PSI એસ. એન.ગડુની PCBમાંથી ટ્રાફિક બ્રાંચમાં નિમણુંક
રાજકોટ શહેર પોલીસમાં ફરજ બજાવતાં પીઆઇ એસ.એન.ગડ્ડુની પી.સી.બી. માંથી ટ્રાફિક બ્રાંચમાં પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે નિમણુંક કરી છે. શ્રી ગડ્ડુએ અગાઉ થોરાળા પોલીસ મથકમાં હતાં. ત્યારે તેમજ એસ.ઓ.જી. અને પી.સી.બી. માં પ્રશંસનીય કામગીરી કરી છે. હવે ટ્રાફિક બ્રાંચમાં ચાર્જ સંભાળતાની સાથે જ તેઓ ટીમને સાથે રાખી ટ્રાફિકના નિયમોનો ભંગ કરતાં વાહન ચાલકો સામે કાર્યવાહીનો પ્રારંભ કર્યો હતો.
ફૂલછાબ ચોક. લીમડા ચોક, મોટી ટાંકી ચોક સહિતના રસ્તાઓ પર આડેધડ અને નો પાર્કિંગમાં વાહનો પાર્ક કરનારા ચાલકોને સ્થળ પર મેમો ફટકારાયા હતાં. તેમજ જે વાહનના માલિક હાજર મળ્યા નહોતાં તેની નંબર પ્લેટના મોબાઇલથી ફોટો લઇ ઇ-મેમો મોકલી આપવાની કાર્યવાહી કરવામાં આવી હતી.
અમુક ટુવ્હીલર ચાલકો વાહનમાં નંબર પ્લેટ રાખ્યા વગર કે આઇવે પ્રોજેકટના કેમેરામાં ફોટા ન આવે એ કારણે નંબર પ્લેટના ખુણા વાળીને નીકળતાં વાહન ચાલકોને પણ પકડી લઇ કાર્યવાહી કરવામાં આવી હતી. શ્રી ગડ્ડુએ જણાવ્યું હતું કે શહેરભરમાં હવેથી ગમે ત્યારે ઓચિંતા વાહન ચેકીંગ અને નો પાર્કિંગમાં વાહનો પાર્ક કરનારા સામે કાર્યવાહી કરવામાં આવશે.
રિપોર્ટ : દિલીપ પરમાર (રાજકોટ)