હળવદના વેગડવાવ રોડપર ખાનગી સ્કુલ બસમાંથી ૪૦થી વિદ્યાર્થીઓનો બચાવ

બસની બારીમાંથી વિદ્યાર્થીઓને સલામત રીતે બહાર કઢાયા :: આરટીઓ નિયમોનું ઐસીતૈસી કરી બેફામ દોડતાં સ્કુલ વાહનો
હળવદ તાલુકાના વેગડવાવ ગામ પાસે આજે બપોરના સમયે સામેથી આવતા વાહનને સાઈડ આપવા જતાં રોડની સાઈડમાં સ્કુલ બસ ઉતરી ગઈ હતી જેથી આ બસમાં બેઠેલા ૪૦ જેટલા વિદ્યાર્થીઓના જીવ તાળવે ચોટી ગયા હતા જો કે, બસમાં બેઠેલા તમામ વિદ્યાર્થીઓને બસની બારીઓમાંથી સલામત રીતે બહાર કાઢી લેવામાં આવ્યા હતા જેથી કોઈ જીવલેણ અકસ્માત સર્જાયેલ નથી પરંતુ આ બનવાને પોલીસ અને આરટીઓ વિભાગ દ્વારા ગંભીરતાથી લેવામાં આવશે કે કેમ તે તો આગામી સમય જ બતાવશે.
ખાનગી શાળાઓમાં વિદ્યાર્થીઓને લાવવા તેમજ લઇ જવા માટે ખાનગી બસ સહિતના વાહનો દોડાવવામાં આવતા હોય છે ત્યારે આજે બપોરે હળવદ તાલુકાના વેગડવાવ ગામ પાસે એક ખાનગી સ્કુલ બસ પસાર થઇ રહી હતી ત્યારે બીજા વાહનને સાઇડ આપવા જતા ખાનગી શાળાની સ્કુલ બસ રોડ સાઈડમા ઉતરી ગઈ હતી.વેગડવાવ પાસે આ બસમા ૪૦ જેટલા જુદીજુદી શાળાના વિદ્યાર્થીઓ બેઠેલા હોવાથી વિદ્યાર્થીઓએ દેકારો કરી મુક્યો હતો જેથી કરીને આસપાસના વિસ્તારમાંથી લોકો દોડી આવ્યા હતા અને બસમાં બેઠેલા વિધ્યાર્થીઓને બસની બારીમાથી બહાર કાઢી લેવામાં આવ્યા હતા.
અત્રે ઉલેખનીય છે કે સ્કુલ બસમાં બેઠેલા ૪૦થી વધારે વિદ્યાર્થીઓનો આબાદ બચાવ થયો હોવાથી મોટો અકસ્માત સર્જાતા સહેજમાં ટળ્યો છે પરંતુ હળવદથી વિદ્યાર્થીઓને લઇને ઈશનપુર ગામે જતી સ્કુલ બસનો આજે જે અકસ્માત થયો છે તેને જવાબદાર વિભાગના અધિકારીઓ તેમજ જુદીજુદી શાળાઓના સંચાલકો દ્વારા ગંભીરતાથી લેવામાં આવે તે જરૂરી નહિ પરંતુ અનિવાર્ય છે.