સ્થિતપ્રજ્ઞ પુરૂષનાં લક્ષણો ભાગ-૩ વૈરાગ્ય વિનાનું મન બેફામ અને ચંચળ બને છે.

સ્થિતપ્રજ્ઞ પુરૂષનાં લક્ષણો ભાગ-૩ વૈરાગ્ય વિનાનું મન બેફામ અને ચંચળ બને છે.
Spread the love

ગીતામૃતમ્..
સ્થિતપ્રજ્ઞ પુરૂષનાં લક્ષણો ભાગ-૩ વૈરાગ્ય વિનાનું મન બેફામ અને ચંચળ બને છે.

અર્જુનને ઉદાહરણ સાથે તત્વને સમજાવતાં ભગવાન ગીતા(૨/૫૮)માં સ્થિતપ્રજ્ઞ કેવી રીતે બેસે છે? તેનો જવાબ આપતાં કહે છે કે..

યદા સંહરતે ચાયં કૂર્મોઽગાંનીવ સર્વશઃ
ઇન્દ્રિયાણીન્દ્રિયાર્થેભ્યસ્તસ્ય પ્રજ્ઞા પ્રતિષ્ઠિતા

જેવી રીતે કાચબો બધી બાજુથી પોતાના અંગોને સમેટી લે છે એવી જ રીતે જ્યારે આ કર્મયોગી સંયમી-જ્ઞાની પુરૂષ ઇન્દ્રિયોના વિષયોથી ઇન્દ્રિયોને બધી રીતે હટાવી લે છે ત્યારે તેની બુદ્ધિ સ્થિર થઇ જાય છે.તે મનથી પણ વિષયોનું ચિંતન કરતો નથી.જો તેનો ઇન્દ્રિયોની સાથે સહેજપણ માનસિક સબંધ ચાલુ રહે તો તે સ્થિતપ્રજ્ઞ નથી.અહી કાચબાનું દ્રષ્ટાંત આપવાનું તાત્પર્ય એ છે કે જ્યારે કાચબો ચાલે છે ત્યારે તેનાં છ અંગો ચાર પગ-પુંછડી અને મસ્તક દેખાય છે પરંતુ જ્યારે તે પોતાનાં અંગોને સમેટી લે છે ત્યારે ફક્ત તેની પીઠ દેખાય છે તેવી જ રીતે સ્થિતપ્રજ્ઞ પણ પાંચ ઇન્દ્રિયો અને મન-આ છયેને પોતપોતાના વિષયોમાંથી હટાવી લે છે.જો તેનો ઇન્દ્રિયો વગેરે સાથે સહેજપણ માનસિક સબંધ ચાલુ રહે તો તે સ્થિતપ્રજ્ઞ નથી.

ઇન્દ્રિયો બેફામ દોડતા ઘોડા છે.જો આ ઘોડા લગામ વિનાના હોય તો તે જીવાત્મારૂપી અસવારને પછાડી દે અથવા ખોટી દિશામાં દોડીને લઇ જાય છે.ઇન્દ્રિયસુખોનું પ્રબળ આકર્ષણ હોય છે તેથી ઇન્દ્રિયો તેમને ભોગવવા જબરજસ્તી ખેંચાઇ જાય છે.મન તેની લગામ છે.મનરૂપી લગામ મજબૂત હોય તો જ ઇન્દ્રિયોને રોકી શકાય છે,મન વૈરાગ્યથી મજબૂત બને છે.વૈરાગ્ય વિનાનું મન બેફામ અને ચંચળ બને છે.

ફક્ત ઇન્દ્રિયોનું વિષયોથી હટી થવું એ જ સ્થિતપ્રજ્ઞનું લક્ષણ નથી-આ વાત સમજાવતાં ભગવાન ગીતા(૨/૫૯)માં બતાવે છે કે..

વિષયા વિનિવર્તન્તે નિરાહારસ્ય દેહિનઃ
રસવર્જં રસોઽપ્યસ્ય પરં દ્રષ્ટવા નિવર્તતે..

જો જીવાત્મા નિરાહાર રહે એટલે કે આહાર છોડી દે તો ઇન્દ્રિયો વિષયો ભોગવવાનું સામર્થ્ય ખોઇ બેસે છે એટલે કે તે વિષયહીન થઇ શકે પણ તેનો વિષયરસ તો રહી જ જાય છે.આ રસની નિવૃત્તિ તો પરમાત્માના દર્શનથી જ થાય છે.

મનુષ્ય નિરાહાર બે રીતે થાય છે.પોતાની ઇચ્છાથી ભોજનનો ત્યાગ કરી દેવો અથવા બિમારી આવવાથી ભોજનનો ત્યાગ કરી દેવો અને તમામ વિષયોનો ત્યાગ કરીને એકાંતમાં બેસવું એટલે કે ઇન્દ્રિયોને વિષયોથી હટાવી લેવી.ભોગોની સત્તા અને મહત્તા માનવાથી અંતઃકરણમાં ભોગોના પ્રત્યે એક સૂક્ષ્મ ખેંચાણ-પ્રેમ અને મીઠાશ પેદા થાય છે તેનું નામ રસ છે.કોઇ લોભી માણસને રૂપિયા મળી જાય અને કામી વ્યક્તિને સ્ત્રી મળી જાય તો તેના અંતઃકરણમાં પ્રસન્નતા જન્મે છે એ જ રસ છે.ભોગ ભોગવ્યા પછી માણસ કહે છે કે ખુબ મઝા આવી-આ એ રસની સ્મૃતિ છે.આ રસ અહમમાં રહે છે.આ રસનું સ્થૂળરૂપ રાગ- સુખાસક્તિ છે.

વ્યક્તિઓના ત્રણ પ્રકાર છે.વિષયોનો અતિભોગી-વિષયોનો મધ્યમ ભોગી અને વિષયોનો સદંતર ત્યાગી.પહેલો અને ત્રીજો પ્રકાર જીવનના છેડા છે જે યોગ્ય નથી.ગીતા બધા માણસોની વાત કરતી નથી, સાધકની વાત કરે છે.દેહદમનવાદી લાંબા સમય સુધી આહારનો ત્યાગ કરવાની સાધના કરતા હોય છે. આવા ત્યાગથી વિષયો ભોગવવાનું સામર્થ્ય ક્ષીણ થઇ જતું હોય છે તે સ્વાભાવિક છે.તેનો વિષયરસ મૂળમાંથી જતો નથી.રસનાં બીજ આહાર શરૂ કરતાં જ ફરીથી ઉગી નીકળતાં હોય છે.એક અનુભવ પ્રમાણે ઉપવાસીનું મન વધુ વિકારી થઇ જતું હોય છે.તેનામાં નિષ્ક્રિયતા ભલે આવે પણ નિરસતા આવતી નથી. રસની નિવૃત્તિ તો પરબ્રહ્મ પરમાત્માની અનુભૂતિ થયા પછી જ થતી હોય છે.જેમ જેમ વધુને વધુ હરીરસ પ્રાપ્ત થાય છે તેમ તેમ તેનો વિષયરસ ઓછો થતો જાય છે આને વૈરાગ્ય કહેવાય છે.આમાં હરીરસનું સાતત્ય હોવું જરૂરી છે.હરીરસ એટલે પ્રભુ નામસ્મરણ,કિર્તન,ધ્યાન, સત્સંગ વગેરે.

પ્રભુ પરમાત્મા સાથે જોડાવવા સૌ પ્રથમ પરમાત્મા તત્વની અનુભૂતિ (આત્મા-૫રમાત્માનું જ્ઞાન) ૫રમ આવશ્યક છે.૫રમાત્મા તત્વની અનુભૂતિ,દર્શન,શ્રોત્રિય બ્રહ્મનિષ્ઠ સદગુરૂ(સંત) જ કરાવી શકતા હોય છે કે જે તત્વદર્શી હોય.આ માટે શ્રીમદ્ ભગવદ્ ગીતામાં તેની વિધિ બતાવી છે કે

તદ્વિદ્ધિ પ્રણિપાતેન પરિપ્રશ્નેન સેવયા
ઉ૫દેક્ષ્યન્તિ તે જ્ઞાનં જ્ઞાનિન તત્વદર્શિન (ગીતાઃ૪/૩૪)

તત્વજ્ઞાનને પ્રાપ્ત કરવા તત્વદર્શી જ્ઞાની(જેને ૫રમાત્મા તત્વનું દર્શન કર્યું છે) પાસે જઇને તેમને સાષ્ટાંગ દંડવત પ્રણામ કરવાથી, તેમની સેવા કરવાથી અને સરળતાપૂર્વક પ્રશ્નો કરવાથી તે તત્વદર્શી જ્ઞાની મહાપુરૂષો તને તે તત્વજ્ઞાનનો ઉ૫દેશ કરશે.કર્મોનો સ્વરૂ૫થી ત્યાર કરીને જિજ્ઞાસાપૂર્વક શ્રોત્રિય બ્રહ્મનિષ્ઠ સદગુરૂ(સંત)ની પાસે જઇને વિધિપૂર્વક જ્ઞાન પ્રાપ્ત કરવું..આ પ્રચલિત પ્રણાલી છે.

જ્યાંસુધી અંતઃકરણમાં સહેજપણ ભોગોની સત્તા અને મહત્વ છે,ભોગોમાં રસવૃત્તિ છે ત્યાં સુધી પરમાત્માનો અલૌકિક રસ પ્રગટ થતો નથી.તત્વનો બોધ થતાં રસ નષ્ટ થઇ જાય છે પરંતુ તત્વબોધ થતાં પહેલાં તેની ઉપેક્ષા વિચાર સત્સંગ અને સંતકૃપાથી રસ નિવૃત્ત થઇ જાય છે અને જેમની રસબુદ્ધિ નિવૃત્ત થઇ છે એવા તત્વજ્ઞાની મહાપુરૂષોના સંગથી પણ રસવૃત્તિ નિવૃત્ત થાય છે.રસની નિવૃત્તિ ના થાય તો રસબુદ્ધિ રહેવાથી પ્રયત્ન કરવા છતાં બુદ્ધિમાન મનુષ્યની પણ મંથન કરી નાખવાના સ્વભાવની આ ઇન્દ્રિયો તેના મનને બળપૂર્વક હરી લે છે તેથી તેની બુદ્ધિ પરમાત્મા તત્વમાં પ્રતિષ્ઠિત થતી નથી તેના માટે તમામ ઇન્દ્રિયોને વશમાં કરીને પ્રભુ પરાયણ થઇને બેસવું કેમકે જે સાધકની ઇન્દ્રિયો વશમાં હોય છે તેની જ બુદ્ધિ સ્થિર થાય છે.

રસની નિવૃત્તિ ના થાય તો કંઇ આપત્તિ આવે છે? તે સમજાવતાં ભગવાન ગીતા(૨/૬૦)માં કહે છે કે..

યતતો હ્યપિ કૌન્તેય પુરૂષસ્ય વિપશ્ચિતઃ
ઇન્દ્રિયાણિ પ્રમાથિની હરન્તિ પ્રસભં મનઃ

કારણ કે રસબુદ્ધિ રહેવાથી પ્રયત્ન કરવાવાળા વિદ્વાન બુદ્ધિમાન મનુષ્યની પણ મંથન કરી નાખવાના સ્વભાવની આ ઇન્દ્રિયો તેના મનને બળપૂર્વક હરી લે છે,વિષયોની તરફ ખેંચી લે છે એટલે કે તે વિષયોની તરફ ખેંચાઇ જાય છે,આકર્ષાઇ જાય છે.આનું કારણ એ છે કે જ્યાં સુધી બુદ્ધિ પરમાત્મા તત્વમાં સ્થિત નથી, બુદ્ધિમાં સંસારની જરા પણ સત્તા રહે છે,વિષયેન્દ્રિય સબંધથી સુખ થાય છે,ભોગવેલા ભોગોના સંસ્કારો રહે છે ત્યાં સુધી સાધન પરાયણ બુદ્ધિમાન વિવેકી પુરૂષની પણ ઇન્દ્રિયો સર્વથા વશમાં નથી રહેતી.ઇન્દ્રિયોના વિષયો સામે આવતાં ભોગવેલા ભોગોના સંસ્કારોના કારણે ઇન્દ્રિયો મન-બુદ્ધિને પરાણે વિષયો તરફ ખેંચીને લઇ જાય છે તેથી ક્યારેય પોતાની ઇન્દ્રિયો ઉપર મારી ઇન્દ્રિયો વશમાં છે એવો વિશ્વાસ કરવો નહી અને ક્યારેય પણ આવું અભિમાન ન કરવું કે હું જીતેન્દ્રિય બની ગયો છું.“મનુષ્યે માતા-બહેન કે પૂત્રીની સાથે પણ એકાંતમાં બેસવું ના જોઇએ કેમકે બળવાન ઇન્દ્રિય સમુહ વિદ્વાનને પણ પોતાના વશમાં કરી લે છે.” (મનુસ્મૃતિઃ૨/૨૧૫)

આલેખનઃવિનોદભાઇ માછી નિરંકારી

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!