ઉજ્જૈન નગરની શક્તિપીઠમાં બિરાજતાં માતા હરસિદ્ધિ

ઉજ્જૈન નગરની શક્તિપીઠમાં બિરાજતાં માતા હરસિદ્ધિ
ઉજ્જૈનનું પ્રાચિન નામ અવંતિકા હતું.અવંતિકા સપ્તપુરીમાંની એક નગરી છે.અહીયાં જ્યોતિર્લિંગની સાથે સાથે ક્ષિપ્રા નદીના કિનારે શક્તિપીઠ આવેલું છે જ્યાં માતા હરસિદ્ધિ બિરાજે છે.માતા સતીના અંગ જ્યાં-જ્યાં પડ્યા ત્યાં શક્તિપીઠના રૂપમાં સ્થાપના થઈ.ધર્મગ્રંથોમાં કુલ એકાવન શક્તિપીઠો બતાવી છે.આ શક્તિપીઠોમાં એક માતા હરસિદ્ધિ છે.અહીં માતા સતીની કોણી પડી હતી.તેમનું મંદિર મઘ્યપ્રદેશના ઉજ્જૈન અને ગુજરાતના દ્વારકા બન્ને જગ્યાએ આવેલું છે.માતાજીની સવારની પૂજા ગુજરાતમાં અને રાતની પૂજા ઉજૈનમાં થાય છે.માતાનું મૂળ મંદિર ગુજરાતના દ્વારકામાં આવેલું છે.અહીથી જ મહારાજ વિક્રમાદિત્ય તેમને પ્રસન્ન કરીને પોતાની સાથે ઉજ્જૈન લઈ ગયા હતા.આ વાતનું પ્રમાણ છે કે બન્ને દેવીઓનો પૃષ્ઠ ભાગ એક જેવો છે.આવો તેની કથા જોઇએ..
હાલાર અને સોરઠની ધરતીની સરદહ ઉપર આવેલ હરસિધ્ધિમાતાનું તીર્થધામ ભગવાન શ્રી કૃષ્ણ તથા રાજા વિક્રમાદિત્યના કુળદેવીનું સ્થાનક છે.હાલરના સાગરકાંઠાના ગાંધવી ગામની હદમાં મેઢાખાડીના કિનારે હરસિધ્ધિમાતાજીનું મંદિર આવેલ છે.કોયલા ડુંગર ઉપર આવેલ હરસિધ્ધિમાતાનું મંદિર ચાલુકય કાળનું મંદિર છે.અહીની આરતી અત્યંત અદભૂત હોય છે.લગભગ એક કલાક આરતી ચાલે છે.એવું કહેવાય છે કે હરસિદ્ધિમાતા આરતી દરમ્યાન હાજર રહે છે.ત્યાં હિંડોળા છે જે આપોઆપ જુલવા માંડે છે.વાતાવરણ ખુબ જ શાંત છે.ત્યાં પ્રભાતસેન નામના રાજા રાજ્ય કરતા હતા.તેમને પ્રભાવતી નામની પતિવ્રતા રાણી હતી જે હરસિદ્ધિમાતાની પરમ ભક્ત અને ઉપાસક હતી.કૌરવ-પાંડવ સમયે ભગવાન શ્રીકૃષ્ણે અસુરો અને જરાસંઘ પર વિજય પ્રાપ્ત કરવા માટે આ દેવીની આરાધના કરી હતી અને દ્વારકામાં વસ્યા પછી પણ તેઓ હર્ષદ માતાની આરાધના કરતા હતા આથી જ યાદવોના કુળદેવી તરીકે માતા હરસિધ્ધિ જાણીતા છે.
લોકવાયકા મુજબ કચ્છના જૈન વેપારી શેઠ જગડુશા વેપારીના વહાણોનો કાફલો દરિયાઈ તોફાનમાં ફસાયો ત્યારે તેમણે હરસિદ્ધિ માતાનું સ્મરણ કર્યું હતું.માતાજીએ શેઠની પરીક્ષા કરી હતી કે પુત્ર પરિવારનું બલિદાન આપે તો તારૂં વહાણ બચાવીશ.આ વાત ઉપર શેઠ જગડુશા કબુલ થયા હતા.તોફાનમાં ચડેલો કાફલો અહીં કોયલા ડુંગરના કાંઠે આવી ચડ્યો હતો.માતાની કૃપાથી શેઠ જગડુશાએ ઈ.સ.૧૩૦૦માં હાલના મંદિરનું નિર્માણ કર્યું હતું.
એકવાર નવરાત્રીના પવિત્ર તહેવાર દરમિયાન પ્રભાવતીની સાથે હરસિદ્ધિમાતા એક સુંદર સ્ત્રીનું રૂપ ધારણ કરીને ગરબે રમતાં હતાં.મહેલના ઉત્સવને જોતા રાજા પ્રભાતસેને આ સુંદર સ્ત્રી તરફ આકર્ષણ થાય છે તેથી મોડી રાત્રે જ્યારે માતાજીએ ટેકરી પર પાછા જવાનું શરૂ કર્યું ત્યારે રાજાએ તેમનો પીછો કરી માતાજી ઉપર કુદ્રષ્ટિ કરી તેથી માતાજી કોપાઇમાન થઇને રાજાને શ્રાપ આપ્યો કે તારે રોજ સવારે ઉકળતા તેલની કઢાઇમાં પડવું પડશે અને હું તારા શરીરનું ભક્ષણ કરીશ.તારી રાણી પ્રભાવતીની ભક્તિના ફળસ્વરૂપે હું તને પુનઃ સજીવન કરીશ.ત્યારથી રાજા પ્રભાતસેન રોજ પોતાના શરીરનો ભોગ આપવા જતો હતો.આ શ્રાપના કારણે રાજા પ્રભાતસેનના સ્વાસ્થ્ય પર અસર થઇ અને તે ખૂબ જ નબળા અને પાતળા બન્યા હતા.
એકવાર રાજા પ્રભાતસેનના માસીના દિકરા ઉજ્જૈનના રાજા વિક્રમાદિત્ય દ્વારકાની તીર્થયાત્રાએ જતાં તેમના મહેમાન બને છે.ભાઇની આવી સ્થિતિ જોઈને રાજા વિક્રમાદિત્યએ કારણ પુછ્યું ત્યારે પ્રભાતસેને તમામ વાત કહી સંભળાવી ત્યારે વિક્રમાદિત્યે કહ્યું કે ચિંતા ના કરશો આવતી કાલે તમારી જગ્યાએ હું ભોગ આપવા માટે જઇશ.બીજા દિવસે રાજા વિક્રમાદિત્ય પોતે ગયા અને ઉકળતી તેલની કઢાઇમાં પડી પોતાના દેહનું બલિદાન આપ્યું ત્યારે રાજા વિક્રમની આવી પરોપકારની ભાવના જોઇ હરસિદ્ધિમાતા પ્રગટ થયા અને વિક્રમને બે વરદાન માંગવાનું કહ્યું.વિક્રમાદિત્યે પહેલા વરદાનમાં પોતાના ભાઇ પ્રભાતસેનને શ્રાપમાંથી મુક્તિ આપવાનું તથા બીજા વરદાનમાં માંગ્યું કે આપ મારી સાથે ઉજ્જૈનનગરીમાં પધારો.માતા હરસિદ્ધિએ તથાસ્તુ કહ્યું પણ એક વચન લીધું કે હું સવાર થતાં હું તારી પાછળ ઉજ્જૈન આવીશ પણ જે જગ્યાએ તારા મનમાં શંકા જાગશે ત્યાંથી એક ડગલું પણ આગળ નહી આવું.
બીજા દિવસે વહેલી સવારે રાજા વિક્રમાદિત્ય માતા હરસિદ્ધિને પગે લાગી પ્રાર્થના કરીને ઉજ્જૈન જવા નીકળે છે અને માતાજી તેમની પાછળ ઝાંઝરના અવાજ સાથે ઉજ્જૈન જાય છે.ધીમે ધીમે ચાલતાં રાજા ક્ષિપ્રા નદીના કિનારે પહોંચે છે ત્યારે માતાજીના ઝાંઝરનો અવાજ અચાનક બંધ થઇ જાય છે ત્યારે રાજાના મનમાં શંકા થાય છે કે માતાજી તેમની પાછળ આવ્યા છે કે નહી તે જોવા માટે પાછું વળીને જુવે છે તેથી મારા હરસિદ્ધિ ત્યાં ક્ષિપ્રા નદીના કિનારે જ રોકાઇ જાય છે પછી ત્યાં જ રાજા વિક્રમાદિત્ય માતા હરસિદ્ધિનું વિશાળ અને ભવ્ય મંદિર બંધાવે છે.આ ભવ્ય મંદિરમાં માતા હરસિદ્ધિ સ્વંય બિરાજમાન થયા છે.આ મંદિરમાં તેમની સાથે દેવી અન્નપૂર્ણા અને દેવી મહાકાળી પણ બિરાજમાન છે.મંદિરના પ્રાંગણમાં ભગવાન શિવનું કોટેશ્વર મહાદેવનું મંદિર આવેલ છે.હરસિદ્ધિ માતાના મંદિરની સામે એક નાનો અને એક મોટો ભવ્ય અને વિશાળ બે દીપ-સ્તંભ આવેલા છે જે શિવ-શક્તિનું પ્રતિક છે.બંન્ને સ્તંભ ઉપર ૧૧૦૦ દીપ પ્રજ્વલિત કરવામાં આવે છે જેના માટે લગભગ ૬૦ કિલો તેલની જરૂર પડે છે.
આલેખનઃવિનોદભાઇ માછી નિરંકારી
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300