અમદાવાદ : ભાઈએ પરિણીત બહેનને કહ્યુ, ‘મારા મિત્ર સાથે લગ્ન કરી લે…!!

આમ તો લગ્ન થયા બાદ બહેન સાસરે સુખી છે કે નહીં તેની સૌથી વધુ ચિંતા માતાપિતા અને પરિવારના લોકો કરતા હોય છે. જેમાં અપવાદરૂપ કિસ્સો શહેરમાં બન્યો છે. એક યુવતીને તેના પતિ સાથે ઝઘડો થતાં તે તેના પિયર આવી હતી. જ્યાં તેના ભાઇએ તેના જ મિત્ર સાથે લગ્ન કરવા દબાણ કર્યું હતું. યુવતીએ આ બાબતે મનાઇ કરતા તેને માર પણ માર્યો હતો. આખરે સમગ્ર મામલો પોલીસ સ્ટેશન પહોંચતા પોલીસે તપાસ હાથ ધરી છે.
જુહાપુરામાં રહેતી 35 વર્ષીય મહિલાના વર્ષ 2002માં લગ્ન થયા હતા. લગ્ન બાદ તેણે બે સંતાનોને જન્મ આપ્યો હતો. મહિલાના પતિ સિઝનેબલ ધંધો કરે છે. મહિલાના સાસરે ગયા બાદ તેને અવાર-નવાર નાની મોટી બાબતોમાં ઝઘડો થતો હતો. થોડા દિવસો પહેલા મહિલાને તેના પતિ સાથે ઝઘડો થયો હતો. આથી મહિલા તેના ભાઈને ઘરે જતી રહી હતી. બાદમાં મહિલાના ભાઇએ પાલનપુરમાં એક મકાન ભાડે અપાવી તેની બહેનને ત્યાં રાખી હતી. થોડા દિવસો બાદ મહિલાનો ભાઇ તેના મિત્ર એઝાઝ સાથે તેની બહેનને મળવા પાલનપુર ગયો હતો. મળવા જવાના બહાને ભાઇ તેની બહેનને તેના મિત્ર એઝાઝ સાથે લગ્ન કરવા દબાણ કરતો હતો.
થોડા દિવસો બાદ આ મહિલાને તેના પતિ સાથે વાત થઇ હતી. જેથી પતિએ પાછી આવી જવા કહ્યું હતું. જે બાદ મહિલા તેના પતિ પાસે ગઇ હતી. આ સમયે પણ મહિલાનો ભાઇ તેના પતિના ઘરે તેના મિત્ર એઝાઝ સાથે ગયો હતો તેમજ તેના પતિને તલાક આપવા જણાવ્યું હતું. મહિલાએ ફરીથી એઝાઝ સાથે લગ્ન કરવાનો ઇન્કાર કરી દીધો હતો. જે બાદમાં મહિલાનો ભાઈ આવેશમાં આવી ગયો હતો અને તેને માર માર્યો હતો. આ બાબતે બહેને કંટાળીને પોલીસને જાણ કરતા પોલીસ ઘટનાસ્થળે પહોંચી મહિલાને પોલીસ સ્ટેશન લાવી હતી. જ્યાં મહિલાએ ભાઇ અને તેના મિત્ર સામે ફરિયાદ નોંધાવતા વેજલપુર પોલીસે તપાસ હાથ ધરી છે.
અલ્પેશ રાઠોડ (અમદાવાદ)