વડોદરામાં ચીલો ચાતરનારી ૧૪ મહિલાઓનું સન્માન કરીને ઉજવાશે મહિલા દિવસ
વડોદરા,
આમ તો વિશ્વ મહિલા દિવસ ૮મી માર્ચના રોજ ઉજવવામાં આવે છે. પરંતુ સ્વૈચ્છિક સેવા સંસ્થા દિપક ફાઉન્ડેશને તા.૭મી માર્ચના રોજ અનોખી રીતે વિશ્વ મહિલા દિવસ ઉજવવાનું આયોજન કર્યું છે. જેમાં ચીલો ચાતરીને સમાજની માર્ગદર્શક બનનારી પરંતુ પ્રચારથી પર રહીને મુકપણે પોતાનું કામ કરતી બહેનોને ચેન્જ મેકર એવોર્ડથી સન્માનિત કરીને એમનું કામ સમાજ સમક્ષ મૂકવાનું આયોજન કરવામાં આવ્યું છે. ચેન્જ મેકર એટલે કે સકારાત્મક સામાજિક પરિવર્તનની સૂત્રધાર આ મહિલાઓ પ્રસિદ્ધિથી દૂર રહી, ગ્રામ્ય વિસ્તારમાં સંકલ્પબદ્ધ રીતે પોતાનું કામ કરી રહી છે. આ ૧૪ મહિલાઓમાં ૧૨ મહિલાઓ ગુજરાતની અને એક તેલંગાણા અને ૧ મહારાષ્ટ્રની છે. શનિવાર, તા.૭ મી માર્ચના રોજ બપોરના ૩ વાગ્યે આજવા રોડ પર આવેલા સ્ટેટ ઇન્સ્ટિટ્યૂટ ઓફ હેલ્થ એન્ડ ફેમિલી વેલ્ફેર ખાતે આયોજિત કાર્યક્રમમાં કથ્થક વિભૂતિ પદ્મશ્રી કુમુદીની લાખીઆ, શિક્ષણવિદ પ્રો.(ડો.)ભાવના મહેતા, નાટ્યવિદ અપ્સરા આયંગર અને પર્વતારોહક પ્રાચી વૈદ્યની ઉપસ્થિતિમાં તેમનું બહુમાન કરવામાં આવશે.