સ્ટેચ્યુ ઓફ યુનિટી પર પોલીસ દ્વારા દમનગિરી કરાતી હોવાનો ગંભીર આક્ષેપ

સ્ટેચ્યુ ઓફ યુનિટી ઝડપથી બનવું છે ત્યારથી યેનકેન પ્રકારના સ્થાનિક આદિવાસીઓને રંજાડવામાં આવતા હોવાની અનેક ફરિયાદો થતી રહી છે જેમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી પર આદિવાસીઓ પર પોલીસ દ્વારા દમનગિરી કરાતી હોવાનો સ્થાનિક આદિવાસીઓએ ગંભીર આક્ષેપો કર્યા છે. સ્ટેચ્યુ ઓફ યુનિટીથી સ્થાનિક દુકાનદારોને હટાવતા વિરોધના સુર ઉઠ્યા છે. નજીકમાં પાર્કિંગ બાબતે પોલીસ સાથે સ્થાનિકોનું ઘર્ષણ થતા સ્થાનિક આદિવાસીઓમાં ભારે રોષ ફેલાયો છે. સ્થાનિક આદિવસીઓએ દુકાનો સ્વયંભૂ બંધ કરી પોલીસ સામે વિરોધ નોંધાવ્યો છે. આદિવાસી ઓએ એવો આક્ષેપ પણ લગાવ્યો છે અમારો સામાન પોલીસ લઈ ગઈ છે એની સામે અમારો વિરોધ છે.
પ્રાપ્ત માહિતી અનુસાર નર્મદા જિલ્લાને વિકાસને વેગ આપવા સરકાર દ્વારા સ્ટેચ્યુ ઓફ યુનિટીનું નિર્માણ કર્યું છે. હવે સ્થાનિકો આઉટ થતા જાય છે અને નેતાઓ, મૂડી પતિઓ કેવડિયામાં પાર્કિંગો ભાડે લઈ રહ્યા છે. ભાડા પટ્ટે હોટેલો, રિસોર્ટો લઈ રહ્યા છે. ત્યારે શ્રેષ્ઠ ભારત ભવન પાસે અંદાજિત 200 જેટલા સ્થાનિકો રોજગારી મેળવતા હતા એમને સરકાર દ્વારા હટાવી દેવાયા છે.હવે એવું થાય છે કે ટિકિટ લેવા લાંબી કતાર લાગે છે ત્યારે પ્રવાસીઓને ખાવા એક પડીકું મળતું નથી, પીવા પાણીનો ગ્લાસ મળતો નથી જેનાથી પ્રવાસીઓ હેરાન થાય છે.
બીજી બાજુ ફૂડ કોર્ટ પ્રવાસીઓને પરવડે તેમ નથી ત્યારે મૂડીપતિઓને પોષવા સ્ટેચ્યુ ઓફ યુનિટી સામે પોતાની જમીનમાં ધંધો રોજગાર કરી જીવતા સ્થાનિકોને ફરી હટાવવાની વાતો કરે છે.અત્રે એ ઉલ્લેખનીય છે કે અત્યાર સુધી પાર્કિંગ ફ્રી હતું ત્યાં સુધી ગમે ત્યાં સાઈડ પર પાર્કિંગ થતું હતું એ સમયે કેમ પોલીસને પાર્કિંગની કોઈ સમસ્યા નહોતી નડતી.હવે જ્યારે પાર્કિંગની ફી લેવાય છે ત્યારે જ કેમ પાર્કિંગની સમસ્યા નડે છે એ પ્રશ્ન હાલ ચર્ચાઈ રહ્યો છે.
મોદી સરકાર અમીરો માટે બધું કરે છે ગરીબો માટે કઈ નથી કરતી:
શર્મિષ્ઠાબેને જણાવ્યું હતું કે મારો મોદી સાહેબને એ પ્રશ્ન છે કે પોલીસને તમે ઓર્ડર આપ્યો છે અમને હટાવવા માટે ? મોદી સાહેબે એવો વાયદો કર્યો કે અમે આદિવાસીઓ માટે કરીશું પણ શું કર્યું એ જણાવો ? અમારા છોકરાને પોલીસ મારે છે એમને કોઈ અધિકાર નથી મારવાનો.મોદી સરકાર અમીરો માટે બધું કરે છે ગરીબો માટે કઈ નથી કરતી.એમને ફક્ત આદિવાસીઓ જ નડે છે !
જ્યારેનું આઈસ્ક્રીમનું પાર્લર બન્યું છે ત્યારની પોલીસ અમને હેરાન કરે છે : રેખાબેન તડવી
રેખાબેને જણાવ્યું કે જ્યારેનું આ આઈસ્ક્રીમ પાર્લર બન્યું છે ત્યારનું અમને કોઈ ધંધો નથી કરવા દેતા નથી, પોલિસ હેરાન કરે છે.અમે કેવી રીતે જીવીએ,કોઈ અમને ધંધો નથી કરવા દેતા.પોલીસ વાળાઅમારી સાથે શાંતિથી વાત પણ નથી કરતા.વારંવાર હેરાન કરવા અહીંયા પોલીસ વાળા આવે છે.
જિલ્લા કલેકટર અને પોલીસ વડાના આદેશ મુજબ અમારે કામ કરવું પડે : પી.ટી ચૌધરી, પીઆઈ કેવડિયા
આ બાબતે કેવડીયાના પીઆઈ પી. ટી. ચૌધરીએ ટેલિફોનિક વાતચિતમાં જણાવ્યું હતું કે અમારે તો નર્મદા કલેકટર અને જિલ્લા પોલીસ વડાના આદેશ મુજબ કાર્ય કરવું પડશે. સ્થાનિકોએ જો ત્યાં ધંધો જ કરવો હોય તો યોગ્ય જગ્યાએ રજુઆત કરવી જોઈએ.તેઓ નજીક ગેટ પાસે જ બેસે છે, કોઈ અધિકારીઓ આવે તો અમારે એમને ઉઠાડવાની ફરજ પડે છે, કોઈ અમારું દુશ્મન નથી.એ વિસ્તારમાં અમુક લોકો ગેરકાયદેસર રીતે પાર્કિંગના પૈસા ઉઘરાવે છે અને એની પાવતી પણ ફાડે છે તો એ જ બાબતે અમે કાર્યવાહી કરી હતી. કેવડીયામાં પોલીસ કાયદા મુજબ જ કામ કરે છે કોઈ પણ જાતનો દમન ગુજરાતી નથી.
રિપોર્ટ : જ્યોતિ જગતાપ (રાજપીપળા)