રાજકોટમાં રમાયેલી ત્રણ મેચોની સિરીઝની બીજી વનડે મેચમાં ભારતીય ટીમે ઓસ્ટ્રેલિયાને હરાવ્યું

ઓસ્ટ્રેલિયાને રાજકોટમાં રમાયેલી બીજી વનડે મેચમાં રને પરાજય આપીને ત્રણ મેચોની સિરીઝમાં 1-1થી બરોબરી મેળવી લીધી છે. હવે સિરીઝનો અંતિમ અને નિર્ણાયક મુકાબલો 19 જાન્યુઆરીએ બેંગલુરૂમાં રમાશે. ટોસ હારીને પ્રથમ બેટિંગ કરતા ભારતે કેએલ રાહુલ (80), શિખર ધવન (96) અને કેપ્ટન વિરાટ કોહલી (78)ની અડધી સદીની મદદથી 50 ઓવરમાં 6 વિકેટે 340 રન બનાવ્યા હતા. જેના જવાબમાં ઓસ્ટ્રેલિયાની ટીમ 49.1 ઓવરમાં 304 રન બનાવી ઓલઆઉટ થઈ ગઈ હતી. ઓસ્ટ્રેલિયા તરફથી સ્મિથે સૌથી વધુ 98 રન બનાવ્યા હતા. ભારત તરફથી શમીએ ત્રણ, જાડેજા, કુલદીપ અને શૈનીએ બે-બે વિકેટ ઝડપી હતી. મુંબઈ વનડેમાં સદી ફટકારનાર ઓસ્ટ્રેલિયાના બંન્ને ઓપનર આ મેચમાં કોઈ કમાલ કરી શક્યા નથી.
ડેવિડ વોર્નર માત્ર 15 રન બનાવી શમીનો શિકાર બન્યો હતો. મનીષ પાંડેએ હવામાં ઉડીને એક હાથે કેચ ઝડપ્યો હતો. તો કાંગારૂ કેપ્ટન આરોન ફિન્ચ 33 રન બનાવી જાડેજાની બોલિંગમાં સ્ટમ્પ આઉટ થયો હતો. ઓસ્ટ્રેલિયાએ એક સમયે 82 રન પર બે વિકેટ ગુમાવી દીધી હતી. ત્યારબાદ અનુભવી સ્ટીવ સ્મિથ અને પોતાની બીજી વનડે રમી રહેલા માર્નસ લાબુશેને ઈનિંગ સંભાળી હતી. બંન્નેએ ત્રીજી વિકેટ માટે 96 રનની ભાગીદારી કરી હતી. લાબુશેન 46 રન બનાવી જાડેજાનો શિકાર બન્યો હતો. સ્ટીવ સ્મિથ 98 રન બનાવી આઉટ થયો હતો. સ્મિથને કુલદીપ યાદવે બોલ્ડ કર્યો હતો.
સ્મિથે 102 બોલની ઈનિંગમાં 9 ચોગ્ગા અને 1 છગ્ગો ફટકાર્યો હતો. ઈનિંગની 38મી ઓવરમાં કુલદીપ યાદવે એક જ ઓવરમાં સ્મિથ અને કેરીને પેવેલિયન પરત મોકલી આપ્યા હતા. ત્યારબાદ મોહમ્મદ શમીએ એશ્ટોન ટર્નર અને પેટ કમિન્સને બે બોલમાં બોલ્ડ કર્યા હતા. શમીને આ મેચમાં હેટ્રિકની તક પણ મળી હતી. નવદીપ સૈનીએ પણ એક ઓવરમાં એશ્ટન અગર (25) અને મિશેલ સ્ટાર્ક (6)ને આઉટ કર્યાં હતા.ભારતના બંન્ને સ્પિનર રવિન્દ્ર જાડેજા અને કુલદીપ યાદવને બે-બે સફળતા મળી હતી. કુલદીપ યાદવે 10 ઓવરમાં 65 રન આપીને બે તો જાડેજાએ 10 ઓવરમાં 58 રન આપીને બે વિકેટ ઝડપી હતી. આ સિવાય નવદીપ સૈનીએ પણ 10 ઓવરમાં 62 રન આપીને બે વિકેટ ઝડપી હતી. ભારતના સ્ટાર બોલર મોહમ્મદ શમી પર ઓસ્ટ્રેલિયાએ ખુબ પ્રહાર કર્યાં હતા.
શમીએ પોતાની 10 ઓવરમાં 77 રન આપ્યા હતા. શમીને ત્રણ સફળતા પણ મળી હતી. ટોસ હારીને પ્રથમ બેટિંગ કરતા ભારતે 50 ઓવરમાં 6 વિકેટે 340 રન બનાવ્યા હતા અને ઓસ્ટ્રેલિયાને જીતવા માટે 341 રનનો લક્ષ્ય આપ્યો હતો. ભારત તરફથી શિખર ધવન, વિરાટ કોહલી અને કેએલ રાહુલે અડધી સદી ફટકારી હતી. ભારતને ઓપનર રોહિત શર્મા અને શિખર ધવને શાનદાર શરૂઆત અપાવી હતી. બંન્નેએ પ્રથમ વિકેટ માટે 81 રનની ભાગીદારી કરી હતી. રોહિત શર્મા 44 બોલમાં 42 રન બનાવી ઝમ્પાનો શિકાર બન્યો હતો. રોહિતે પોતાની ઈનિંગમાં 6 બાઉન્ડ્રી ફટકારી હતી.
શિખર ધવન પોતાની સદી ચુકી ગયો હતો. ધવન 96 રન બનાવી રિચર્ડસનનો શિકાર બન્યો હતો. ધવને 90 બોલમાં 13 ચોગ્ગા અને 1 છગ્ગો ફટકાર્યો હતો. ભારતીય કેપ્ટન વિરાટ કોહલી આજે પોતાના ક્રમ ત્રીજા સ્થાને બેટિંગ કરવા આવ્યો હતો. વિરાટ કોહલીએ પહેલા શિખર ધવન સાથે 103 રનની ભાગીદારી કરી હતી. વિરાટે 76 બોલમાં 6 ચોગ્ગા સાથે 78 રન ફટકાર્યા હતા. વિરાટ કોહલી ફરી એકવાર એડમ ઝમ્પાનો શિકાર બન્યો હતો. મુંબઈ વનડેમાં પણ તેને ઝમ્પાએ આઉટ કર્યો હતો. આમ વનડે ક્રિકેટમાં કોહલી પાંચમી વખત ઝમ્પાનો શિકાર બન્યો હતો. વિકેટકીપરની ભૂમિકા ભજવી રહેલા કેએલ રાહુલ આજે પાંચમાં ક્રમે બેટિંગ કરવા આવ્યો હતો. રાહુલે શાનદાર બેટિંગ કરી અને ભારતનો સ્કોર 340 સુધી પહોંચાડવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી.
રાહુલે 52 બોલમાં 6 ચોગ્ગા અને 3 છગ્ગા સાથે 80 રન ફટકાર્યા હતા. પોતાની આ ઈનિંગ દરમિયાન રાહુલે પોતાના વનડે કરિયરમાં 1000 રન પૂરા કરવાની સિદ્ધિ મેળવી હતી. મનીષ પાંડે 2 પન બનાવી રિચર્ડસનનો તો અય્યર માત્ર 7 રન બનાવી ઝમ્પાનો શિકાર બન્યો હતો. રવિન્દ્ર જાડેજા 16 રન બનાવી અને શમી 1 રન બનાવી અણનમ રહ્યાં હતા. ઓસ્ટ્રેલિયા તરપથી એડમ ઝમ્પાએ 10 ઓવરમાં 50 રન આપીને ત્રણ વિકેટ ઝડપી હતી. તો કેન રિચર્ડસને 10 ઓવરમાં 73 રન આપીને બે વિકેટ ઝડપી હતી. આ સાથે ભારતીય ટીમ રાજકોટના સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનના સ્ટેડિયમમાં પ્રથમવાર કોઈ વનડે મેચ જીતવામાં સફળ થઈ છે. આ પહેલા એસસીએના મેદાન પર બે વનડે મેચ રમાઇ હતી. આ બંન્ને મેચ ઈંગ્લેન્ડ અને દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ હતી. જેમાં ભારતીય ટીમે પરાજયનો સામનો કરવો પડ્યો હતો.
રિપોર્ટર
દિલીપ પરમાર
રાજકોટ.