જૂનાગઢ : પોલીસ સ્ટેશનો વાઇઝ ટીમો બનાવી લુખ્ખા તત્વોને પકડી પાડવા માટે વ્યવસ્થા ગોઠવવામાં આવી

જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજા તથા કેશોદ ડિવિઝનના ડીવાયએસપી જે. બી. ગઢવીના માર્ગદર્શન હેઠળ હાઇવે ઉપર પ્રવેશતા ચોરવાડ, માળિયા, શીલ, કેશોદ, વંથલી, મેંદરડા, વિસાવદર, બીલખા, ભેસાણ, તાલુકા જેવા પોલીસ સ્ટેશનો ખાતે ખાસ વાહન ચેકીંગ ગોઠવી, શહેર વિસ્તારમા પણ ગાંધી ચોક, મજેવડી ગેટ, આઝાદ ચોક, કાળવા ચોક, દીવાન ચોક, સુખનાથ ચોક, મધુરમ, વિગેરે સ્થળો ઉપર જુદી જુદી પોલીસ સ્ટેશનો વાઇઝ ટીમો બનાવી, વાહન ચેકીંગ હાથ ધરી, કેફી પીણું પી ને છાંટકા બનતા લુખ્ખા તત્વોને પકડી પાડવા માટે વ્યવસ્થા ગોઠવવામાં આવેલ છે. કેફી પીણું પીને વાહન ચલાવતા ઈસમો પર પણ ખાસ વોચ રાખવા કાર્યવાહી હાથ ધરવામાં આવશે. તમામ ટીમોને બ્રેથ એનેલાઈઝર આપીને સજ્જ કરવામાં આવશે અને બ્રેથ એનેલાઈઝર દ્વારા ચેકીંગ કરી, કેફી પીણું પી ને નીકળેલા ઇસમોને પકડી પાડી, ધરપકડ કરી, કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
શહેર વિસ્તારમાં જુદા જુદા પોઇન્ટ ઉપર અધિકારીઓ તથા પોલીસ જવાનો તેમજ હોમગાર્ડ દ્વારા ખાસ ચેકીંગ હાથ ધરી, કેફી પીણું પીધેલાને પકડવા, કેફી પીણું પીને વાહન ચલાવતા ઇસમોને પકડવા, હથિયારો સાથે ફરતા ઇસમોને ચેક કરી, બેફિકરાઈથી વાહન ચલાવતા, ધૂમ સટાઇલ તથા મોટા મ્યુઝીકલ હોર્ન વગાડી ન્યુસન્સ ફેલાવતા વાહન ચાલકો વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરવા આદેશો આપવામાં આવેલા છે. ઉપરાંત જિલ્લાના તમામ પોલીસ સ્ટેશનોના થાના અમાલદારો દ્વારા પ્રોહીબિશનની પ્રવૃત્તિ કરતા બુટલેગરોને ચેક કરી, કેસો કરવા માટે પણ ખાસ કાર્યવાહી કરવામાં આવશે.
રિપોર્ટ : મહેશ કથીરિયા