ભાજપના સભ્ય અને રાજપીપળા પાલિકાના પૂર્વ પ્રમુખનું વહીવટી તંત્રથી કંટાળી સભ્યપદેથી રાજીનામુ

- આગામી સમયમાં ભાજપના અન્ય સભ્યો પણ પોતાના રાજીનામાં આપશે એવા એંધાણ
રાજપીપળા પાલિકામાં વર્ષો બાદ ભાજપને પૂર્ણ બહુમત મલ્યૉ થ છે. રાજપીપળાના શહેરીજનોએ પણ ગામનો વિકાસ થશે એ આશાએ ભાજપને સત્તા આપીહતી . પણ છેલ્લા ઘણા સમયથી વિકાસ કરવાના નિષ્ફલ રહેલ સત્તાધીશો સામે શહેરીજનો ભાજપના વહીવટથી કંટાળ્યા હોવાની બુમો ઉઠી છે.ત્યારે હવે તો ખુદ ભાજપના ચૂંટાયેલા સભ્ય અને રાજપીપળા પાલિકાના પૂર્વ પ્રમુખ સંદીપ દશાંદીએ પાલિકા વહીવટથી કંટાળી સભ્યપદેથી રાજીનામુ આપી લેખિત ચીમકી આપતા નગરપાલિકાના રાજકારણમા સોંપો પડી ગયો છે .આ જોતા રાજપીપળા પાલિકામાં વિકાસના કામો નહિ થતા હોવાની પોલ ખુદ ભાજપના જ સભ્યએ ખુલ્લી પાડી છે.
આ બાબતે રાજપીપળા પાલિકા વોર્ડ-4ના સભ્ય અને પાલિકાના પૂર્વ પ્રમુખ સંદીપ દશાંદીએ જણાવ્યું હતું કે મારા વોર્ડમાં વિકાસના કામો થતા નથી લોકોની નાની મોટી ફરિયાદોનો નિકાલ પણ થતો નથી.મેં ઘણી રજૂઆતો કરી પણ કોઈ ધ્યાન નથી આપતું. મારા વોર્ડના લોકો મને ફરિયાદ કરવા આવે છે.જો વોર્ડમાં વિકાસના કામો જ ન થતા હોય તો મારે સભ્યપદે રહીને શુ કામ છે, જો વિકાસના કામો બાબતે યોગ્ય નિર્ણય લેવાય તો હું રાજીનામું આપી દઈશ. મેં મારી લેખિત ફરિયાદ રાજપીપળા પાલિકા પ્રમુખ, નર્મદા જિલ્લા અને રાજપીપળા શહેર ભાજપ પ્રમુખને કરી છે.આ બાબતે રાજપીપળા શહેર ભાજપ પ્રમુખ રમણસિંહ રાઠોડે જણાવ્યું હતું કે પાલિકા વોર્ડ-4 ના ભાજપ સભ્ય સંદીપ દશાંદીએ મને પોતાની રજુઆત લેખિતમાં કરી છે અને જો વિકાસના કામો નહિ થાય તો રાજીનામાનો પણ એમાં ઉલ્લેખ કર્યો છે.
અત્રે એ ઉલ્લેખનીય છે કે આ તો ભાજપના એક જ સભ્યએ ખુલ્લેઆમ પડકાર ફેંક્યો છે, હજુ તો ઘણા સભ્યો વહીવટીથી નારાજ ચાલી રહ્યા છે, ત્યારે આગામી સમયમાં ભાજપના અન્ય સભ્યો પણ પોતાના રાજીનામાં આપશે એવા એંધાણ વર્તાઈ રહ્યા છે.બીજી બાજુ તાજેતરમાં જ રાજપીપળા પાલિકામાં કરોડો રૂપિયાની બીજી ગ્રાન્ટ આવી છે તો એ ગ્રાન્ટનો યોગ્ય ઉપયોગ થાય છે કે પછી સત્તાપક્ષ અને વિપક્ષ વચ્ચે સરખા ભાગે વહેચણી કરી ગુણવત્તા વગરના કામો થાય છે એ જોવું રહ્યું.
. . . . . . . . . . . . . . . . . . . . . .
રાજપીપળા પાલિકાના વહીવટ મુદ્દે સાંસદ મનસુખ વસાવા કેમ ચૂપ ?
. . . . . . . . . . . . . . . . . . . . . .
ભાજપ સાંસદ મનસુખ વસાવા જનતા સાથે થતા અન્યાય મુદ્દે મોટા અધિકારીઓ અને પોતાની સરકારના મંત્રી વિરુદ્ધ બોલતા બિલકુલ ખચકાતા નથી.રાજપીપળા પાલિકાના ખાડે ગયેલા વહીવટનો ભાંડો જો ભાજપ સભ્યએ ફોડ્યો હોય તો ભૂતકાળમાં કઈક તો થયું જ હોવું જોઈએ.મનસુખ વસાવા આ મામલે અજાણ હોય એ બિલકુલ માનવામાં ન આવે.તો રાજપીપળા પાલિકાના વહીવટ મુદ્દે સાંસદ મનસુખ વસાવા કેમ ચૂપ છે એ પ્રશ્ન હાલ ચર્ચાઈ રહ્યો છે.
. . . . . . . . . . . . . . . . . . . . . .
રાજપીપળા પાલિકા CO ની બદલી માટે જિલ્લા ભાજપના હોદ્દેદારોના ગાંધીનગરમાં આંટા ફેરા???
રાજપીપળા પાલિકા CO અમિત પંડ્યા વિકાસના કામો નથી કરવા દેતા એવો આક્ષેપ ખુદ પાલિકા સભ્યોએ જ કર્યો હતો.જો કે આ મામલે છોટાઉદેપુર ભાજપ સાંસદે તો એવું કહ્યું હતું કે એક અધિકારી નિયમ મુજબ જે હોય એ જ કરતા હોય છે.એક વાત નક્કી છે કે CO અમિત પંડ્યા બિલકુલ ખોટું ચલાવી લે એવા અધિકારી તો નથી જ, એટલે જ તેઓ કોઈને ગાંઠતા નથી. એમની બદલી કરાવવા અગાઉ પણ ઘણા પ્રયત્નો થઈ ચૂક્યા છે અને હાલમાં જ જિલ્લા ભાજપમાં વગદાર હોદ્દેદારો ગાંધીનગર આંટા ફેરા મારતા હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે.
…………………………………….
તસવીર : જ્યોતિ જગતાપ , રાજપીપલા