મહાન પ્રભુ ભક્ત રાજા મુચુકુંદની કથા

મહાન પ્રભુ ભક્ત રાજા મુચુકુંદની કથા
Spread the love

મહાન પ્રભુ ભક્ત રાજા મુચુકુંદની કથા

મુચુકુંદ હિંદુ પૌરાણિક કથાઓમાં ઇક્ષ્વાકુવંશના મહારાજા માંધાતાના પુત્ર હતા.તેઓ પરમ ભક્ત,સત્ય વાદી,સંગ્રામવિજ્યી અને મહાપુરૂષ હતા.એકવાર ઇન્દ્ર વગેરે દેવતાઓ અસુરોથી ભયભીત થયા હતા.તેમને પોતાની રક્ષા માટે રાજા મુચુકુંદને પ્રાર્થના કરી અને તેમને ઘણા સમય સુધી દેવતાઓની રક્ષા કરી.જ્યારે ઘણા સમય બાદ દેવતાઓને સેનાપતિના રૂપમાં કાર્તિકસ્વામી મળી ગયા ત્યારે દેવતાઓએ મુચુકુંદને કહ્યું કે તમે અમારી રક્ષા માટે બહુ પરીશ્રમ અને કષ્ટ વેઠ્યાં છે હવે તમે વિશ્રામ કરો.હવે તમારા પૂત્રો,રાણીઓ, ભાઇ-બાંધવો અને મંત્રીઓ તથા તમારા સમયની પ્રજામાંથી અત્યારે કોઇ રહ્યું નથી.બધા જ કાળનો કોળિયો બની ગયા છે.બધા જ બળવાનોમાં કાળ સૌથી બળવાન છે.તમારી જે ઇચ્છા હોય તે અમારી પાસે માંગી લો.અમે કૈવલ્ય-મોક્ષ સિવાય આપ જે માંગો તે આપી શકીએ છીએ.કૈવલ્ય-મોક્ષ આપવાનું સામર્થ્ય ફક્ત અવિનાશી ભગવાન વિષ્ણુમાં જ છે.દેવતાઓની આ વાત સાંભળીને પરમ યશસ્વી રાજા મુચુકુંદે તેમને વંદન કર્યા અને બહુ જ થાકી ગયા હોવાથી નિંદ્રાનું વરદાન માગ્યું અને વરદાન મેળવીને તેઓ નિંદ્રાધિન થઇને પર્વતની ગુફામાં સૂઇ ગયા.તે સમયે દેવતાઓએ કહ્યું કે નિંદ્રાધીન અવસ્થામાં જો કોઇ મૂર્ખ તમોને જગાડી દે તો તે આપની દ્રષ્ટિ પડતાં જ તે જ ક્ષણે બળીને ભસ્મ થઇ જશે.

કાળ-યવનને બ્રહ્માજીનું વરદાન હતું કે “યદુકુળમાં જન્મેલા કોઈ તને મારી શકશે નહિ” બ્રહ્માજીના તે વરદાનને સત્ય રાખવા શ્રીકૃષ્ણ જાતે કાળ-યવનને મારતા નથી એટલે શ્રીકૃષ્ણ હાર્યા અને તેઓ રણ છોડીને ભાગવા લાગ્યા તેથી તેમનું નામ પડ્યું “રણછોડ” દોડતાં દોડતાં શ્રીકૃષ્ણ ગિરનારની ગુફામાં આવે છે કે જ્યાં આગળ રહીને મુચુકુન્દ રાજા તપશ્ચર્યા કરતા હતા.ધોલપુરની નજીક રાજા મુચુકુંદના નામની એક પ્રખ્યાત ગુફા છે જે ગંધમાદન ટેકરીની અંદર હોવાનું કહેવાય છે.રણછોડ ધામ અને મુચકુંદ ગુફાનો ઈતિહાસ દ્વાપર યુગ સાથે સંબંધિત છે.શ્રીકૃષ્ણ જયારે ગુફામાં પ્રવેશ્યા ત્યારે મુચુકુંદ નિંદ્રામાં હતા.શ્રીકૃષ્ણે પોતાનું પીતાંબર મુચુકુંદ પર ઓઢાડી અને પોતે સંતાઈ ગયા.કાળ-યવન શ્રીકૃષ્ણની પાછળ પાછળ ગુફામાં આવ્યો અને આ શ્રીકૃષ્ણ સૂતા છે એમ સમજી મુચુકુંદને લાત મારી.કાળ-યવનની લાતથી મુચુકુંદ જાગે છે અને કાળ-યવન પર તેમની દૃષ્ટિ પડતાં જ તે રાખ થઇ ગયો.મુચુકુંદને ખબર પડી કે શ્રીકૃષ્ણ આવ્યા છે એટલે તેમણે શ્રીકૃષ્ણની સ્તુતિ કરી છે.

પ્રભુ ! જગતના તમામ પ્રાણીઓ આપની માયાથી મોહિત થઇ રહ્યાં છે.જેઓ આપનાથી વિમુખ થઇને અનર્થોમાં ફસાયેલા રહે છે અને આપની ભક્તિ કરતા નથી,તેઓ સુખ માટે ઘર-ગૃહસ્થોની ઝંઝટમાં ફસાઇ જાય છે કે જે તમામ દુઃખોની જડ છે.આમ સ્ત્રી અને પુરૂષ બધાં જ ઠગાઇ રહ્યાં છે.પાપરૂપી સંસારથી સર્વથા અતિત પ્રભુ ! આ ભૂમિ અત્યંત કર્મભૂમિ છે,આમાં મનુષ્ય જન્મ થવો બહુ દુર્લભ છે.મનુષ્ય જન્મ એટલું પૂર્ણ છે કે તેમાં ભક્તિ માટે કોઇપ્ણ અસુવિધા નથી.પોતાના પરમ સૌભાગ્ય અને ભગવાનની અહેતુ કૃપાથી તેને અનાયાસે પ્રાપ્ત કરીને પણ જે પોતાની મતિ-ગતિને અસત એવા સંસારમાં લગાડી દે છે અને તુચ્છ વિષય સુખના માટે તમામ પ્રયત્ન કરતા રહીને ઘર-ગૃહસ્થીના અંધારા કૂવામાં પડ્યા રહે છે,ભગવાનના ચરણકમળોની ઉપાસના કરતા નથી તે પશુ જેવા છે.છે.જેની તૃષ્ણા અપાર છે તે ક્યારેય સુખી થઇ શકતો નથી.જીવ અનાદિકાળથી જન્મ-મૃત્યુરૂપી સંસારચક્રમાં ભટકી રહ્યો છે.

ભગવાન કહે છે કે મારા જે અનન્ય ભક્તો હોય છે તેમની બુદ્ધિ ક્યારેય કામનાઓમાં આસક્ત થતી નથી.તમે તમારૂં મન અને મનના બધા ભાવો મને અર્પણ કરી દો,મારામાં જોડી દો આમ કરવાથી મારામાં તમારી નિર્મળ ભક્તિ અખંડ રહેશે.

જીવને આ મનુષ્ય દેહ મળ્યો હોવાં છતાં વિષયોમાં પ્રીતિ હોવાથી તે આપનાં ચરણારવિંદની સેવા કરતો નથી.મનુષ્ય કેવો પ્રમાદી છે?સર્પ દેડકાને ગળે છે,અર્ધું શરીર સર્પના પેટમાં ગયું છે પણ તેનું મોઢું બહાર છે,બે મિનિટમાં તો તે સર્પનો કોળિયો થવાનો છે,તેવામાં માખ ઉડતી ઉડતી આવે તો દેડકો માખ પકડીને ખાવાનો પ્રયત્ન કરે છે,તે પોતાના મરણનો વિચાર કરતો નથી.સર્પના મુખમાં રહેલા દેડકા જેવી મનુષ્યની સ્થિતિ છે,નાથ..! કૃપા કરો, સંસારના જડ પદાર્થોમાં મારું મન ના જાય.મને અનન્ય ભક્તિ આપો. મનુષ્યને બહારગામ જવાનું હોય તો બે-ચાર દિવસથી તૈયારી કરે છે.ઘરમાં લગ્ન હોય તો બે-ચાર મહિનાથી તૈયારી કરે છે પરંતુ જ્યાં ગયા પછી પાછું આવવાનું નથી તેની તૈયારી કોઈ કરતુ નથી.

કાળ ક્યારે કોળિયો કરે તે કહી શકાતું નથી. પચાસ પૂરાં થાય એટલે સમજવું કે અડધું શરીર પેલા દેડકાની જેમ કાળના મુખમાં ગયું છે.ફક્ત મોઢું બહાર છે.માણસ ગાફેલ રહે છે તેથી તેનું મરણ બગડે છે. શ્રીકૃષ્ણ મુચુકુન્દને કહે છે કે આ જન્મમાં તને તેવી અનન્ય ભક્તિ મળવી મુશ્કેલ છે.જુવાનીમાં તે ઘણું વિલાસી જીવન ગાળ્યું છે.કામનો માર ખાય તેને કાળનો માર અવશ્ય ખાવો જ પડે છે.હજુ તારે એક જન્મ લેવો પડશે.તે જન્મમાં તને બ્રાહ્મણ શરીર પ્રાપ્ત થશે અને તને અનન્ય ભક્તિ પ્રાપ્ત થશે.મારા હાથે તમારાં અનેક કાર્યો થશે.

મુચુકુંદે તે પછી તપશ્ચર્યા કરી અને બીજા જન્મમાં બ્રાહ્મણ શરીર મેળવ્યું.કહેવાય છે કે દ્વાપર યુગનો મુચુકુન્દ રાજા તે કળિયુગમાં નરસિંહ મહેતા તરીકે આવ્યા છે.નરસિંહ મહેતા દ્વારકાધીશના લાડીલા છે, તેમનાં બાવન કામ પ્રભુએ કર્યા છે.મુચુકુન્દ રાજાની કથા સ્પષ્ટ બતાવે છે કે યુવાનીમાં વિલાસપૂર્વક જીવન ગળ્યું હોય તો તેવા મનુષ્યને આ જીવનમાં ભક્તિ કે અનન્ય ભક્તિ મળવી મુશ્કેલ છે.તેણે ધીરે ધીરે સંયમને વધારીને ભગવદ-મય જીવન  ગાળીને તથા સતત ઈશ્વરનું સ્મરણ કરવાથી તેનો આવતો જન્મ સુધરે છે.(આ જન્મ નહિ) પણ જે યુવાનીમાં જ સંયમ વધારી ભક્તિમય જીવન ગાળે તેને તે જ જન્મમાં મુક્તિ મળે છે.વૃદ્ધાવસ્થામાં ઈશ્વરભજન કરવાથી આવતો જન્મ સુધરે છે.(શ્રીમદ ભાગવતમાંથી સાભાર)

આલેખનઃવિનોદભાઇ માછી નિરંકારી

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!