નર્મદા જિલ્લાના આરોગ્ય ટીમનું આકસ્મિક ચેકીંગ, સ્થળ પર હાજર ન રહેનારા ઓફિસર અને કર્મચારીઓને બેદરકારી બદલ નોટિસ

નર્મદા જિલ્લાના આરોગ્ય ટીમનું આકસ્મિક ચેકીંગ, સ્થળ પર હાજર ન રહેનારા ઓફિસર અને કર્મચારીઓને બેદરકારી બદલ નોટિસ
Spread the love

નર્મદા જિલ્લામાં માતા-બાળ મરણ રાજ્યના અન્ય જિલ્લાઓ કરતા વધુ હોવાનું ખુદ જિલ્લા આરોગ્ય અધિકારીએ સ્વીકાર્યું હતું.બાદ રિઝલ્ટ સુધારવા અને યોગ્ય કામગીરી કરવા જિલ્લાના આરોગ્ય કેન્દ્રો પર ફરજ બજાવતા તબીબી અધિકારીઓ અને કર્મચારીઓને હેડ ક્વાર્ટર પર ફરજીયાત રહેવાનો હુકમ કરાયો હતો.તે છતાં પણ સ્થળ પર 5 મેડિકલ ઓફિસર અને 10 થી વધુ કર્મચારીઓ આરોગ્યના ટીમની આકસ્મિક ચેકીંગ દરમિયાન હાજર ન મળતા તેઓને નોટિસ ફટકારતા ખળભળાટ મચી ગયો છે. હાલ નર્મદા જિલ્લા આરોગ્ય વિભાગ તેમની નિષ્ક્રિય કામગીરીને લઈને હાલ ચર્ચામાં છે.

રાજ્યમાં સૌથી વધુ માતા અને બાળકોનું મરણ થઇ રહ્યું છે,જેના તારણમાં મેડિકલ ઓફિસરો અને કર્મચારીઓ નિયમિત આરોગ્ય કેન્દ્ર પર હાજર ન રહી સેવા નિયમિત નહિ બજાવવાતા હોવાનું તારણ જિલ્લા આરોગ્ય અધિકારી ડો.કે.પી.પટેલે કાઢ્યું હતું.નર્મદા જિલ્લા આરોગ્ય અધિકરીએ તમામ આરોગ્ય કેન્દ્રો અને પેટા કેન્દ્રો પર લેખિત હુકમ કરી તમામ કર્મચારીઓ અને તબીબી અધિકારીઓને આરોગ્ય કેન્દ્ર પર રહેવાનો હુકમ કર્યો હતો. આ અંગે જરૂરી વ્યવસ્થા કરે એવી લેખિત સૂચના હોવા છતાં કેટલાક અધિકારીઓ અને કર્મચારીઓ ઉચ્ચ અધિકારીના ઓર્ડરને ઘોળીને પી ગયા હતા.

જેથી નર્મદા જિલ્લા વિકાસ અધિકારીની સૂચનાથી નર્મદા જિલ્લાની આરોગ્ય ટીમોએ વિવિધ સ્થળો પર આકસ્મિક ચેકીંગ હાથ ધર્યું હતું.એ ટીમે મુલાકાત લેતા 5 જેટલા મેડિકલ ઓફિસર અને 10 થી વધુ આરોગ્ય કર્મચારીઓ પોતાના ફરજ સ્થળ પર હાજર મળ્યા ન હતા.એ તમામને નોટિસ ફટકારી 4 દિવસમાં ખુલાસો પૂછ્યો છે. નર્મદા જિલ્લા આરોગ્યઅધિકારીએ નર્મદા જિલ્લા વિકાસ અધિકારીએ તમામ અધિકારીઓનો રિપોર્ટ સોંપ્યો છે.આગામી સમયમાં તેઓ પોતે કેમ ગેરહાજર હતા એ બાબતે ખુલાસો રજૂ કરશે એ બાદ જિલ્લા વિકાસ અધિકારી એમની વિરુદ્ધ કડક કાર્યવાહી પણ કરી શકે છે.

નર્મદા જિલ્લા આરોગ્ય અધિકારી ડો. કે.પી.પટેલના જણાવ્યા મુજબ જો આ અધિકારીઓ અને કર્મચારીઓ 4 દિવસમાં યોગ્ય ખુલાસો નહિ આપે તો તેઓ પોતાની ફરજ પ્રત્યે બેદરકાર હોવાનું માની એમની વિરુદ્ધ જરૂરી કાર્યવાહી કરવાની ભલામણ કરવામાં આવશે. ફરજ પર ગેરહાજર રહેનારા નર્મદા જિલ્લાના બોરીયા, બૂંજેઠા, જેસલપોર, નવા વાઘપરા અને ગંગાપુર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસર, સ્ટાફ નર્સ, લેબ ટેક્નિશિયન, મેલ સુપરવાઈઝર, ફિમેલ સુપરવાઈઝર, મેલવર્કર, ફિમેલવર્કર અને ફાર્માશિષ્ટને તથા ગોરા(બોરીયા)ના સીએચઓ અને મેલવર્કરને નોટિસ અપાઈ છે. અને તેમની પાસે ખુલાસો માંગ્યો છે.

રિપોર્ટ : જ્યોતિ જગતાપ (રાજપીપલા)

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!