હું વિરોધને લઈને નહીં બોધ લઈને આવ્યો છું: મોરારિબાપુ

હું વિરોધને લઈને નહીં બોધ લઈને આવ્યો છું: મોરારિબાપુ
વ્યારા-સોનગઢ ખાતે યોજાયેલી “માનસ રામકથા” વિરામ પામી
વેળાવદર : તાપી જિલ્લાના સોનગઢ ખાતે પુ. મોરારિબાપુના વ્યાસાસને તારીખ 8 માર્ચથી “માનસ રામકથા”નો પ્રારંભ થયો હતો.આ કથા એ રીતે એક નવા પગરણ પાડી રહી હતી કે જ્યાં વૈશ્વિક સનાતન હિંદુ ધર્મ તરફની શ્રદ્ધા વધુ બળવત્તર બનાવવાની જરૂરિયાત હોય. અગાઉ બાપુએ આજ અનાદિવાસી ભાઈ- બહેનોની વચ્ચે અનેક વખત કથાનું ગાન કર્યું છે. તેમાં વ્યારાની, શબરીધામ અને ખાડાની કથા પણ એ જ ક્રમમાં મુકી શકાય.આ સિવાય પણ બાપુ આ જ પ્રદેશમાં અનેક વખત વ્યાસપીઠ લઈને આવ્યા છે.આ કથાના મનોરથી એવા શ્રી મહેશભાઈ પટેલે કથાના પ્રારંભે સૌનો આભાર વ્યક્ત કર્યો હતો. પોતે ભલે અમેરિકામાં રહે છે પણ આ પ્રદેશ સાથે તેઓનું કોઈ સંધાન, કોઈ જોડાણ છે તેવું તેવું તેમણે જણાવ્યું હતું.
પુ. મોરારિબાપુ એ પોતાની વાણીને પવિત્ર કરતા આજની કથામાં કથાનો ક્રમ ખૂબ ઝડપથી લઈને આગળ વધ્યા હતા. ભગવાન રામનું વિશ્વામિત્ર સાથે મિલન અને રામ લક્ષ્મણનું સીતા સ્વયંવર માટે જનકપુરમાં આગમન અને પછી જાનકીજીના વિવાહનો પ્રસંગ, અયોધ્યામાં ઉત્સવનો માહોલ અને પછી રામ વનવાસ, દશરથજીનું નિર્વાણ અને પછી હનુમાનજીનું લંકા દહન વગેરેના પ્રસંગો સાથે સંક્ષિપ્તિકરણ કરીને રાવણ નિર્વાણની કથા કરીને ફરી અયોધ્યામાં રામરાજ્યના સ્થાપન સુધી કથાને લઈ જઈને વિરામ અપાયો હતો.
પરંતુ બાપુએ સમગ્ર કથાના સાર ગર્ભમાં જઈને કેટલીક સૂત્રાત્મક વાતો કરી હતી. બાપુએ કહ્યું કે આ કથા રખેને કોઈ ના વિરોધની વાત આવી જતી હોય તો જરા સમજવા કોશિશ કરજો. હું કોઈનો વિરોધ લઈને નહીં પરંતુ ગુરુ મહારાજનો બોધ લઈને આવ્યો છું. વિવાદ લઈને નહીં હંમેશા સંવાદ લઈને આવ્યો છું. કોઈનો અપવાદ કે કોઈનો દુર્વાદ નહીં પરંતુ ઉત્તમ શ્લોક ગુણાનુવાદ એટલે ગુણાનુંવાદ લઈને આવ્યો છું.કોઈનો અસ્વીકાર નહીં પણ સૌનો સ્વીકાર, કોઈ લાભ લેવા નહીં પરંતુ આપ સૌના શુભ માટે આવ્યો છું.બાપુએ જે રીતે સનાતન હિંદુ ધર્મના વૈશ્વિક પરિપ્રેક્ષ્યમા જે વાતો રજૂ કરે તે માત્ર સૌને જ્યાં છે ત્યાં સ્થિત્ત રહેવા માટે વિશેષ ભાર મૂકવામાં આવ્યો હતો. બાપુએ એ પણ સ્પષ્ટતા કરી કે કોઈ ખ્રિસ્તી કે અન્ય કોઈ ધર્મ માટે કદી એ વિવાદ કે વિરોધ ન હોય શકે અને સૌને જણાવું કે અગાઉ ભગવાન ઈસુના ધર્મસ્થાન જેરૂસલેમમાં મેં’ માનસ ઈસુ’ એ વિષય ઉપર કથા કરી છે એટલે તેના તરફ કોઈ દુર્વાદ નથી.
મહુવા કૈલાશ ગુરુકુળના સંવાહક શ્રી જયદેવભાઈ માંકડ જણાવે છે કે બાપુએ અગાઉ જ્યારે બ્રાઝિલમાં એમેઝોનમાં કથાનું ગાન કરેલું તે દરમિયાન ત્યાં હોટલમાં સ્થિત સેવકો કર્મચારીઓ કે જે બધા જ ખ્રિસ્તી ધર્મી ભાઈ- બહેનો હતા. તેમણે પોતાનું નામ બદલવા માટે બાપુને વિનંતી કરી અને બાપુએ સાદર તે વાતનો અસ્વીકાર કરીને આપ જે નામધારી છો અને જે ઈષ્ટને માનો છો તે જ શ્રેય સમજો. તેનું જ પાલન કરો. હું કોઈ ધર્મ પરિવર્તનનો હિમાયતી નથી તેવું તેઓએ સાદર જણાવ્યું હતું.
કથા દરમિયાન અનાદિવાસી ભાઈ બહેનોને ભજન, ભોજન અને જરૂરિયાતમંદને જ્યાં પણ ઉપયોગી થઈ શકાય તેવી સેવાઓ મનોરથી પરિવારે ખૂબ ઉત્તમ રીતે કરી હતી. એ રીતે આજે તારીખ 16 માર્ચ 2025ના રોજ 953મી કથાનું સમાપન થયું હતું.બાપુના વ્યાસાસને 954 મી કથા હવે દક્ષિણ અમેરિકા ખંડના આર્જેન્ટિના દેશમાં તા 29 માર્ચથી પ્રારંભાશે.
રીપોર્ટ : તખુભાઈ સાંડસુર
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300