માનવતાની વિરાટ સંઘર્ષ કથા એટલે ડૉ.ભીમરાવ

માનવતાની વિરાટ સંઘર્ષ કથા એટલે ડૉ.ભીમરાવ
Spread the love

માનવતાની વિરાટ સંઘર્ષ કથા એટલે ડૉ.ભીમરાવ

૧૪મી એપ્રિલ ૧૮૯૧માં જન્મેલા બાબા સાહેબ દ્વારા લખાયેલા વોલ્યુમો એ માનવ ધર્મની જગતને મળેલી અમૂલ્ય ભેટ ગણાય કારણ કે એ દરેક ગ્રંથ એક અદ્ભુત સંઘર્ષ કથા..

“ આંધી ઔર તૂફાન મેં તુને હાર ના માની;
અંધેરેકો જીયા પર અમર જ્યોત જલાયી .” -આશિષ

૧૪મી એપ્રિલને વિશ્વના દરેક દેશમાં માનવતા વાદી વિચારક્રાંતિના પ્રણેતા તરીકે ભારત રત્ન ડૉ . ભીમરાવ આંબેડકરના માત્ર ભારત જ નહીં સમગ્ર વિશ્વના માનવ સમુદાય પર થયેલા ઉપકારોને યાદ કરવાના અને અહોભાવ વ્યક્ત કરવાના અવસર તરીકે ઊજવવાની એક પરંપરા શરૂ થઈ ગઈ છે. જે એક ભારતીય તરીકે ગૌરવ થાય તેવી ઘટના ગણાય.
૧૪મી એપ્રિલ ૧૮૯૧માં જન્મેલા બાબા સાહેબ દ્વારા લખાયેલા વોલ્યુમો એ માનવ ધર્મની જગતને મળેલી અમૂલ્ય ભેટ ગણાય કારણ કે એ દરેક ગ્રંથ એક અદ્ભુત સંઘર્ષ કથા છે. સંઘર્ષ માનવીને શીખવે છે, ઘડતર કરે છે. ડૉ.ભીમરાવ આંબેડકરના જીવન ચરિત્રને વાંચનાર દરેક વ્યક્તિને એક વાતનો એહસાસ ચોક્કસ થવાનો કે સમસ્યાઓ અને સંઘર્ષ આંબેડકર જન્મે એ પહેલાં જ જન્મી ચૂક્યા હતા. અતિ વિકટ સંજોગોને આરપાર વિંધીને બહાર નીકળી જગત કલ્યાણ અર્થે પ્રકાશ પાથરવાનો સિધ્ધાંત આ માણસે રજુ કર્યો છે. માણસને માણસ તરીકે જોવાનો, જાણવાનો અને ખુબ ઝીણવટપૂર્વક સંશોધન કરી માણસ તરીકે જીવાડવાનો ભરપૂર પ્રયાસ થયો છે આ મહાન વ્યક્તિ દ્વારા.
આપણુ ધ્યાન અને જ્ઞાન માત્ર અનામત મુદ્દે જ સિમિત રહી ગયુ છે. ભારત વર્ષની એ વખતની સમગ્ર પરિસ્થિતિને શ્રેષ્ઠતમ કરવાની વિરાટ સમજ અને આવડત માત્ર અને માત્ર આ વ્યક્તિની જીવન કથાઓ માંથી મળી શકે. દરેક ક્ષેત્રના, દરેક પ્રકારના વંચિતો, શોષિતો અને પિડિતોનો અવાજ પ્રચંડ કરવાનું ભગીરથ કાર્ય થયું છે આ માણસ દ્વારા. વળી,બાળકો, સ્ત્રીઓ, પુરુષો, વૃદ્ધો વગેરેના જીવનને ઉન્નત કરવા સંશોધનો અને ઉકેલ રજૂ કરવામાં આ વ્યક્તિએ ખરેખર દિલ રેડીને કામ કર્યું છે એટલું જ નહીં પોતાના સમગ્ર જીવનને ઓગાળી નાખ્યુ છે એમ કહેવું ઉચિત ગણાશે. કોઈ એક વિભાગના જ બાળકો નહીં, કોઈ એક જ્ઞાતિની જ કન્યાઓ કે સ્ત્રીઓ નહીં, કોઈ એક ચોક્કસ વર્ગના મજૂર નહીં, કોઈ એક ચોક્કસ વર્ગના જ ખેડૂતો નહીં. બધાની ચિંતા કરી છે. બધાને માટે ખુબ ચિંતન કર્યું છે અને બધાને માટે ઝીણવટપૂર્વક સંશોધન કરી શ્રેષ્ઠ સિધ્ધાંતો રજૂ કર્યા છે.
જન્મથી લઈ મૃત્યુ સુધીની બાબતોને શ્રેષ્ઠ સમાધાન આપવામાં આ માણસે કચાશ રાખી નથી. ભારત પ્રજા સત્તાક બન્યુ એ પહેલાંની પરિસ્થિતિ કેટલી ભયાવહ અને બેડોળ હતી એ આપણે જાણીએ છીએ. વિશ્વ વિખ્યાત લેખક અને વિચારક અને ડો. બાબાસાહેબ આંબેડકરના એક સમયના કટ્ટ્રર વિરોધ વ્યક્ત વિદ્યાર્થી આલ્વા જોઈકીમ પોતાના પ્રખ્યાત ગ્રંથ “MEN AND SUPERMEN OF INDIA”માં ડૉ. બાબાસાહેબ આંબેડકરના યોગદાનની પ્રસંશા કરતા યથાર્થ જ લખ્યું છે કે; “તેમના ભગીરથ પ્રયત્નોના પ્રતાપે જ પશું જેવું જીવન જીવતાં આ લોકો રાષ્ટ્રના રાજકીય જીવનમાં સ્થાન પામ્યાં છે. વિશ્વના છ બુદ્ધિમાન પુરુષોમાં ડૉ. આંબેડકર એક છે. આવા પુરુષ મારા પ્રોફેસર હતા તે મારે મન ગૌરવની બાબત છે”
માત્ર ભારત માટે કે ભારતના લોકો માટે જ એમના સંશોધનો અને સિધ્ધાંતો કલ્યાણકારી નહીં રહેતા વિશ્વ આખામાં ફેલાયા અને સ્વિકારયા. આપણા માટે ખુબ જ ગૌરવ પ્રદ બાબત એ છે કે વિશ્વના લગભગ દરેક દેશમાં આંબેડકરના સંશોધનો અને સિધ્ધાંતો સ્વિકારી અમલ થઈ રહ્યો છે.
કારણ માત્ર એ છે કે એમણે સમગ્ર માનવજાતના કલ્યાણ માટેની યોજનાઓ રજૂ કરી છે. બંધારણ સભામાં એક વક્તવ્યમાં જ્યારે પ્રથમ વખત અખંડ ભારતનો વિચાર રજૂ કર્યો હતો ત્યારે બધા અચંબિત થઈ ગયેલા. જે વિચાર બીજને સરદાર વલ્લભભાઈ પટેલે સિંચી વટવૃક્ષ બનાવી આપણને આજે મીઠાં ફળ આપ્યાં છે.
ટૂંકમાં છ વર્ષની વયે માતા ગુમાવી બેસનાર બાળકની યાતનાઓ, અપાર વેદનાઓ વેઠીને વિશ્વમાં શ્રેષ્ઠ વિદ્યાર્થી તરીકેની સંઘર્ષ કથા, સામાજિક અને પારિવારિક કષ્ટોનો વજન ઊંચકીને પણ સતત પ્રયત્નશીલ રહેવાની આવડત, પોતાની પાસે રહેલું તમામ સર્વ શ્રેષ્ઠ માનવ કલ્યાણ માટે ખર્ચી નાખવાની વિરાટ કૂનેહનો સરવાળો એટલે વિશ્વને ભેટ મળેલી એક અદ્ભુત કથા. અને એ કથા એટલે મહા માનવ ડૉ ભીમરાવ આંબેડકર. પીડા -વેદનાની લિપિને ઉકેલતાં આ માણસને બરાબર આવડ્યુ છે એવો એહસાસ એમના જીવનને વાંચનાર દરેક વ્યક્તિ ચોક્કસ અનુભવશે જ.એમના જીવન સંઘર્ષ બાબતે ખાસ એવું કહી શકાય કે ; અર્જુન બનવું ખુબ સહેલું છે.પરંતુ , એકલવ્ય બનવું ખુબ અઘરું છે.વિશ્વમાં જ્યારે જ્યારે જરૂરી બન્યું ત્યારે ત્યારે ક્રાંતિઓ અને પરિવર્તનો થયાં છે.પરંતુ ,બાબા સાહેબ આંબેડકરે કરેલી ક્રાંતિ અનોખી એટલા માટે છે કે ખુબ જ કપરી પરિસ્થિતિમાં પણ એકલા હાથે કરેલી. આ ક્રાંતિનો સદીઓ સુધી પ્રભાવ જગત પર રહેવાનો છે, વધવાનો છે એ આપણા માટે એક ભારતીય તરીકે ખુબ જ ગૌરવની વાત છે. મહા માનવ બાબા સાહેબને આજના શુભ દિવસે કોટિકોટિ વંદન.
લેખક – શીવાભાઇ સોલંકી, બોલેરા

રિપોર્ટ. અનિલ રામાનુજ રાધનપુર,

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!