હળવદના ખેડૂતોની ધીરજ ખુટી : પાણી પ્રશ્ને મોરબી જિલ્લા કલેક્ટરને કરી રજૂઆત

૧પ ગામના ખેડૂતોએ પાણી માટે બે દિવસ પૂર્વે તાલુકા પંચાયતે માંડયો હતો મોરચો
હળવદ પંથકમાં ચાલુ સાલે વરસાદ ખેચાતા ખેડૂતોની હાલત દિન બદિન કથળી રહી છે ત્યારે હળવદના ૧પ ગામના ર૦૦થી વધુ ખેડૂતોએ બે દિવસ પૂર્વે તાલુકા પંચાયત કચેરી ખાતે નર્મદા કેનાલનું સિંચાઈ માટે પાણી નહીં મળતા રજૂઆત કરવા ધસી ગયા હતા જ્યાં ખેડૂતોએ નારેબાજી કરી હલ્લાબોલ કર્યો હતો તો સાથે ત્રણ દિવસમાં નર્મદા કેનાલમાં પાણી નહીં છોડવામાં આવે તો આત્મ વિલોપનની ચીમકી પણ ઉચ્ચારી હતી ત્યારે આજે ખેડૂતોએ તાલુકા પંચાયત પ્રમુખને સાથે રાખી પાણી આપવાની માંગ સાથે કલેકટરને રજૂઆત કરી હતી.
પંથકમાં ગત સાલ અછતગ્રસ્ત જાહેર થયા બાદ ચાલુ સાલે પણ પુરતો વરસાદ નહીં થતા ખેડૂતોની સ્થિતિ વિકટ બની છે તો બીજી તરફ નર્મદા કેનાલમાં બેફામ પાણી ચોરી તેમજ વેડફાટ થતો હોવાનો ખેડુતોએ આક્ષેપો કર્યા હતા. ત્યારે બે દિવસ પૂર્વે બુધવારના રોજ તાલુકા પંચાયત કચેરી ખાતે તાલુકા પંચાયત પ્રમુખ ધર્મેન્દ્રસિંહ ઝાલાને રજુઆત કરી અને જણાવ્યું હતું કે, ચાલુ સાલ વરસાદ ખેંચાતા ખેડૂતોની પરિસ્થિતિ દિન પ્રતિદિન કપરી બની છે તો સાથો સાથ નર્મદા કેનાલ વાટે અપાતું સિંચાઈ માટે પાણી તાલુકાના છેવાડાના ગામ સુધી નહીં પહોંચતા ખેડૂતોના પાકને મોટી નુકસાની થાય તેવી ભીતિ સેવાઈ રહી છે ત્યારે આજે રાયસંગપર, મયુરનગર, ધનાળા, ચાડધ્રા, મિયાણી સહિતના ખેડૂતોએ સિંચાઈ માટે પાણી આપવા મોરબી જિલ્લા કલેકટર શ્રી માંકડીયાને રજૂઆત કરી હતી. વધુમાં ખેડૂતોએ જણાવ્યું હતું કે, ધ્રાંગધ્રા બ્રાન્ચની નર્મદા કેનાલમાં ૧પ દિવસથી પાણી છોડાયું છે પરંતુ પંથકના છેવાડાના ગામ સુધી ટીપું ય પાણી મળ્યું નથી તેમજ ઉગ્ર રોષ ઠાલવતા ખેડૂતોએ વધુમાં ઉમેર્યું કે, હળવદ તાલુકાના ખેડૂતોને ખરા સમયે સિંચાઈ માટે પાણી નહીં મળે તો પાક નિષ્ફળ જશે અને ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો ખમવો પડશે.