અમદાવાદમાં PSIએ ઈંડાની લારીએ પૈસા નહીં આપી કરી લુખ્ખાગીરી….

ગુજરાતમાં પોલીસની દાદાગીરીના ઘણા કિસ્સાઓ પ્રકાશમાં આવે છે. ઘણી વાર હોટેલમાં પૈસા આપવા બાબતે દાદાગીરી સામે આવે છે તો ઘણી વાત મફતની ચા પીવા બાબતે પોલીસની દાદાગીરી સામે આવે છે ત્યારે અમદાવાદમાં એક પોલીસકર્મીએ લારી પર ભરપેટ ભોજન કર્યા બાદ જ્યારે પૈસા આપવાનો વારો આવ્યો ત્યારે પોલીસકર્મીએ લારીવાળા વ્યક્તિને માર મારીને ખાખીનો રોફ બતાવ્યો હતો. અમદાવાદમાં આવેલા જીવરાજ મહેતા હોસ્પિટલ વિસ્તારમાં પ્રકાશભાઈ નામના વ્યક્તિ છેલ્લા 20 વર્ષથી ઈંડાની લારી ચલાવે છે.
પ્રકાશભાઈની લારી પર રાત્રીના સમયે PSI સિવિલ ડ્રેસમાં આવ્યા અને તેમને ભોજન કર્યું અને ત્યારબાદ એક પાર્સલ બંધાવ્યું હતું. પ્રકાશભાઈએ જ્યારે PSIની પાસેથી ભોજનના પૈસાની માંગણી કરી ત્યારે સિવિલ ડ્રેસમાં રહેલા PSIએ પોતાની લાકડી કાઢીને પ્રકાશભાઈને માર માર્યો હતો. આ ઘટનાને પગલે આસપાસના સ્થાનિક લોકો અને લારી ગલ્લાવાળા લોકો એકઠા થઇ ગયા હતા અને ઈજાગ્રસ્ત થયેલા પ્રકાશભાઈને સારવાર માટે અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ ઘટનાને પગલે પોલીસ ઉચ્ચ અધિકારીઓનો કાફલો ઘટના સ્થળ પર પહોંચ્યો હતો અને સમગ્ર મામલે તપાસ શરૂ કરી હતી.
સ્થાનિક લોકોનો આક્ષેપ પ્રમાણે PSI દારૂ પીધેલી હાલતમાં હતા અને તેઓ લથડીયા ખાતા-ખાતા ચાલતા હતા. સ્થાનિક લોકોએ માગ કરી છે કે, ઈંડાની લારીવાળા પ્રકાશભાઈની ફરિયાદ લેવામાં આવે અને તેના આધારે PSIનું મેડીકલ ચેકઅપ કરાવીને તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે. સ્થાનિક લોકોએ ચીમકી ઉચ્ચારી છે કે, તેમની માગ નહીં સંતોષાય તો આગમી દિવસોમાં આંદોલન કરવામાં આવશે.
અલ્પેશ રાઠોડ (અમદાવાદ)