તારી સાથે યુદ્ધ કરીને હું અપયશ લેવા માંગતો નથી એટલે હું તને મારા બાણથી તને તારી માતાના ખોળામાં સકુશળ પહોંચાડી દઉં એમ કહી બાણ ચલાવ્યું પરંતુ તામ્રધ્વજ કોઇ કાયર બાળક નહોતો,તે શસ્ત્રકળામાં હોંશિયાર હતો.તેને અર્જુનના બાણનો જવાબ તો આપ્યો સાથે સાથે તેમના સારથીને પણ ઘાયલ કરી દીધો.બાળક તામ્રધ્વજની વીરતા જોઇને અર્જુનને નવાઇ લાગે છે. જેને તે સાધારણ બાળક સમજતો હતો તે એક ધનુર્ધર હતો.બંન્ને વચ્ચે ઘમાસાણ યુદ્ધ થાય છે અને અંતે અર્જુનને ઘાયલ કરીને યજ્ઞનો ઘોડો લઇને પોતાના નગરમાં જાય છે.
અર્જુન ભાનમાં આવે છે ત્યારે તેમની સામે ભગવાન શ્રીકૃષ્ણ સામે બેઠા હતા.અર્જુન કહે છે કે ભગવાન ! આ બધી આપની માયાનો જ ચમત્કાર છે નહીતર એક બાળક યુદ્ધમાં મને પરાજીત ના કરી શકે. ત્યારે ભગવાન કહે છે કે અર્જુન ! હજુ તૂં ભ્રમમાં જ છે. તૂં વિચારે છે કે સંસારમાં મારાથી મોટો કોઇ યોદ્ધો નથી અને તારાથી મોટો કોઇ મારો ભક્ત નથી.ભગવાને કહ્યું કે તને તારાથી મોટો યોદ્ધો મળી ગયો અને તારે તારાથી મોટો દાનવીર અને ભક્તને જોવાની ઇચ્છા હોય તો બોલો.ત્યારે અર્જુને કહ્યું અવશ્ય આપના તે મારાથી મોટા દાનવીર ભક્તના હું દર્શન કરવા ઇચ્છું છું.
ભગવાન શ્રીકૃષ્ણ અને અર્જુન બ્રાહ્મણનો તથા યમરાજાને એક સિંહનો વેશ ધારણ કરાવીને રતનપુર રાજ્યમાં જાય છે.રતનપુરના રાજા મોરધ્વજ બહુ મોટા દાનવીર ભક્ત હતા.તેમના આંગણે આવેલ કોઇપણ યાચક ખાલી હાથે કે ભૂખ્યા જતા નહોતા.ભગવાન શ્રીકૃષ્ણ તેમના નગરમાં આવ્યા તે સમયે રાજ દરબાર ચાલતો હતો.રાજા મયૂરધ્વજને જેવી ખબર પડી કે સાધુઓ તેમના દરબારમાં આવ્યા છે તો તુરંત જ રાજાએ પોતાનું સિંહાસન છોડીને ઉઘાડા પગે જઇને સાધુઓને પ્રણામ કરીને આર્શિવાદ લીધા અને કહ્યું કે હું આપની શું સેવા કરૂં? આપના દર્શન કરીને મને શિતળતા પ્રાપ્ત થઇ છે. બ્રાહ્મણરૂપમાં આવેલ ભગવાન શ્રીકૃષ્ણે રાજા મયૂરધ્વજને કહ્યું કે અમે તમારી દાનવીરતાની ઘણી જ પ્રસંશા સાંભળી હતી કે તમારા દરબારમાં આવેલ કોઇ યાચક ખાલી હાથે જતો નથી એટલે અમો ભોજન માટે આપના દરબારમાં આવ્યા છીએ.
રાજા મયૂરધ્વજે બ્રાહ્મણરૂપમાં આવેલ શ્રીકૃષ્ણને કહ્યું કે આ બધી પરમપિતા પરમાત્મા ભગવાન નારાયણની મારી ઉપર કૃપા છે, ત્યારે શ્રીકૃષ્ણ કહે છે કે અમે તમારી પાસે એવી કોઇ વસ્તુની માંગણી નહી કરીએ કે જે તમારા અધિકાર ક્ષેત્રની બહાર હોય.અમે ત્રણે ઘણી જ લાંબી યાત્રા કરીને આવ્યા છે. અમે બે તો કંદમૂળ ખાઇને પોતાની ભૂખ શાંત કરીએ છીએ પરંતુ અમારી સાથે આવેલ આ સિંહરાજ કે જે ફક્ત માંસાહાર કરે છે અને ફક્ત મનુષ્યનું જ માંસ ભક્ષણ કરે છે, ત્યારે રાજા કહે છે કે સિંહરાજના માટે હું હાજર છું મારૂં ભક્ષણ કરીને તે પોતાની ભૂખ શાંત કરી શકે છે, ત્યારે શ્રીકૃષ્ણ કહે છે કે પોતાના શરીરનું દાન કરનાર તો પૃથ્વી ઉપર ઘણા જ દાનવીર ઉપલબ્ધ છે.
મહારાજ મયૂરધ્વજે કહ્યું કે આપ જ કહો કે હું સિંહરાજના ભોજન માટે શું વ્યવસ્થા કરૂં? તે સમયે બ્રાહ્મણ વેશમાં આવેલ ભગવાને કહ્યું કે અમારા સિંહરાજના ભોજન માટે તમે પોતાની રાણી સહિત કરવત લઇને તમારા પૂત્ર તામ્રધ્વજને ચીરીને બે ટુકડા કરીને સિંહરાજને ભોજન કરાવો.શ્રીકૃષ્ણની વાત સાંભળીને સમગ્ર દરબારીઓ આશ્ચર્યચક્તિ થઇ જાય છે.અર્જુન પોતે પણ ડરી જાય છે,એક ક્ષણ માટે રાજા મયૂરધ્વજ પણ ડગમગી જાય છે.રાજા મયૂરધ્વજ કહે છે કે હે મહાત્મા ! ધન્ય છે મારો પૂત્ર તામ્રધ્વજ જેને આપે સિંહરાજના આહાર માટે પસંદ કર્યો છે તે સમયે શ્રીકૃષ્ણ કહે છે કે પૂત્રના શરીરને કરવતથી કાપતી વખતે જો માતાપિતાની આંખમાં આંસૂ આવશે તો સિંહરાજ ભોજનનો સ્વીકાર નહી કરે.
રાજાના સમર્પણ અને વચનબદ્ધતા જોઇને અર્જુનને નવાઇ લાગે છે. ત્યારબાદ રાજા-રાણીએ કરવત ઉપાડીને પોતાના એકમાત્ર પૂત્રના માથા ઉપર મૂકે છે અને પરમપિતા પરમાત્માનું સુમિરણ કરીને પૂત્રના શરીરને ચીરીને બે ભાગ કરી નાખે છે આ જોઇને અર્જુન મૂર્છિત થઇ જાય છે.કરવતથી શરીરના બે ટૂંકડા કરવામાં આવે છે અને સિંહને ભોજન કરવા માટે વિનંતી કરે છે.
સિંહરાજ આગળ આવીને તામ્રધ્વજના શરીરના ડાબા ભાગને ખાઇ જાય છે તે સમયે રાણીની જમણી આંખમાંથી આંસૂ આવી જાય છે તે જોઇને ભગવાન શ્રીકૃષ્ણે ગુસ્સે થઇને રાણીને પુછ્યું કે તમારી આંખમાં આંસૂ કેમ આવ્યા? ત્યારે રાણી કહે છે કે મહાન પિતૃભક્ત તામ્રધ્વજના ડાબા અંગનો તો આપે સ્વીકાર કર્યો પરંતુ જમણા અંગને છોડી દીધો જે આપના કોઇ કામમાં ના આવ્યો તેથી મારી જમણી આંખમાંથી આંસૂ આવી ગયા.આ દ્રશ્ય જોઇને અર્જુનનું અભિમાન ઓગળી ગયું.અર્જુને જીવનમાં ક્યારેય ભક્તિનો આવો પ્રકાશ ક્યારેય જોયો નહોતો.ત્યારબાદ બ્રાહ્મણોના માટે સાત્વિક ભોજનની વ્યવસ્થા કરવામાં આવે છે.
રાજા મયૂરધ્વજની આવી દાનવીરતા જોઇને ભગવાનનું હ્રદય કરૂણાથી દ્રવિત થઇ ગયું અને પ્રસન્ન થઇને ભગવાન શ્રીકૃષ્ણ કહે છે કે તમારા પૂત્રને તો વૈકુંઠમાં સ્થાન મળ્યું છે. ઇશ્વર તમારી દાનવીરતા અને ભક્તિથી અતિ પ્રસન્ન રહે છે અને તે ક્યારેય પોતાના ભક્તનું અહિત કરતા નથી. બ્રાહ્મણરૂપમાં આવેલ ભગવાન શ્રીકૃષ્ણ રાજા મયૂરધ્વજ અને રાણી વિદ્યાધરણીને કહે છે કે તમારી જમણી તરફ જુઓ,આપના અલૌકિક કર્મનું ફળ આપશ્રીને મળી ચુક્યું છે. જેવું રાજા-રાણીએ જમણી તરફ જોયું તો પોતાનો પૂત્ર તામ્રધ્વજ જીવિત અવસ્થામાં ઉભો છે.રાજા-રાણી પોતાના પૂત્રને આલિંગનમાં લઇ ચુમી લે છે.
રાજા મયૂરધ્વજે બ્રાહ્મણોને કહ્યું કે આપ કોન છો? અને કયા કારણોસર મારી આવી કઠન પરીક્ષા લીધી છે? તે સમયે ભગવાન શ્રીકૃષ્ણે પોતાના અસલી સ્વરૂપમાં પ્રગટ થઇને રાજા-રાણી સહિત સમગ્ર પરીવારને પોતાના વિરાટરૂપનાં દર્શન આપ્યા. આ જોઇને અર્જુનનો અહંકાર નષ્ટ થાય છે અને તે રાજા મયૂરધ્વજના ચરણોમાં પડી જાય છે. સમગ્ર સભાજનોએ ભગવાન શ્રીકૃષ્ણની જય-જયકાર કર્યો. છેલ્લે ભગવાને કહ્યું કે રાજન ! હું વિચારી પણ શકતો નથી કે તમારી દાનવીરતાના બદલામાં તમોને શું આપું? તમે પોતાના અસાધારણ ત્યાગથી મને પ્રસન્ન કર્યો છે. હું તમોને કરોડો વરદાન આપું તો પણ ઓછા છે. ભગવાનની આવી પ્રેમમયી વાણી સાંભળીને ભક્તરાજ મયૂરધ્વજે કહ્યું કે મહારાજ ! આપ ઘણા જ ઉદાર છો તેથી જો આપ કંઇક આપવા જ ઇચ્છતા હો તો એક જ વરદાન આપો કે આપે અમારી જેવી કઠોર પરીક્ષા લીધી છે,ભવિષ્યમાં આવનાર કળિયુગમાં આવી પરીક્ષા પોતાના સંતો-ભક્તોની ક્યારેય ના લેશો. ભગવાને તથાસ્તુ કહીને આર્શિવાદ આપ્યા અને સમગ્ર પરીવારને મોક્ષ પ્રદાન કર્યો.
આલેખનઃવિનોદભાઇ માછી નિરંકારી
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300