પૂર્વજન્મના પ્રારબ્ધકર્મ અનુસાર ફળ ભોગવવું જ પડે છે.

પૂર્વજન્મના પ્રારબ્ધકર્મ અનુસાર ફળ ભોગવવું જ પડે છે.
ભારતીય વિચારધારા કર્મ અનુસારના જીવન-મરણ-આવાગમનના સિધ્ધાં તને સ્વીકારે છે.શાસ્ત્રોમાં ચૌરાશી લાખ યોનિયો(ઇંડજ પિંડજ સ્વેદજ અને ઉદભિજ)નું વર્ણન છે તથા દેવ દુર્લભ મનુષ્યા જન્મની પ્રાપ્તિ ઘણા જ સત્કર્મોનું પ્રતિક છે એમ કહેવામાં આવ્યું છે.સૃષ્ટિના વિકાસક્રમમાં ઉત્તરોત્તર ઉન્નતિનો ઉપાસક માનવ તમામ જીવોમાં સૌથી મોટો કહેવાય છે કારણ કે તેની પાસે બુધ્ધિ,વિવેક,મૂલ્યાંકન કરવાની તથા વાસ્તવિકતા શોધી કાઢવાની શક્તિ તેનામાં છે.આ શક્તિના આધારે તે પોતાના જીવન લક્ષ્યના વિશે વિચારી શકે છે તથા જીવન રહસ્યની શોધ કરી છેલ્લે આવાગમનના ચક્કરમાંથી છુટકારો મેળવીને પ્રભુમાં લીન થઇ શકે છે અને આ જ મનુષ્યજીવનની સાર્થકતા છે.પ્રભુ ૫રમાત્માની ગોદમાં સ્થાન પ્રાપ્ત કરી સાંસારિક ભોગો-સુખો-આકર્ષણો-વિકર્ષણોથી મુક્તિ મળે છે.ભવસાગરમાં ગોથાં ખાવા કરતાં સત્યબોધ પ્રાપ્ત કરી અલૌકિક આનંદ પ્રાપ્ત કરવો તથા જીવતાં રહીને પોતાનાં પ્રારબ્ધ કર્મોનો હિસાબ પુરો કરી નવેસરથી સદવિચારી,સમવ્યવહારી તથા ૫રકલ્યાણકારી જીવન વિતાવવું..એ જ વાસ્તવમાં મનુષ્યજીવનનું લક્ષ્ય છે.
જન્મ લેતી વખતે જેટલું સંચિતકર્મ પાકીને ફળ આપવા પ્રારબ્ધ બન્યું હોય તેને અનુરૂપ દેહ મળે છે અને પૂર્વ જન્મોના કર્મો અનુસાર અમોને આ જનમમાં માતા-પિતા,ભાઇ-બહેન,પતિ-પત્ની,પ્રેમી-પ્રેમિકા,મિત્ર-શત્રુ અને સગા-સબંધી વગેરે સંસારમાં જેટલા સબંધો છે તે તમામ મળતા હોય છે કારણ કે આ બધાને અમારે કંઇક આપવાનું હોય છે કે તેમની પાસેથી અમારે કંઇક લેવાનું હોય છે.અમારા સંતાનના રૂપમાં કોન આવે છે? તેનો જવાબ છે કે સામાન્ય રીતે સંતાનના રૂપમાં અમારો પૂર્વજન્મનો કોઇ સબંધી જ આવીને અમારા ઘેર જન્મ લે છે.શાસ્ત્રોમાં તેના ચાર પ્રકાર બતાવવામાં આવ્યા છે.
(૧) ઋણાનુબંધઃ
પૂર્વજન્મનો કોઇ એવો જીવ જેની પાસેથી અમે કંઇક ઉધાર લીધું હોય કે ગયા જનમમાં અમોએ તેનું ધન નષ્ટ કર્યું હોય તે અમારા ઘેર સંતાનના રૂપમાં જન્મ લે છે અને અમારૂં ધન બિમારી કે વ્યર્થના કાર્યોમાં તેની સાથેનો અમારો હિસાબ પુરો ના થઇ જાય ત્યાંસુધી નાશ કરતો રહે છે.
(ર) શત્રુપૂત્રઃ
પૂર્વજન્મનો કોઇ દુશ્મન અમારી સાથે બદલો લેવા માટે અમારા ઘરમાં સંતાન બનીને આવે છે અને મોટો થતાં જ માતા-પિતા સાથે લડાઇ-ઝઘડા અને મારપીટ કરે છે.આમ જીવનભર અમોને તે હેરાન-પરેશાન કરતો રહે છે.હંમેશાં કડવા વચનો બોલીને અમારી બેઇજ્જતી કરીને અમોને દુઃખી કરીને પોતે ખુશ થતો રહે છે.
(૩) ઉદાસીન પૂત્રઃ
આવા પ્રકારના સંતાનો માતા-પિતાની સેવા કરતા નથી કે સુખ આપતા નથી, તે પોતાના માતા-પિતાને તેમના હાલ ઉપર મરવા માટે છોડી દેતા હોય છે અને લગ્ન પછી પોતાના માતા-પિતાથી અલગ થઇ જાય છે.
(૪) સેવકપૂત્રઃ
પૂર્વજન્મમાં અમે કોઇની ઘણી જ સેવા કરી હોય તો તે કરેલ સેવાનું ઋણ ઉતારવા માટે અમારા ઘેર પૂત્ર કે પૂત્ર બનીને આવે છે અને અમારી ઘણી જ સેવા કરે છે.જે વાવ્યું હોય તે જ લણવાનું હોય છે.જો અમે અમારા માતા-પિતાની સેવા કરીશું તો અમારા સંતાનો વૃદ્ધાવસ્થામાં અમારી સેવા કરશે નહી તો વૃદ્ધાવસ્થામાં કોઇ અમોને પાણી પિવડાવનાર પણ નહી હોય..
આપ એમ ના સમજશો કે આ બધી વાતો ફક્ત મનુષ્યને જ લાગુ પડે છે.આ ચાર પ્રકારમાં કોઇપણ જીવ અમારા સબંધી બનીને આવી શકે છે.અમે જો કોઇ ગાયની નિઃસ્વાર્થભાવથી સેવા કરી હોય તો તે પણ અમારી પૂત્રી કે પૂત્ર બનીને આવી શકે છે અને અમે કોઇ ગાયને સ્વાર્થભાવથી પાળી હોય અને જ્યારે તે દૂધ આપતી બંધ થઇ જાય ત્યારે તેને ઘરની બહાર છોડી મુકી હોય તો તે પણ ઋણાનુબંધ અનુસાર પૂત્ર કે પૂત્રી બનીને આવતી હોય છે.
ગયા જન્મમાં અમે કોઇ નિર-અપરાધી જીવને સતાવ્યો હોય તો તે અમારા જીવનમાં શત્રુ બનીને આવશે અને અમારી સાથે બદલો લેશે એટલે જીવનમાં ક્યારેય કોઇનું ખરાબ ન કરવું કે બીજા કોઇનું કોઇપણ પ્રકારનું નુકશાન ન પહોંચાડવું કારણ કે પ્રકૃતિનો નિયમ છે કે અમે બીજાઓની સાથે જેવો વ્યવહાર કરીશું કે બીજાઓને જે કંઇ આપીશું તે અમોને આ જન્મમાં કે આગલા જનમમાં સો ગણું થઇને પરત મળે છે.જો અમે કોઇને એક રૂપિયો આપીએ તો સમજો કે અમારા ખાતામાં સૌ રૂપિયા જમા થાય છે અને જો અમે બીજાનો એક રૂપિયો પડાવી લીધો છે તો સમજો કે આપણા ખાતામાં જમા રકમમાંથી સૌ રૂપિયા નીકળી જાય છે.
જરા વિચાર કરીએ..અમે કેટલું ધન સાથે લઇને આવ્યા હતા અને કેટલું ધન સાથે લઇને જવાના છીએ? જે જીવો આ દુનિયા છોડીને ચાલ્યા ગયા છે તે પોતાની સાથે કેટલું સોનું-ચાંદી કે રૂપિયા સાથે લઇને ગયા છે? જેને અમે મારૂં મારૂં કહીએ છીએ તે સોનું-ચાંદી,ધન-દૌલત મૃત્યુ થતાં ઘર કે બેન્કમાં જ પડેલું રહી જાય છે અને અંત સમયે અમોને પછતાવો થાય છે કે આ બધી કમાણી વ્યર્થ જ કરી હતી.
સંતાનોને સારૂં શિક્ષણ અને સારા સંસ્કાર આપ્યા હશે તો આવા સારા અને લાયક સંતાનો માટે આપણા ગયા પછી તેમના માટે પાછળ કંઇ જ છોડીને ના જઇએ તો પણ તે પોતે કમાઇને ખાવાના જ છે અને જો સંતાનો વ્યસની,નાલાયક અને બગડેલા હશે તો તેમના માટે ગમે તેટલું ધન ભેગું કરીને તેમને આપીને જઇશું તો પણ તમામ ધન-સંપત્તિ કેટલાક દિવસોમાં તે બરબાદ કરી દેવાના છે.
સમગ્ર જીવન દરમ્યાન લોહી-પરસેવો રેડીને ભેગું કરેલ તમામ ધન અહીંયાં જ રહી જાય છે, આપણે કશું જ સાથે લઇને જઇ શકતા નથી.જીવન દરમ્યાન સત્કર્મો કરીશું,ન્યાય-નીતિ અને ધર્મ અનુસાર આચરણ કરી જીવન જીવીશું તો તે અમારી સાથે આવે છે.
આલેખનઃવિનોદભાઇ માછી નિરંકારી
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300