રાજ્યમાં ૩૫,૦૦૮ લોકોએ NOTTOના વેબપોર્ટલ પર અંગદાનની પ્રતિજ્ઞા લીધી

ગુજરાતમાં અંગદાનથી મળતા અંગોના ટ્રાન્સપ્લાન્ટ માટેની ફાળવણી પ્રક્રિયા સંપૂર્ણપણે પારદર્શી , ગેરરિતીને કોઇ અવકાશ નહીં – આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ
છેલ્લા બે વર્ષમાં રાજ્યમાં બ્રેઇનડેડ અંગદાતાઓ તરફથી કુલ 856 અંગો મળ્યા
સિવિલ હોસ્પિટલમાં 282 અંગો મળ્યાં
રાજ્યમાં ઓર્ગન ડોનેશનની પ્રવૃત્તિને વેગ આપવા સરકાર દ્વારા SOTTO (સ્ટેટ ઓર્ગન એન્ડ ટીસ્યુ ટ્રાન્સપ્લાન્ટ ઓર્ગેનાઈઝેશન) ને પ્રચાર-પસાર માટે રૂ. 7 કરોડના ફંડની જોગવાઈ
અંગદાન કરાવતી હોસ્પિટલને પ્રત્યેક કેસ દીઠ રૂ.૫૦,૦૦૦ સુધીની સહાય રાજ્ય સરકાર દ્વારા અપાય છે
રાજ્યમાં ૩૫,૦૦૮ લોકોએ NOTTOના વેબપોર્ટલ પર અંગદાનની પ્રતિજ્ઞા લીધી
આરોગ્યમંત્રીશ્રી ઋષિકેશ પટેલે વિધાનસભા ગૃહમાં પ્રશ્નોતરી દરમિયાન અંગદાન સંદર્ભે પૂછાયેલા પ્રશ્નમાં સ્પષ્ટપણે જણાવ્યું છે કે,રાજ્યમાં બ્રેઇનડેડ અંગદાતાઓના અંગદાનથી મળતા અંગોને અન્ય વ્યક્તિને ટ્રાન્સપ્લાન્ટ માટેની ફાળવણી પ્રક્રિયા સંપૂર્ણપણે પારદર્શી અને ઓનલાઇન છે.
તેમણે વધુમાં ઉમેર્યું કે, ટ્રાન્સપ્લાન્ટ માટેના રજીસ્ટ્રેશનથી લઇ ટ્રાન્સપ્લાન્ટ થાય ત્યાં સુધીની સમગ્ર પ્રક્રિયામાં ગેરરિતી કે લાગવગને કોઇપણ અવકાશ નથી.
મંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું હતું કે, ગુજરાત રાજ્યમાં છેલ્લા વર્ષોમાં અંગદાન અને ટ્રાન્સપ્લાન્ટની પ્રવૃતિને વેગ મળ્યો છે. જેના પરિણામે જ રાજ્યમાં ગત્ બે વર્ષમાં સરકારી અને ખાનગી મળીને કુલ 856 જેટલા અંગો મળ્યાં. જેમાં 464 કિડની, 235 લીવર, 65 હ્રદય, 68 ફેફસા, 03 સ્વાદુપિંડ, 8 નાના આંતરડા, અને 13 હાથોનું દાન મળ્યું.
અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં પણ બે વર્ષમાં કુલ 282 અંગોનું દાન મળ્યું છે.
રાજ્યમાં અંગદાનની પ્રવૃતિને વેગ આપવા હાથ ધરાયેલ કામગીરી સંદર્ભે મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, સરકાર દ્વારા આઇ.ઇ.સી. (ઇન્ફોરમેશન, એજ્યુકેશન અને કોમ્યુનીકેશન) એટલે કે પ્રચાર – પસારના હેતુથી ફંડ સ્વરૂપ રૂ.7 કરોડની SOTTO (સ્ટેટ ઓર્ગન એન્ડ ટીસ્યુ ટ્રાન્સપ્લાન્ટ ઓર્ગેનાઈઝેશન)ને જોગવાઈ કરાઇ છે.
રાજ્યની હોસ્પિટલો ઓર્ગન ડોનેશનની પ્રવૃત્તિમાં જોડાય અને વધુમાં વધુ પ્રમાણમાં ઓર્ગન ડોનેશન થાય તે હેતુથી ઓર્ગન ડોનેશન કરાવતી હોસ્પિટલને પ્રત્યેક કેસ માટે રૂ.૫૦,૦૦૦ સુધીની સહાય આપવામાં આવે છે. (દર્દીને બ્રેઇન ડેડ જાહેર કર્યા બાદ અંગની પ્રાપ્તિ ન થાય ત્યા સુધી જે કોઇપણ મેડીકલ સારવાર આપવામાં આવે તે અંગેના ખર્ચ માટે)
અંગોના ફાળવણીની પ્રક્રિયા સંદર્ભે
જો પ્રાઈવેટ રીટ્રીવલ હોસ્પિટલમાં અંગદાતા હોય તો તેમના અંગોની ફાળવણી 1, 3 અને 5 ક્રમાંક ઉપર પ્રાઈવેટ હોસ્પિટલોને કરવામાં આવે છે. 2 અને 4 નંબરના અંગોની ફાળવણી સરકારી હોસ્પિટલોને કરવામાં આવે છે.
જો સરકારી હોસ્પિટલમાં અંગદાતા હોય તો તેમના અંગોની ફાળવણી 1, 3 અને 5 ક્રમાંક ઉપર સરકારી હોસ્પિટલોને કરવામાં આવે છે. 2 અને 4 નંબરના અંગોની ફાળવણી પ્રાઈવેટ હોસ્પિટલોને કરાય છે.
જો મેડીસીટી કેમ્પસમાં આવેલ હોસ્પિટલમાં અંગદાતા પ્રાપ્ત હોય તો તેના અંગોની ફાળવણી મેડીસીટી કેમ્પસમાં આવેલ હોસ્પિટલોને કરવામાં આવે છે.
અંગોના ટ્રાન્સપ્લાન્ટ નોંધણી માટેની પ્રક્રિયા
ટ્રાન્સપ્લાન્ટ કરતી હોસ્પિટલો જેમને સ્ટેટ એપ્રોપ્રિએટ ઓથોરાઈઝેશન કમિટિ દ્વારા મંજૂરી આપવામાં આવેલ હોય તેવી હોસ્પિટલોને SOTTO- ગુજરાત અને NOTTO દિલ્હી દ્વારા લોગીન આઇ.ડી. અને પાસવર્ડ આપવામાં આવે છે.
અંગ ટ્રાન્સપ્લાન્ટ કરાવવા માંગતા દર્દીઓએ અંગદાનની પ્રતિક્ષા(વેઇટીંગ) યાદીમાં નામ નોંધાવવા માટે ટ્રાન્સપ્લાન્ટ કરતી આ હોસ્પિટલો પૈકી કોઇ એકનો સંપર્ક કરી તેમની નોંધણી SOTTO- ગુજરાત અને NOTTOની વેબસાઇટ ઉપર ઓનલાઈન કરાવવાની હોય છે.
રાજ્યમાં અંગદાન મેળવવા માંગતા દર્દીને તેના શારિરીક તકલીફના સ્કોરના આધારે મેરીટ પ્રમાણે જેમ જેમ અંગ મળે તે મુજબ અંગ પ્રત્યારોપણ કરવામાં આવતુ હોય છે.
રિપોર્ટ : અનિષ ગૌદાણા
(આસી.એડિટર)
લોકાર્પણ દૈનિક ન્યૂઝ ગાંધીનગર
સાથે વિવેક ગૌદાણા (માંગરોળ)
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300