મોરારીબાપુ દ્વારા તલગાજરડા ખાતે હનુમંત સંગીત મહોત્સવ સાથે હનુમાન જયંતીની ઉજવણી થશે

મોરારીબાપુ દ્વારા તલગાજરડા ખાતે હનુમંત સંગીત મહોત્સવ સાથે હનુમાન જયંતીની ઉજવણી થશે
ત્રિ દિવસીય આ કાર્યક્રમમાં હનુમાન જયંતીના દિવસે વિવિધ ક્ષેત્રના એવોર્ડ અર્પણ કરીને વંદના કરવામાં આવશે
પૂજ્ય મોરારીબાપુની પ્રેરણા અને માર્ગદર્શન સાથે સૌરાષ્ટ્રના મહુવા નજીકના તલગાજરડા ગામ ખાતેના ચિત્રકૂટ ધામ ખાતે હનુમાનજી મહારાજને વિશેષ રૂપે સંગીતાજલી અર્પણ કરીને 48માં હનુમંત જન્મોત્સવ- 2025 ની ઉજવણી કરવામાં આવશે.
ત્રિદિવસીય આ કાર્યક્રમમાં તા.10 /11/12 એપ્રિલ, (ગુરુ,શુક્ર,શનિ) ના રોજ આ સંગીત મહોત્સવ ઉજવવામાં આવશે. છેલ્લા પાંચ દાયકાથી લગાતાર અહીં હનુમાનજી મહારાજના જન્મોત્સવ અંતર્ગત વિશેષ સંગીતાંજલિ, નૃત્યાંજલિ અર્પણ કરવામાં આવે છે.
આ વર્ષના સંગીત મહોત્સવ 2025 માં તા. 10/4 ને ગુરુવારે જયતીર્થ મેવુન્ડી (કર્ણાટક) રાત્રી 8 થી 10 દરમિયાન શાસ્ત્રીય ગાયન રજૂ કરશે. જ્યારે તા. 11/4 શુક્રવારે વાદ્ય સંગીત અંતર્ગત નીલાદ્રી કુમાર (મુંબઈ) નું સિતારવાદન અને સત્યજીત તલવારકર (પુના)નું તબલાવાદન રાત્રિના 8 થી 10 દરમિયાન રજૂ થશે.
શ્રી હનુમાન જયંતીના તા. 12/4 અને શનિવાર રોજ સવારના ભાગે એવોર્ડ સમારંભ યોજાશે. જેમાં જેમાં હનુમાનજી મહારાજની વિશાળ ધ્યાસ્થ પ્રતિમા સમક્ષ સવારે 9:00 કલાકે સુંદરકાંડના સંગીતમય પાઠ, આરતી, હનુમાન ચાલીસાના પાઠ થયા બાદ એવોર્ડ વિતરણ કાર્યક્રમ થશે.
જેમાં સવારે 10 કલાકે પૂ.મોરારીબાપુના શુદ્ધ હસ્તે ગાયન,વાદ્ય,નૃત્ય તથા તાલવાધ્ય માટે હનુમંત એવોર્ડ એનાયત થશે. જેમાં ગાયન માટે પં.જયતીર્થ મેવુન્ડી, સિતાર વાદન માટે શ્રી નીલાદ્રી કુમાર ને, નૃત્ય – (કથક) માટે વિદુષી અદિતિ મંગળદાસને તેમજ તાલ વાદ્ય (તબલા) માટેનો એવોર્ડ શ્રી સત્યજીત તલવલકર ને અર્પણ થશે.
અભિનય ક્ષેત્રે આજીવન સેવાના ઉપલક્ષમાં અપાતો નટરાજ એવોર્ડ ભવાઈ માટે શ્રી પ્રાણજીવન પૈજા (મોરબી), નાટક માટે શ્રી સનત વ્યાસ (મુંબઈ), હિન્દી ટીવી સિરિયલ માટે શ્રી “અર્જુન” ફિરોઝખાન (મુંબઈ) ને અર્પણ થશે.
આ ઉપરાંત સંસ્કૃત ભાષાની સેવા કરનાર વિદ્વાન મહિલાને અપાતો ‘ભામતી ‘ પુરસ્કાર ડો પુનિતાબેન દેસાઈ (વલસાડ)ને અર્પણ થશે.બીજો સંસ્કૃત ભાષાનો “વાચસ્પતિ પુરસ્કાર” ડો. ગિરીશ જાની (મુંબઈ- ભારતીય વિદ્યા ભવન) ને એનાયત થશે. જ્યારે “કૈલાશ લલિત કલા એવોર્ડ” શ્રીમતી નૈના દલાલ (ચિત્ર)(વડોદરા)ને, “સદભાવના એવોર્ડ” શ્રીગુલઝાર અહેમદ ગનાય (કશ્મીર) ને જ્યારે શ્રી “અવિનાશ વ્યાસ” (સુગમ સંગીત) એવોર્ડ હરીશચંદ્ર જોશી (બોટાદ /ભાવનગર) ને અર્પણ કરીને તેમની વંદના કરવામાં આવશે.
એવોર્ડ અર્પણ વિધિ બાદ આ સમગ્ર ઉપક્રમના પ્રેરણાસ્ત્રોત અને માર્ગદર્શક પૂ.મોરારીબાપુનું પ્રસંગિક ઉદબોધન થશે.
તલગાજરડા ખાતે હનુમંત જન્મોત્સવ અંતર્ગત યોજાતા આ કાર્યક્રમો આસ્થા ટીવી ચેનલ તેમજ ચિત્રકૂટ ધામ તલગાજરડા youtube ચેનલ ઉપર જીવંત માણી શકાશે.
રિપોર્ટ : હરેશ જોશી (કુંઢેલી)
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300