સ્થિતપ્રજ્ઞ પુરૂષનાં લક્ષણો ભાગ-૭

સ્થિતપ્રજ્ઞ પુરૂષનાં લક્ષણો ભાગ-૭
Spread the love

ગીતામૃતમ્..
સ્થિતપ્રજ્ઞ પુરૂષનાં લક્ષણો ભાગ-૭

જેની ઇન્દ્રિયો વશમાં છે તેનામાં અને સાધારણ મનુષ્યમાં શું અંતર છે?

જેની ઇન્દ્રિયો બધી રીતે વશમાં છે તેનામાં અને સાધારણ મનુષ્યમાં શું અંતર છે? તે સમજાવતાં ભગવાન ગીતા(૨/૬૯)માં કહે છે કે..

યા નિશા સર્વભૂતાનાં તસ્યાં જાગર્તિ સંયમી
યસ્માં જાગ્રતિ ભૂતાનિ સા નિશા પશ્યતો મુનેઃ

સમસ્ત પ્રાણીઓ માટે જે રાત્રી (પરમાત્માથી વિમુખતા) છે તેમાં સંયમી મનુષ્ય જાગે છે અને જેમાં સઘળાં પ્રાણીઓ જાગે છે(ભોગ અને સંગ્રહમાં લાગેલા છે) તે તત્વને જાણનાર મુનિની દ્રષ્ટિમાં રાત્રી છે.બધા પ્રાણીઓ માટે રાત્રી ઉંઘવાનો સમય હોય છે તે સમયે સંયમી પુરૂષ જાગતો રહે છે અને જ્યારે બધા પ્રાણીઓ જાગતાં હોય છે ત્યારે સંયમી મુનિ તેને રાત્રી સમજે છે.

જેમની ઇન્દ્રિયો અને મન વશમાં નથી,જેઓ ભોગોમાં આસક્ત છે તેઓ બધા પરમાત્માની દ્રષ્ટિએ સૂતેલા છે.પરમાત્મા શું છે? તત્વજ્ઞાન શું છે? અમે દુઃખી શા માટે થઇ રહ્યા છીએ? સંતાપ-બળતરા કેમ થઇ રહી છે? અમે જે કંઇ કરી રહ્યા છીએ તેનું પરીણામ શું આવશે? આ તરફ બિલ્કુલ ના જોવું એ જ તેઓની રાત્રી છે,એમને માટે બિલ્કુલ અંધારૂં છે.

જેવી રીતે પશુ-પક્ષી વગેરે આખો દિવસ ખાવાપીવામાં જ લાગેલાં રહે છે તેવી જ રીતે જે મનુષ્ય દિવસ-રાત ખાવા-પીવામાં,સુખ-આરામમાં,ભોગો અને સંગ્રહમાં તેમજ ધન કમાવવા પાછળ જ મંડ્યા રહે છે તેવા મનુષ્યોની ગણતરી પણ પશુ-પક્ષી વગેરેમાં જ થાય છે કારણ કે પરમાત્માતત્વની દ્રષ્ટિએ તો તે સૂતેલાં જ છે.મનુષ્યની જે રાત્રી છે એટલે કે પરમાત્મા તરફની,પોતાના કલ્યાણના તરફની જે વિમુખતા છે તેમાં સંયમી મનુષ્ય જાગે છે.જેને ઇન્દ્રિયો અને મનને વશ કર્યા છે,જે ભોગ અને સંગ્રહમાં આસક્ત નથી,જેનું ધ્યેય ફક્ત પરમાત્મા છે તે સંયમી મનુષ્ય છે.પરમાત્મા તત્વને-પોતાના સ્વરૂપને અને સંસારને યથાર્થરૂપે જાણવું એ જ એમનું રાત્રીમાં જાગવું કહેવાય.

જેઓ ભોગ અને સંગ્રહમાં ઘણા સાવધાન રહે છે એ જ તે લોકોનું જાગવું કહેવાય.જે સાંસારીક પદાર્થોનો ભોગ અને સંગ્રહ કરવામાં મનુષ્યો પોતાને ભારે બુદ્ધિમાન અને ચતુર માને છે અને તેમાં જ રાજી થાય છે,તે બધું સંસાર અને પરમાત્માતત્વને જાણવાવાળા મનનશીલ સંયમી મનુષ્યની દ્રષ્ટિએ રાત્રી સમાન છે.ઇન્દ્રિયો અને અંતઃકરણ દ્વારા સંસાર દેખાવા છતાં પણ મનનશીલ સંયમી મનુષ્યની બુદ્ધિમાં એવો અટલ નિશ્ચય રહે છે કે વાસ્તવમાં સંસાર નથી,ફક્ત પ્રતિતિ માત્ર છે.તત્વજ્ઞ મહાપુરૂષોની દ્રષ્ટિએ બ્રહ્મલોક સુધી સંપૂર્ણ સંસાર વિદ્યમાન છે જ નહી.સાંસારીક લોકો તો સંસારમાં જ રચ્યાપચ્યા રહે છે અને એવું માને છે કે જે કાંઇ છે તે બધુ આ જ છે.સંસારમાં ડૂબેલો માણસ સંસારને જાણી શકતો નથી.સંસારથી અલગ થઇને જ સંસારને જાણી શકાય છે કારણ કે વાસ્તવમાં તે સંસારથી અલગ છે.પરમાત્માની સાથે એક થઇને જ મનુષ્ય પરમાત્માને જાણી શકે છે કારણ કે વાસ્તવમાં તે પરમાત્માની સાથે એક છે.

અહી જ્ઞાની અને અજ્ઞાનીનો ભેદ બતાવે છે.અજ્ઞાનીનો અર્થ ઇન્દ્રિય-લોલુપ સામાન્ય વ્યક્તિઓ છે. લગભગ તમામ પ્રાણીઓ ઇન્દ્રિયલોલુપ હોય છે.આ કુદરતી સહજ પ્રક્રિયા છે.ઇન્દ્રિયો બેફામ થઇને પોત પોતાના વિષય ભોગવવા દોડતી રહે છે એટલે જ્યારે આવી બેફામ પ્રવૃત્તિમાં લોકો રચ્યાપચ્યા રહેતા હોય ત્યારે સંયમી સાધક તેને નિશા એટલે કે પ્રવૃતિનો ત્યાગ સમય સમજતો હોય છે તે આ બેફામ ટોળામાં ભળતો નથી.તે દ્રષ્ટા પણ થતો નથી,અંતર્મુખ થાય છે.અતિભોગો અનિષ્ટ છે પણ તેના દ્રષ્ટા થઇને ટીકા કર્યા કરવી તે પણ અનિષ્ટ છે.કેટલાક દ્રશ્યોથી આંખો બંધ કરવી જરૂરી છે.બધુ જ જો જો કરવાનું ના હોય એટલે આવા સમયને મુનિ રાત્રી સમજે છે અને લોકો જેને રાત્રી સમજે છે એટલે કે પ્રવૃતિત્યાગનો સમય સમજે છે અને ઘસઘસાટ ઉંઘે છે અથવા ભોગો ભોગવે છે ત્યારે પેલો સંયમી સાધક જાગતો રહે છે.રાત્રી પ્રવૃતિત્યાગ અને ભોગો ભોગવવાનો સમય હોય છે.બધાં પ્રાણીઓ જ્યારે તેમાં રચ્યાંપચ્યાં હોય છે ત્યારે સંયમી પુરૂષ જાગતો હોય છે એટલે કે સાવધાન રહેતો હોય છે.સાવધાન રહેવું એ જ જાગૃત્તિ છે.

ભગવાન ફરી એક ઉદાહરણ આપે છે.ભગવાનને પણ ખબર હશે કે વર્ષો પછી વેદોનો અભ્યાસ લોકો બંધ કરશે એટલે સિદ્ધાંતો પર જીવવાવાળા લોકો ઓછા થશે તે વખતે ઉદાહરણોથી જ સમજણ પાકી થશે અને વ્યક્તિજીવન ભગવાન તરફ, વેદ તરફ અને યજ્ઞ (સમૂહમાં કરેલા સત્કર્મો) તરફ પાછો ફરશે.જ્યારે બધા લોકો સુતા હોય ત્યારે સ્થિતપ્રજ્ઞ જાગે છે.આ સમજવા માટે पઆ વાત યાદ કરવી જોઈએ.उत्तिष्ठ અને जाग्रत બંને અલગ ક્રિયાનું વર્ણન શ્રૃતિએ કર્યુ છે.અહિં કૃતિપરાયણ થવાનું સુચન છે,આ માટે ધ્યેય હોવું જોઈએ.જેનું ધ્યાન થઈ શકે તેને જ ધ્યેય કહેવાય.અરબપતિ થવું કે આબરુ ઉભી કરવી કે સમાજોપયોગી થવું,આ એક સારી વાત છે પણ તે ધ્યેય નથી કારણ આ વાતોથી ક્રિયાત્મક્તા આવશે પણ ભાવજીવન ખલાસ થઈ જશે પણ જે વ્યક્તિ ધ્યેય માટે જાગૃત છે અને તેનાં માટે પ્રયત્નશીલ છે તે જ ધ્યેય સુધી પહોંચી શકે છે.પછી કહે છે કે બધા જ જીવો જ્યારે જાગે છે ત્યારે તે સુવે છે,આમ ભગવાને કહ્યું તે સમજવા જેવું છે.બધા જીવો જ્યારે કૃતિ માટે આળસ કરે છે ત્યારે ભગવાનનો લાડકો દીકરો કૃતિ માટે પ્રવૃત્ત રહે છે પણ જ્યારે બધા જીવો પરિણામ માટે જાગૃત રહે છે ત્યારે ભગવાનનો લાડકો પરિણામની ઈચ્છા વગર જ તેનાથી દુર રહે છે.આવી રીતે જે લોકો જીવે છે તે જ મુનિ કહેવાય છે. જેણે પોતાની વૃત્તિ બદલી છે તે મુનિ છે.

જે ઘરમાં હું રહું તે સ્વચ્છ, સુંદર અને સુઘડ રાખુ છું તો આ વિશ્વ ભગવાનનું ઘર છે તો તેને પણ સ્વચ્છ-સુંદર અને સુઘડ રાખવું તે મારી જવાબદારી છે.જેમ વિશ્વ સુંદર રાખવું તેમ વિશ્વના લોકો પણ સુશિક્ષિત-ભક્તિપરાયણ અને ઈશ્વરાભિમુખ કરવાં તે પણ મારી જવાબદારી છે.આ માટે વ્યક્તિ બીજા વ્યક્તિને મળે અને તેને ઈશ્વરસન્મુખ વાળે.આ કામ કર્યા પછી તે નિશ્ચિંત થઈને સુઈ જાય અને પરિણામ જે પણ આવે તેમાં પોતાની વાહવાહ કે Appreciation ની પણ અપેક્ષા ન રાખે આ જ ગીતાનો સ્થિતપ્રજ્ઞ છે.આવું જીવન બનાવી શકીએ તે માટે ભગવાનને પ્રાર્થના કરીને વ્યક્તિવિકાસ અને ઈશ્વરીય કાર્ય માટે તત્પર થઈએ.

મનનશીલ સંયમી મનુષ્યને સંસાર રાત્રી જેવો દેખાય છે.તે અંગે આ પ્રશ્ન ઉઠે છે કે શું તે સાંસારીક પદાર્થોના સંપર્કમાં આવતો જ નથી? જો નથી આવતો તો તેનો જીવનનિર્વાહ કેવી રીતે થાય છે? અને જો આવે છે તો તેની સ્થિતિ કેવી રહે છે? આ બાબતનું વિવેચન કરતાં ભગવાન ગીતા(૨/૭૦)માં કહે છે કે..

આપૂર્યમાણમચલપ્રતિષ્ઠં સમુદ્રમાપઃ પ્રવિશન્તિ યદ્વત્
તદ્વત્કામા યં પ્રવિશન્તિ સર્વે સ શાંતિમાન્પ્રોતિ ન કામકામી

જે પ્રમાણે બધી જ નદીઓનાં પાણી બધી બાજુથી જળ દ્વારા ભરપૂર અચળ પ્રતિષ્ઠાવાળા સમુદ્રમાં તેને વિચલિત કર્યા વિના જ આવીને સમાઇ જાય છે તે જ પ્રમાણે સર્વ ભોગપદાર્થો જે સ્થિતપ્રજ્ઞ પુરૂષમાં કોઇપણ પ્રકારનો વિકાર ઉત્પન્ન કર્યા વિના જ સમાઇ જાય છે તે જ પુરૂષ પરમ શાંતિને પ્રાપ્ત થાય છે ભોગોની કામનાવાળો નહી.

સમુદ્રમાં નદીઓના સતત પ્રવેશ કરવાં છતાં તે હંમેશાં સ્થિર રહે છે તેમ વાસનાઓના અવિરત પ્રવાહથી જે મનુષ્ય વિચલીત થતો નથી તે શાંતિ પ્રાપ્ત કરી શકે છે પરંતુ આવી ઈચ્છાઓને વશ થતો મનુષ્ય શાંતિ પ્રાપ્ત કરી શકતો નથી.

ચોમાસામાં નાની-મોટી નદીઓનું જળ ખુબ જ વધી જાય છે,નદીઓમાં પુર આવી જાય છે પરંતુ તે જળ જ્યારે ચારેય બાજુથી જળ દ્વારા પરીપૂર્ણ સમુદ્રમાં આવીને મળે છે ત્યારે સમુદ્ર ઉભરાતો નથી,પોતાની મર્યાદામાં જ રહે છે પરંતુ જ્યારે ઉનાળામાં નદીઓનું પાણી ઓછું થઇ જાય છે ત્યારે સમુદ્ર ઘટતો નથી એવી જ રીતે સંસારના તમામ ભોગો તે પરમાત્માતત્વને જાણવાવાળા સંયમી મનુષ્યને પ્રાપ્ત થાય છે અને તેની સામે આવે છે પણ તે તેના કહેવાતા શરીર અને અંતઃકરણમાં સુખ-દુઃખરૂપી વિકારો પેદા કરી શકતા નથી આથી તે પરમશાંતિને પ્રાપ્ત થાય છે.તેની જે શાંતિ છે તે ભોગપદાર્થોના કારણે નહી પરંતુ પરમાત્માતત્વના કારણે છે.

સ્થિતપ્રજ્ઞનું મન ગમે તેટલું ચંચલ હોય પણ તેની બુદ્ધિ એટલી પરીપક્વ બની છે કે તે વિષયોની સાથે વહી જવાનાં બદલે મનને સંયમીત રાખે છે અને વિષયોને રમાડે છે,આમ કરવાથી તે ધારે ત્યારે વિષયોમાં જઈ શકે અને ધારે ત્યારે બહાર આવી શકે આ સામાન્ય અર્થ છે. વિષય છે તેથી વિષયી છે અને બંને જરૂરી છે.આ માટે વિષય એટલો મજબુત રાખો કે તેમાં આસક્ત થયા પછી વિકારો વધે નહિ પણ નિયંત્રિત થાય.વિકારો જરૂરી છે અને તેનાથી જીવન ચાલે છે.આહાર નિંદ્રા ભય મૈથુનં ચ સામાન્યમેતત પશુભિર્નરાણામ્-ચાર વિષયો આહાર,નિંદ્રા,ભય અને મૈથુન બધા જ જીવોમાં છે તે છુટે જ નહિ અને છુટે તો જીવનું અસ્તિત્વ ખલાસ..આ માટે માણસમાં શું હોય તો થાય? તે માટે ધર્મોહિ તેષાં અધિકો વિશેષ હોય.સ્વધર્મ અને સ્વકર્મ એવા બનાવવાં કે તેનાથી મને વિષયો પજવે નહિ.વિષયોની સાથે રમવાનું છે અને આપણે વિષયોને રમાડવાનાં છે.જે વિષયાતિત છે તેમાં કેન્દ્રસ્થ થઈને સમયાંતરે ધ્યાસ્થ થઈએ તો નાના-માટા વિષયો મને પરેશાન નહી કરે.

સ્થિતપ્રજ્ઞ મનુષ્ય જે તત્વમાં સ્થિત થયેલ છે તે તત્વ ચેતન,નિત્ય,સત્ય,અસીમ અને અનંત છે અને સાંસારીક પદાર્થો જડ,અનિત્ય,અસત્,સિમિત અને અંતવાળા છે.ચેતનસ્વરૂપની તૃપ્તિ જડ પદાર્થો વડે થઇ શકતી નથી.પોતાની કામનાઓના કારણે આ સંસાર જડ દેખાય છે વાસ્તવમાં તો આ સંસાર ચિન્મય પરમાત્મા જ છે.વાસુદેવઃસર્વમ્(૭/૧૯) ઇચ્છા જ્યારે વાસના થઇ જાય અને વાસના કામનામાં રૂપાંતરીત થઇ જાય ત્યારે તેને કામ કહેવાય.જગત કામનામય છે.કામનાનું ભાવનામાં રૂપાંતરણ કરવું તેને આધ્યાત્મિક સાધના કહેવાય.

આલેખનઃવિનોદ માછી નિરંકારી

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!