વિશ્વની સૌથી ઉંચી સરદારની પ્રતિમાના દર્શન કરી ધન્યતા અનુભવતા કોમનવેલ્થ સમૂહના જનરલ સેક્રેટરી બોરોનેસ પેટ્રીશીયા

કોમનવેલ્થ સમૂહના જનરલ સેક્રેટરી બોરોનેસ પેટ્રીશીયાએ આજે નર્મદા જિલ્લાના કેવડીયા કોલોની ખાતે વિશ્વની સૌથી ઉંચી સરદાર વલ્લભભાઇ પટેલની પ્રતિમાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. ત્યારબાદ બોરોનીસ પેટ્રીશીયાએ ૪૫ માળની ઉંચાઇએ સ્ટેચ્યુ ઓફ યુનિટીની વ્યુઇંગ ગેલેરી પ્રતિમાના હ્રદય સ્થાનેથી નર્મદા ડેમનો નજારો પણ માણ્યો હતો. તદ્ઉપરાંત વિધ્યાંચળ-સાતપુડા ગિરીમાળાનું પ્રાકૃતિક સૌંદર્ય નિહાળવાની સાથે “મા નર્મદાના” પવિત્ર દર્શન થકી અલૌકિક ઉંચાઇએ પહોંચ્યાની અનુભૂતિ કરી હતી. ત્યારબાદ સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં પ્રદર્શન, લાયબ્રેરી, સરદાર સાહેબના જીવન કવનને વણી લેતી દસ્તાવેજી ફિલ્મ પણ નિહાળી હતી.
કોમનવેલ્થ સમૂહના જનરલ સેક્રેટરી બોરોનેસ પેટ્રીશીયાને સરદાર વલ્લભભાઇ પટેલ રાષ્ટ્રીય એકતા ટ્રસ્ટનાં સભ્યસચિવ સંદીપ કુમારે સ્ટેચ્યુ ઓફ યુનિટીની વિશેષતાઓ અંગે માહિતી આપી હતી. બોરોનેસ પેટ્રીશીયાએ પોતાનો અભિપ્રાય આપતા જણાવ્યુ હતુ કે, આજનો દિવસ મને સદાય યાદ રહેશે.મારૂ સદભાગ્ય છે કે મે આટલી વિરાટ પ્રતિભાનં સરદાર સાહેબની વિરાટ પ્રતિમાનાં દર્શન કર્યા. તેઓએ પોતાનાં સંદેશામાં જણાવ્યુ હતુ કે,આ મુલાકાત ઘણી જ પ્રેરણાદાયક છે,જે બતાવે છે કે,એક વ્યક્તિ પોતાનાં દેશ માટે શું કરી શકે, હું ભારતનાં આ મહાન સપુતને દીલથી સલામ કરૂ છુ. વિરાટ પ્રતિમાનું નિર્માણ કરીને મહાન પ્રતિભાને ભારતે સાચી શ્રધ્ધાંજલી આપી છે.
આ પ્રસંગે જિલ્લા કલેક્ટર મનોજ કોઠારીએ કોમનવેલ્થ સમૂહના જનરલ સેક્રેટરી બોરોનેસ પેટ્રીશીયાને સરદાર સાહેબની પ્રતિમાનું સ્મૃતિ ચિન્હ અને સ્ટેચ્યુ ઓફ યુનિટી વિશેની કોફી ટેબલ બુક અર્પણ કરી હતી. આ મુલાકાત દરમિયાન સરદાર વલ્લભભાઇ પટેલ રાષ્ટ્રીય એકતા ટ્રસ્ટનાં સભ્યસચિવ સંદીપ કુમાર, જિલ્લા કલેક્ટ મનોજ કોઠારી, સ્ટેચ્યુ ઓફ યુનિટીના નાયબ કલેક્ટરઅને નાયબ વહિવટદાર નિલેશ દુબે વગેરે પણ જોડાયા હતા.
જ્યોતિ જગતાપ (રાજપીપલા)