ગુજરાત સાંસ્કૃતિક વક્તૃત્વ સ્પર્ધાનાં પ્રથમ વિજેતાને ટ્રોફી અને રોકડ પુરસ્કાર એનાયત

ગુજરાત સાંસ્કૃતિક વક્તૃત્વ સ્પર્ધાનાં પ્રથમ વિજેતાને ટ્રોફી અને રોકડ પુરસ્કાર એનાયત
Spread the love

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલનાં હસ્તે ગાંધીનગરના NFSU ખાતે ગુજરાત સાંસ્કૃતિક વકતૃત્વ સ્પર્ધાનાં પ્રથમ વિજેતા કેશોદનાં સુત્રેજા કિર્તીબેનને ટ્રોફી અને રૂા. એક લાખનો રોકડ પુરસ્કાર થયો એનાયત

રાજ્યના યુવાઓ સંસ્કાર સિંચન દ્વારા વિકસિત ગુજરાતથી વિકસિત ભારતનું નિર્માણ કરવામાં અગ્રેસર રહેશે,સંસ્કાર સિંચનના કાર્યમાં યુવાઓની ભાગીદારી ખૂબ જરૂરી છે.- ભુપેન્દ્ર પટેલ મુખ્યમંત્રીશ્રી

યુવાનોએ તેમનામાં રહેલી શ્રેષ્ઠ ઊર્જાનો ઊપયોગ દેશને વધુ સમૃદ્ધ બનાવવા કરવો જોઈએ: શિક્ષણ રાજ્ય મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનસેરિયા

આપણી સંસ્કૃતિ જ્ઞાન અને શીલનો ભંડાર છે, તેનું જતન કરવું આવશ્યક છે. વિકસિત ભારત@ 2047ના સંકલ્પને સાકાર કરવામાં યુવા શક્તિનો રોલ મહત્વનો- પ્રો.(ડો.) અતુલ એચ. બાપોદરા

જૂનાગઢ : રાજ્યના શિક્ષણ વિભાગ અને સેવ કલ્ચર, સેવ ભારત ફાઉન્ડેશન દ્વારા યોજાયેલા ગુજરાત સાંસ્કૃતિક વક્તૃત્વ સ્પર્ધાના ઈનામ વિતરણ સમારોહમાં આયોજક અને વિજેતાઓને અભિનંદન પાઠવી સંસ્કાર સિંચનના કાર્યમાં યુવાઓની ભાગીદારી ખૂબ જરૂરી હોવાનું મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું. વક્તૃત્વ સ્પર્ધામાં સમગ્ર રાજ્યમાં પ્રથમ સ્થાન હાંસલ કરનાર જૂનાગઢ જિલ્લાનાં યુ.કે.વી. મહિલા કોલેજ કેશોદનાં વિદ્યાર્થીની કુ. સુત્રેજા કિર્તીબેન નગાભાઇ અને વિજેતા સ્પર્ધકોને અભિનંદન પાઠવી મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઇ પટેલે યુવા શક્તિમાં ભરોસો વ્યક્ત કરતા કહ્યું કે, રાજ્યના યુવાઓ સંસ્કાર સિંચન દ્વારા વિકસિત ગુજરાતથી વિકસિત ભારતનું નિર્માણ કરવામાં અગ્રેસર રહેશે. મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યુ કે, યુવા વયે અનેક પ્રલોભનો, લાલચો આવતી હોય છે પરંતુ યુવાશક્તિએ વ્યસનો તથા અન્ય દુષણોથી દૂર રહીને આગળ વધવું જોઈએ. મુખ્યમંત્રીશ્રીએ આ સ્પર્ધાના વિષયો ચારિત્ર નિર્માણથી રાષ્ટ્ર નિર્માણ, દેશનું ભવિષ્ય – વિકૃતિઓથી બચીને સંસ્કારો તરફ વળીએ, માન – મર્યાદા અને સુશીલતા: ભારતીય સંસ્કૃતિનો પાયાનો ઉલ્લેખ કરતા જણાવ્યુ કે, આજના સમયમાં અત્યંત પ્રાસંગિક અને સમયની માંગને અનુરૂપ હોવાનું જણાવ્યું હતું. મુખ્યમંત્રીશ્રીએ કહ્યુ કે, યુવાઓમાં ધગશ અને ઈચ્છા શક્તિ હોય તો ભાષાકીય બેરિયર આવતું નથી. મુખ્યમંત્રીશ્રીએ સારા કાર્ય અને સંસ્કાર સિંચનના કાર્ય માટે યુવાઓને સંગઠિત થઈને ચર્ચા કરવા આહવાન કર્યુ હતું.


આ પ્રસંગે શિક્ષણ રાજ્ય મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનસેરિયાએ યુવાનોને દેશનું ભવિષ્ય ગણાવતા જણાવ્યું હતું કે, તમારે તમારામાં રહેલી શ્રેષ્ઠ ઊર્જાનો ઉપયોગ દેશને વધુ સમૃદ્ધ બનાવવામાં કરવાનો છે. યુવા શક્તિ રાષ્ટ્રની પ્રેરણા છે ત્યારે યુવાનોએ ચરિત્ર નિર્માણ થકી રાષ્ટ્ર નિર્માણમાં મહત્વપૂર્ણ યોગદાન આપવાનું છે. તમારે સમાજને વિકૃતિથી બચાવીને સંસ્કૃતિ તરફ દોરવાનું ભગીરથ કાર્ય કરવાનું છે. આપણે સૌએ સહિયારા પ્રયાસથી કુરીતિથી સમાજને બચાવવાનું છે. તમારે જેવા સમાજનું નિર્માણ કરવું હોય તેવા સંસ્કારો અને વિચારો અંગત જીવનમાં અપનાવવાના છે. તમે વ્યસન, ભ્રષ્ટાચાર કે કોઈપણ જાતના પ્રલોભનથી દૂર રહીને રાષ્ટ્રસેવામાં યોગદાન આપી શકશો.
સેવ કલ્ચર, સેવ ભારત ફાઉન્ડેશનના સંસ્થાપક શ્રી ઉદય માહુરકરે કાર્યક્રમના પ્રારંભે આ સંપૂર્ણ આયોજનના વિચાર બીજથી લઈને તેના દૂરંદેશી વિઝનની સંપૂર્ણ ભૂમિકા આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, સોશિયલ મીડિયાના યુગમાં ભારતની સંસ્કૃતિને તોડવાના પ્રયાસો કરતી શક્તિઓને પરાસ્ત કરવા તેમજ આપણી સંસ્કૃતિ જાળવી રાખવા માટે આ કાર્યક્રમ એક મહાયજ્ઞ સમાન છે. જેમાં રાજ્યભરના ૭૫૦ કૉલેજોના ૧૫,૦૦૦ જેટલા યુવાનોએ ભાગ લીધો હતો. આ યુવા વક્તાઓ જ ભવિષ્યના સાંસ્કૃતિક યોદ્ધાઓ બનશે, તેવો તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.


ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ.નાં કુલપતિ પ્રો.(ડો.) અતુલભાઇ બાપોદરાએ વક્તૃત્વ સ્પર્ધામાં શ્રેષ્ઠ સ્થાન હાંસલ કરી પ્રથમ સ્થાનની ટ્રોફી અને એક લાખની નગદ ધનરાશી પ્રાપ્ત કરનાર યુનિ.ની વિદ્યાર્થીની કુ.કિર્તીબેન સુત્રેજાને બિરદાવી અભિનંદન પાઠવતા કહ્યું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આપેલા વિકસિત ભારત@ 2047ના સંકલ્પને સાકાર કરવામાં યુવા શક્તિનો રોલ મહત્વનો રહેવાનો છે. આપણી સંસ્કૃતિ જ્ઞાન અને શીલનો ભંડાર છે, તેનું જતન કરવું આવશ્યક છે. આ સ્પર્ધા રાજ્યભરની સરકારી, અનુદાનિત અને સ્વનિર્ભર કોલેજોના વિદ્યાર્થીઓ માટે એક વિશિષ્ટ મંચ પ્રદાન કર્યું છે. આવી સ્પર્ધા સત્ય, સનાતન ભારતીય સંસ્કૃતિના મૂલ્યોના આચરણ માટે યુવા પેઢીને જાગૃત કરવાનો અદ્ભુત પ્રયાસ છે


આ સ્પર્ધામાં ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ. ખાતે પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમાંકે આવેલા વિદ્યાર્થીઓ રાજ્ય કક્ષાની સ્પર્ધામાં ભાગ લીધો હતો. જેમાં રાજ્યકક્ષાની સ્પર્ધામાં પ્રથમ ક્રમે આવનાર વિદ્યાર્થીની કુ. સુત્રેજા કીર્તીબેનને મુખ્યમંત્રીશ્રીના હસ્તે રૂા. ૧ લાખનું ઈનામ તથા ટ્રોફી આપવામાં આવી હતી.
આ કાર્યક્રમમાં ઉચ્ચ અને ટેક્નિકલ શિક્ષણના અધિક મુખ્ય સચિવ શ્રી સુનયના તોમર, ઉચ્ચ શિક્ષણ નિયામક શ્રી ગુરવ દિનેશ રમેશ, NFSUના કુલપતિ શ્રી જે. એમ. વ્યાસ, ઉચ્ચ શિક્ષણ સંયુક્ત નિયામક શ્રી આરતી ઠક્કર અને ઉપરાંત વિવિધ કોલેજના વિદ્યાર્થીઓ, શિક્ષકો તથા તેમના વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા.ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ. સંલગ્ન યુ.કે.વી. મહિલા કોલેજ કેશોદનાં વિદ્યાર્થીની સુત્રેજા કિર્તીબેનને યુનિ. પરિવાર સાંસ્કૃતિક સેલનાં કો-ઓર્ડીનેટર ડો. રૂપલબેન ડાંગર, ડો.ઋષીરાજ ઉપાધ્યાય અને ડો.ઓમ જોષીએ શુભકામનાં પાઠવી હતી.

રિપોર્ટ : અનિષ ગૌદાણા
(આસી.એડિટર)
લોકાર્પણ દૈનિક ન્યૂઝ ગાંધીનગર
સાથે વિવેક ગૌદાણા (માંગરોળ)

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!