રાજ્ય સરકારના જળસંપત્તિ વિભાગને ૪૫૦થી વધુ નવી યુવાશક્તિનું સામર્થ્ય અને કૌશલ્ય મળ્યા

રાજ્ય સરકારના જળસંપત્તિ વિભાગને ૪૫૦થી વધુ નવી યુવાશક્તિનું સામર્થ્ય અને કૌશલ્ય મળ્યા
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે વર્ક આસિસ્ટન્ટ વર્ગ-૩ સંવર્ગમાં નવનિયુક્ત ઉમેદવારોને નિમણૂક પત્રો એનાયત કર્યા
_જળસંપત્તિ મંત્રીશ્રી અને રાજ્યમંત્રીશ્રીની પ્રેરક ઉપસ્થિતિ:
સરકારી સેવામાં જોડાઈને જન સેવાની મળેલી તકને પદ-પ્રતિષ્ઠા-હોદ્દો કે આર્થિક આધાર તરીકે મૂલવવાને બદલે સોંપાયેલ કામગીરી પર ફરજ નિષ્ઠાથી ફોકસ કરવા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ નું આહવાન
પોઝિટિવ એપ્રોચ અને સકારાત્મક ઉર્જા સાથે કર્તવ્યરત રહીને વિકસિત ભારત @ ૨૦૪૭ માટે વિકસિત ગુજરાતના નિર્માણના સંવાહક બનજો: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ
_:મુખ્યમંત્રીશ્રી:_
* રાજ્ય સરકારે વિવિધ વિભાગોમાં રહેલી ખાલી જગ્યાઓ પર સમયબદ્ધ અને ઝડપી ભરતી માટે ભરતી કેલેન્ડર બનાવ્યું છે
* ૨૦૨૫ના વર્ષમાં જ વધુ ૬૦૦ વર્ક આસિસ્ટન્ટની જગ્યાઓ ભરવા માટે જાહેરાત સહિતની પ્રક્રિયા તબક્કા વાર કરાશે
* વરસાદી પાણીના સદુપયોગ તથા જળસંચય માટે ,કેચ ધ રેઈન’ કેમ્પેઈન – ‘એક પેડ મા કે નામ’ સહિતના જન અભિયાનોમાં નવયુવાશક્તિ સક્રિયતાથી જોડાઈને કાર્ય આનંદ સાથે આત્મસંતોષ મેળવી શકશે
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્ય સરકારના જળસંપત્તિ વિભાગમાં નવી નિમણૂક મેળવનાર નવયુવાઓને કર્તવ્ય પાલન અને ફરજ નિષ્ઠાથી સેવારત રહેવાનું આહવાન કર્યું છે.
આ સંદર્ભમાં તેમણે જણાવ્યું કે, સરકારી સેવામાં જોડાઈને લોક સેવાની જે તક મળી છે તેને પદ, પ્રતિષ્ઠા, હોદ્દો કે આર્થિક આધાર તરીકે મુલવવાને બદલે પોતાને સોંપાયેલી કામગીરી પર ફોકસ કરીને ઉજાળીએ.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ રાજ્ય સરકારના જળસંપત્તિ વિભાગમાં વર્ક આસિસ્ટન્ટ વર્ગ-૩ની પરીક્ષાઓમાં પસંદ થઈ સીધી ભરતીથી નિમણૂક પામેલા યુવાઓને નિમણૂક પત્રો વિતરણના અધ્યક્ષ સ્થાનેથી સંબોધન કરી રહ્યા હતા. આ અવસરે ૪૫૦થી વધુ નવયુવાઓને જળસંપત્તિ મંત્રી શ્રી કુંવરજી બાવળીયા, રાજ્યમંત્રી શ્રી મુકેશ પટેલ અને મહાનુભાવોની ઉપસ્થિતિમાં નિમણૂક પત્રો એનાયત કરવામાં આવ્યા હતા.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ટીમ ગુજરાતમાં જોડાઈ રહેલા નવયુવાઓને પ્રેરણા આપતા કહ્યું કે, પોઝિટિવ એપ્રોચ અને સકારાત્મક ઉર્જા સાથે ફરજો અદા કરીને તેમણે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ કરેલા વિકસિત ભારત @ ૨૦૪૭ સંકલ્પ માટે વિકસિત ગુજરાતના નિર્માણના સંવાહક બનવાનું છે.
મુખ્યમંત્રીશ્રીએ નવનિયુક્ત યુવાઓને ઇન્ટરનેશનલ હેપીનેસ ડેની શુભેચ્છાઓ પાઠવતા આ દિવસ તેમના જીવનમાં બેવડી ખુશી લાવનારો બન્યો છે તેનો હર્ષ વ્યક્ત કર્યો હતો.
તેમણે કહ્યું કે, રાજ્ય સરકારે વિવિધ વિભાગોમાં રહેલી ખાલી જગ્યાઓ સમયબદ્ધ અને ઝડપી રીતે ભરવાનું આયોજન કરી લીધુ છે. આ હેતુસર દસ વર્ષીય ભરતી કેલેન્ડર સરકારે બનાવ્યું છે અને ૨૦૨૫ના વર્ષમાં જ વધુ ૬૦૦ વર્ક આસિસ્ટન્ટની જગ્યાઓ ભરવા માટેની જાહેરાત સહિતની પ્રક્રિયા તબક્કાવાર કરવામાં આવશે.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે નવી નિમણૂક પામી રહેલા વર્ક આસિસ્ટન્ટ યુવાઓને શીખ આપતા જણાવ્યું કે, તેમની પાસે આવનારી વ્યક્તિ કે અરજદારને સાંભળીને તેની સમસ્યા-પ્રશ્નનું નિવારણ ઝડપથી થાય તેવો પ્રો-એક્ટીવ એપ્રોચ રાખવો જરૂરી છે. એટલું જ નહીં, સૌ એકબીજાના પૂરક બનીને કાર્ય કરીશું તો કાર્ય આનંદ સાથે આત્મસંતોષ પણ મળશે જ.
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સુદ્રઢ જળ વ્યવસ્થાપનથી ખેતરે ખેતરે પાણી પહોંચાડીને કૃષિ સમૃદ્ધિનો અભિગમ સાકાર કર્યો છે તેની વિશેષ ભૂમિકા મુખ્યમંત્રીશ્રીએ આપી હતી.
તેમણે આ અંગે જણાવ્યું કે, પાણીનો સદુપયોગ, વરસાદી પાણીના સંચય માટે ‘કેચ ધ રેઈન’ અભિયાન, વાતાવરણ શુદ્ધી અને પર્યાવરણ જાળવણી માટે ‘એક પેડ મા કે નામ’, સ્વચ્છતા સહિતના જન અભિયાનોમાં નવયુવાશક્તિ તેના સુદીર્ઘ સેવાકાળ દરમિયાન જોડાઈને સૌના સાથ સૌના વિકાસના સંકલ્પને અવશ્ય પાર પાડી શકશે જ.
જળસંપત્તિ મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળીયાએ નવનિમણૂંક પામેલા ઉમેદવારોને શુભેચ્છાઓ પાઠવતા જણાવ્યું હતું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની દૂરંદેશી પ્રેરણાથી આજે સુજલામ સુફલામ અને સૌની યોજના સહિત વિવિધ ઉદવહન પાઈપલાઈનોના માધ્યમથી કચ્છ સહિત રાજ્યના દરેક ખૂણે નર્મદાના નીર પહોંચ્યા છે. જળસંપત્તિ વિભાગની ટીમમાં વધારો થતા રાજ્યનું સિંચાઈ માળખું પણ વધુ સક્ષમ બનશે, તેમ તેમણે ઉમેર્યું હતું.
નવનિયુક્ત વર્ક આસિસ્ટન્ટ્સને સંબોધન કરતા મંત્રીશ્રીએ કહ્યું કે, તમારે સૌએ રાજ્યના ખેડૂતો સાથે સીધા સંપર્કમાં કામ કરવાનું છે. ત્યારે ખેડૂતો સાથે મૈત્રીપૂર્ણ વ્યવહાર જાળવવો અને તેમના નાના મોટા પ્રશ્નોનું ત્વરિત નિરાકરણ આવે એ જ તમારી પ્રાથમિકતા હોવી જોઈએ. આ ઉપરાંત રાજ્યના બંધોની જાળવણી કરીને છેવાડાના ખેડૂતને પણ સિંચાઈ માટે પૂરતું પાણી મળી રહે તેવી સુદ્રઢ વ્યવસ્થા ગોઠવવાની મહત્વપૂર્ણ જવાબદારી તમારે સંપૂર્ણ નિષ્ઠા અને પ્રામાણિકતાથી નિભાવવાની છે, તેમ મંત્રીશ્રીએ ઉમેર્યું હતું.
સમારોહમાં સૌનું શાબ્દિક સ્વાગત કરતા જળ સંપત્તિ રાજ્ય મંત્રી શ્રી મુકેશભાઈ પટેલે જણાવ્યું હતું કે, અમૃત સમાન જળ એ મનુષ્ય જીવનનો મુખ્ય આધાર છે. ભગવાનના પ્રસાદ સમાન જળના એક એક ટીપાંનું સંરક્ષણ કરીને વિવિધ જળ સ્ત્રોતોના માધ્યમથી ગુજરાતના દરેક નાગરિક સુધી પીવાલાયક અને સિંચાઈ માટે પાણી પહોંચાડવાની ગુજરાત સરકારની નેમ છે. આજે નિમણૂંક પામેલા નવયુવાનો ટેક્નોલોજીના માધ્યમથી જળ સંચયની કામગીરીને વધુ વેગવાન બનાવશે, તેવો તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
ગાંધીનગર ઉત્તરના ધારાસભ્ય શ્રીમતી રીટાબેન પટેલ, ગુજરાત રાજ્ય ગૌણ સેવા પસંદગી મંડળના અધ્યક્ષ શ્રી તુષાર ધોળકિયા, જળસંપત્તિ વિભાગના સચિવ શ્રી પી. સી. વ્યાસ, મુખ્ય ઈજનેર શ્રી એમ. ડી. પટેલ સહિત જળસંપત્તિ વિભાગના અધિકારીઓ અને નવનિમણૂંક પામેલા ઉમેદવારો તેમજ તેમના પરિવારજનો આ સમારોહમાં ઉપસ્થિત રહ્યા હતા.
રિપોર્ટ : વિવેક ગૌદાણા
સાથે ક્રિશ ગૌદાણા
લોકાર્પણ દૈનિક ન્યૂઝ માંગરોલ (જુનાગઢ)
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300