બુનિયાદી કેળવણીકાર શ્યામજીભાઈ દેસાઈના સર્જન મારું એક સ્વપ્ન પુસ્તકનું વિમોચન યોજાયું….

બુનિયાદી કેળવણીકાર શ્યામજીભાઈ દેસાઈના સર્જન મારું એક સ્વપ્ન પુસ્તકનું વિમોચન યોજાયું….
વઢિયારની ધીંગી ધરાના સુવિખ્યાત જૈનતીર્થ શંખેશ્વરની પાવન ભૂમિમાં શ્રી 108 પા.ભ.વિ. જૈન દેરાસરના ઋષભ હોલમાં બુનિયાદી શિક્ષણના કેળવણીકાર શ્યામજીભાઈ લિખિત પુસ્તક સર્જન મારું એક સ્વપ્ન નું વિમોચન યોજાયું..
ઉ.બુ.વિદ્યાલ શંખેશ્વરના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ દ્વારા આયોજિત કાર્યક્રમની શરૂઆત મહાદેવભાઈ વઢેરના સુમધુર સ્વરથી “તમે મન મુકીને વરસ્યા અમે જનમ જનમના તરસ્યા” પ્રાર્થના ગીતથી થઈ. સ્વરો હોલમાં ગુંજી રહ્યા ને વાતાવરણ પવિત્ર બન્યું..
પ.પૂ. આચાર્ય ભગવંત હેમચંદ્રસૂરીશ્વરજી મ.સા. દ્વારા મંગલાચરણ અને આશીર્વાદ મળ્યા.
વઢિયાર વિસ્તારના પ્રખ્યાત લેખક શૈલેષ પંચાલ, ઉ.બુ. વિદ્યાલના ટ્રસ્ટી કેતનભાઈ ઠાકર, વઢિયારના જાણીતા કેળવણીકાર સોમાભાઈ ચાવડા,શ્રી એન.એમ. કોલેજના આચાર્ય ડૉ. રાજેશભાઇ ત્રિવેદી, ઉ.બુ. વિદ્યાલયના આચાર્ય રશ્મિકાંત ભટ્ટજીજેવા મંચસ્થ મહાનુભાવો દ્વારા દીપપ્રાગટ્ય કરી કાર્યક્રમને વિધિવત ખુલ્લો મુકાયો.સંસ્થાના પૂર્વ ટ્રસ્ટીઓ, પૂર્વ કર્મચારીઓ અને ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ માહેના દિવંગત આત્માઓને બે મિનિટનું મૌન રાખીને શ્રદ્ધાંજલિ અપાઈ.
શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થી અને પી.સી.પ્રજાપતિ વિદ્યાલયના પૂર્વ આચાર્ય, કેળવણીકાર અશોકભાઈ દવે દ્વારા મહેમાનોનું શાબ્દિક સ્વાગત થયું.
વઢિયારની પરંપરા મુજબ મંચસ્થ મહાનુભવોનું શાલ, પુષ્પગુચ્છ, પુસ્તક અને પેનથી ચતુર્ભુજ સ્વાગત થયું.
પુસ્તકમાં સમાવિષ્ટ પ્રતિભાશાળી વિદ્યાર્થીઓ પંકજકુમાર રાવલ, નવિનચંન્દ્ર નાયી, માણેકભાઈ દેસાઈ, ડૉ.લાલજીભાઈ પ્રજાપતિ,શીવાભાઈ સોલંકી.બ્રિજેશકુમાર રાવલ, ડૉ.રાજેન્દ્રકુમાર રથવી, ધરમશીભાઈ નાયી અને ભગવતદાન ગઢવીનું મહાનુભાવોના હસ્તેશાલ, શિલ્ડ,પુસ્તક અને પેનથી ચતુર્ભુજ સન્માન થયું.મંચસ્થ મહેમાનોના હસ્તે શ્યામજીભાઈ દેસાઈ લિખિત સર્જન મારું એક સ્વપ્ન પુસ્તકનું વિમોચન કરી સમાજને અર્પણ કરાયું ત્યારે સૌ ભાવકોએ તાળીઓના ગડગડાટથી પોતાના હૈયાનો હરખ વ્યક્ત કર્યો.ઋષભ હોલ આ રાજીપાને પડઘા સ્વરૂપે ઝીલી રહ્યો…
ત્યારબાદ શિક્ષક અને લેખક શિવાભાઈ સોલંકી દ્વારા તેમની રસાળ શૈલીમાં પુસ્તક પરિચય આપવામાં આવ્યો. આ કાર્યક્રમમાં એક અનોખો ઉપક્રમ જોવા મળ્યો. જેટલા શ્રોતા એ જ કાર્યક્રમના આયોજક અને એ જ વક્તા, એ જ ભાવકોના અદ્ભૂત દ્રશ્યો જોવા મળ્યા. વઢીયારના સુપ્રસિદ્ધ લેખક અને કાર્યક્રમના મુખ્ય વક્તા શૈલેષ પંચાલે બોલતા જણાવ્યું કે આ કાર્યક્રમમાં શ્રોતાઓનું મંચ સાથેનું તાદાત્મય અદ્ભૂત રીતે જોવા મળ્યું. ભૂતપૂર્વ વિદ્યાર્થી ઓના પ્રતિભાવમાં “તને સાંભરે… રે… મને.. કેમ વિસરે રે..” જેવા લાગણી સભર તાણાવાળા ગુંથાતા જોવા મળ્યા. શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થી પંકજભાઈ રાવલે પોતાની હળવી શૈલીમાં કહ્યું કે હું ભણવામાં એવરેજ હતો મારા માર્ક્સ ઓછા હતા પણ મને જે આ સંસ્થામાંથી પાયાની કેળવણી મળી છે એના કારણે આજે હું ખૂબ પ્રગતિ કરી શક્યો છું. પુસ્તકના લેખક અને કેળવણીકાર શામજીભાઈ દેસાઈએ પોતાના વક્તવ્યમાં જણાવ્યું કે આ સર્જન મારું નથી, આ સહિયારુ સર્જન છે. આ સમગ્ર આયોજન અમારા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓએ સ્વયંભૂ રીતે ઉપાડીને કર્યું છે એ મારા માટે ગૌરવની છે. આ કાર્યક્રમમાં શામજીભાઈના આમંત્રણને માન આપી પધારેલા મોટીવેશન સ્પીકર અને શિક્ષક અલ્પેશભાઈ દેસાઈ, સુરેલ શાળાના આચાર્યશ્રી રમેશભાઈ દેસાઈ, કુંવારદ હાઈસ્કૂલના આચાર્ય અને વિદ્વાન વક્તા અજીતભાઈ ભાલૈયા, કવિયત્રી રમીલાબેન દેસાઈ, વર્ગખંડમાં માતૃવાત્સલ્ય ભાવથી કામ કરતા ઉત્કૃષ્ઠ શિક્ષિકા દક્ષાબેન ખેર, તથા સમગ્ર કાર્યક્રમાં સન્માન પુષ્પની વ્યવસ્થામાં ચાવીરૂપ ભૂમિકા ભજવનાર સ્નેહલબા ગઢવીનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું.
સંસ્થા સાથે લાગણીથી જોડાયેલા બોલેરા ગામના ભૂતપૂર્વ કર્મઠ સરપંચ વયોવૃદ્ધ લાધુબાની ઉપસ્થિતિ ઉર્જામય રહી. આ વિસ્તારના ઉત્તમ શિક્ષક અને ઉત્કૃષ્ટ કેળવણીકાર જશુભાઈ રાવલ અને શંખેશ્વરના સેવાભાવી ડોક્ટર રમેશભાઈ હાલાણી ખાસ ઉપસ્થિત રહી કાર્યક્રમની શોભા વધારી હતી.
કાર્યક્રમના અંતે ભોજન પ્રસાદ લઈને છુટા પડ્યા ત્યારે સૌના મુખ પર કાર્યક્રમની સફળતાનો આનંદ અને ગુરુજી પ્રત્યેનો અહોભાવ જોવા મળ્યો.
સમગ્ર કાર્યક્રમનું સંચાલન લોકસાહિત્યકાર ભગવતદાન ગઢવીએ કર્યું.
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300