જનઆરોગ્ય સેવામાં ગડુ PHC અવ્વલ : પી.એચ.સી. હોવા છતાં ડોક્ટર સહિતનો સ્ટાફ ૨૪ કલાક દર્દીઓની સેવામાં તત્પર

જનઆરોગ્ય સેવામાં ગડુ PHC અવ્વલ
છેલ્લા બે વર્ષથી ગડુ પીએચસીમાં જૂનાગઢ જિલ્લાની સૌથી વધુ ડીલેવરી થાય છે
ગડુ પીએચસીની આરોગ્યલક્ષી સેવાનો લાભ ૧૨ ગામડાના ૨૮ હજાર નાગરિકો લઈ રહ્યા છે
પી.એચ.સી. હોવા છતાં ડોક્ટર સહિતનો સ્ટાફ ૨૪ કલાક દર્દીઓની સેવામાં તત્પર
જૂનાગઢ જિલ્લાના માળિયાહાટીના તાલુકાના બે આયુષ્યમાન આરોગ્ય મંદિરો નેશનલ કક્ષાના NQAS પ્રમાણિત સર્ટિફાઇડ થયા છે
ખાસ લેખ – ક્રિષ્ના સીસોદિયા
જૂનાગઢ : જૂનાગઢ જિલ્લાના માળીયાહાટીના તાલુકામાં આવેલ ગડુ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર છેલ્લા બે વર્ષથી જિલ્લાની સૌથી વધુ સફળ ડીલીવરી થઈ રહી છે. સામાન્ય રીતે પ્રાઈમરી હેલ્થ સેન્ટર પી.એચ.સી.માં ડે કેર સુવિધા હોય છે. પરંતુ ગડુ સેન્ટરના ડોક્ટર સહિતનો સ્ટાફ 24* 7 ઇમરજન્સી કેસમાં સારવાર માટે તત્પર રહે છે.રાજ્યના નાગરિકોની આરોગ્ય સુખાકારી માટે ગુજરાત સરકારે અનેકવિધ યોજનાઓ અમલી બનાવી છે. તેમજ છેવાડાના વિસ્તારો સુધી આરોગ્ય સુવિધા વિસ્તારી છે. પી.એચ.સી. સ્તરે લોકોની આરોગ્ય સુખાકારી માટે આરોગ્ય વિભાગના કર્મીઓ કેવું કાર્ય કરે છે તેનું ઉદાહરણ ગડુ સેન્ટરમાં જોવા મળ્યું છે.
ગડુ પ્રાથમિક હેલ્થ સેન્ટરમાં ૧૨ વર્ષથી મેડિકલ ઓફિસર તરીકે ફરજ બજાવતા ડો. ભાવિશા નિમાવતે જણાવ્યું હતું કે, ગડુ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર હેઠળ ૧૨ ગામડાઓનો સમાવેશ થાય છે. અને આ કેન્દ્ર હેઠળ ૨૮ હજારની વસ્તીને આરોગ્યલક્ષી સેવાનો લાભ મળી રહ્યો છે. ગડુ પીએચસીમાં ૬ હેલ્થ વર્કર ફિમેલ, ૬ હેલ્થ વર્કર મેલ અને ચાર સીએચઓ, ૧ ફાર્માસિસ્ટ અનેક ૧ લેબ ટેકનીશીયન ફરજ બજાવી રહ્યા છે.
તેમણે ગડુ પીએચસીની સિદ્ધિ અંગે વાત કરતા કહ્યું હતું કે, વર્ષ ૨૦૨૩ અને ૨૦૨૪માં ગડુ પીએચસીમાં જિલ્લાની સૌથી વધુ ડીલેવરી થઈ છે. વર્ષ ૨૦૨૩માં ૬૫ અને વર્ષ ૨૦૨૪માં ૬૦ થી વધુ ડીલીવરી થઈ છે. એમાંય ગત વર્ષે ખાસ કરીને રાતની ડીલીવરી વધુ થઈ છે. નોંધનીય છે કે પી.એચ.સી.માં ડે કેર સુવિધા હોવા છતાં ડીલીવરી જેવા ઈમરજન્સી કેસ માટે ડોકટર્સ ૨૪ કલાક કાર્યરત રહે છે. તેમણે જણાવ્યું હતું કે, ગડુ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રથી સામૂહિક આરોગ્ય કેન્દ્ર પાંચ કિલોમીટર દૂર છે. અને સિવિલ હોસ્પિટલ વેરાવળ પણ નજીક થાય છે. છતા દર્દીઓને વિશ્વાસ છે કે, અહીથી ધક્કો નહીં થાય. વધુમાં દર મહિને અહીં એએનસીનો મોટો કેમ્પ થાય છે. જેમાં પણ દર મહિને ૫૦ જેટલી સગર્ભા હાજર રહે છે.
તાલુકા હેલ્થ ઓફિસર માળીયાહાટીના ડો.ડાભી એ જણાવ્યું હતું કે, માળીયાહાટીના તાલુકામાં આરોગ્યલક્ષી શ્રેષ્ઠ કામગીરી થઈ રહી છે. ગડુ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની વાત કરીએ તો અહીં પ્રાથમિક સારવારથી લઈને મેલેરિયા, ટીબી સહિતના રોગોની સારવાર થઈ રહી છે. માળીયા તાલુકાના ૬૮ ગામ પૈકી ૫૯ ગામ ટીબી મુક્ત થયા છે. તેમજ ગડુ પીએચસી છેલ્લા બે વર્ષથી ડીલેવરીના કેસમાં પણ મોખરે રહી છે.ગડુ પીએચસીમાં દરરોજની ૭૦ જેટલી ઓપીડી થાય છે. વધુમાં આ વિસ્તારની સગર્ભાઓનું ૨૬ જેટલી આશા બહેનો દ્વારા નિયમિત ફોલોઅપ લેવામાં આવી રહ્યું છે.
આ ઉપરાંત સરકારશ્રીના ધારા ધોરણો મુજબ આયુષ્યમાન આરોગ્ય કેન્દ્રમાં અપાતી તમામ સુવિધાઓ , ક્વોલિટી, સેવાઓ નક્કી કરેલ નિયમો, દર્દીના સંતોષ , આરોગ્ય કર્મચારીઓના હાવભાવ, સેવાઓ, દવાઓ , સ્ટોક જેવી વસ્તુઓ મુજબ હોઈ એટલે એને તેને પ્રથમ રાજ્ય અને ત્યાર બાદ નેશનલ કક્ષાનું એસેસમેન્ટ યોજાય અને તે ટીમ નક્કી કરે અને ત્યારબાદ ટીમ સર્ટિફિકેટ આપે અને NQAS સર્ટિફાઇડ આયુષ્યમાન આરોગ્ય મંદિર બને છે.જે અનવ્યે જૂનાગઢ જિલ્લામાં પ્રથમ વખત માળિયા તાલુકાના બે આયુષ્યમાન આરોગ્ય મંદિરો નેશનલ કક્ષાના NQAS પ્રમાણિત સર્ટિફાઇડ થઈ ગયેલ છે. જેમા કડાયા અને ગડુ – ૨ આયુષ્યમાન આરોગ્ય મંદિરનો સમાવેશ થાય છે.
ઉલ્લેખનીય છે કે, જિલ્લામાં ગ્રામ્ય સ્તરે પણ લોકોને સુલભ અને સારી આરોગ્ય સેવાઓ મળી રહે તે માટે જિલ્લા કલેકટર શ્રી અનિલકુમાર રાણાવસિયા દ્વારા સમયાંતરે સમીક્ષા હાથ ધરવામાં આવે છે. સાથે જ આરોગ્ય સેવાઓની ઉચિત અમલવારી માટે જિલ્લા વિકાસ અધિકારી શ્રી નીતિન સાંગવાન દ્વારા સીધી દેખરેખ અને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડૉ. સાલ્વી દ્રારા રાખવામાં આવી રહી છે.
રિપોર્ટ : વિવેક ગૌદાણા
સાથે ક્રિશ ગૌદાણા
લોકાર્પણ દૈનિક ન્યૂઝ માંગરોલ (જુનાગઢ)
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300