કોરોના વાયરસ સામે અમરેલી જિલ્લા આરોગ્ય તંત્ર સજ્જ

- જિલ્લા કલેકટરશ્રી આયુષ ઓકની અધ્યક્ષતામાં પ્રેસ કોન્ફરન્સ યોજાઈ
- જિલ્લામાં વિવિધ જગ્યાએ અંદાજે ૫૦ બેડના આઇસોલેશન વોર્ડ તૈયાર
- સેમ્પલ કલેક્શનની સુવિધા ઉભી કરાઈ
- ૬૫ જેટલા બેડની કોરન્ટાઇન સુવિધા
- ૪૬ જેટલા મુસાફરો પૈકી ૨૧નું હોમ કોરન્ટાઇન પૂર્ણ અને ૨૫ પ્રક્રિયા હેઠળ
- હોમ કોરન્ટાઇન પૂર્ણ થયેલા મુસાફરોનું રી-સ્ક્રીનિંગ કરશે
- પોપાવાવ પોર્ટ ખાતે વિશેષ સુવિધાઓ ઉભી કરાઈ
- આરોગ્ય કર્મીઓને કોરોના અંતર્ગત વિશેષ તાલીમ અપાઈ
- સરકારી કચેરીઓ, ધાર્મિક સ્થળો/ પાર્ટી પ્લોટ હોર્ડિંગ-બેનર લગાવશે
- એસ.ટી. વિભાગ દ્વારા બસોના સેનિટાઇઝેશન અંગે કર્મચારીઓને ખાસ તાલીમ
- હાલ આયુર્વેદ વિભાગ દ્વારા કોરોના પ્રતિબંધક ઉકાળાનું વિતરણ ચાલુ
- એરપોર્ટ ખાતે આવતી ફ્લાઇટ્સ ઉપર ખાસ દેખરેખ
- જાહેર સ્થળોએ થૂંકવા પર પ્રતિબંધ: રૂ. ૫૦૦નો દંડ વસૂલાશે
- માસ્ક, સેનિટાઇઝર જેવી આવશ્યક ચીજવસ્તુઓનો સ્ટોકની સમીક્ષા કરાઈ
- જિલ્લામાં તમામ જાહેર કાર્યક્રમો રદ
અમરેલી,
જિલ્લા કલેકટરશ્રી આયુષ ઓકની અધ્યક્ષતામાં જિલ્લામાં નોવેલ કોરોના વાયરસ અંતર્ગત થયેલી કામગીરી અંગે પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી. સમગ્ર અમરેલી જિલ્લામાં અંદાજે ૫૦ બેડના આઇસોલેશન વોર્ડ તૈયાર કરવામાં આવ્યા છે. જેમાં અમરેલી સિવિલ હોસ્પિટલના આઇસોલેશન વોર્ડમાં ૨૫ બેડની વ્યવસ્થા તેમજ ૫ ખાનગી હોસ્પિટલો સાથે એમ.ઓ.યુ. કરી ૪ અમરેલીની અને ૧ સાવરકુંડલાની હોસ્પિટલમાં આઇસોલેશન વોર્ડની વ્યવસ્થા કરવામાં આવી છે.
જિલ્લામાં અમરેલીના શિક્ષણ તાલીમ ભવન ખાતે ૩૦ બેડની, ચિતલ સી.એચ.સી ખાતે ૧૫ બેડની અને લીલીયા સી.એચ.સી ખાતે ૨૦ બેડ એમ કુલ મળી ૬૫ જેટલા બેડની કોરન્ટાઇન ફેસીલીટી ઉભી કરવામાં આવી છે. પીપાવાવ પોર્ટ ખાતે ૨૪ કલાક મેડિકલ ટીમ અને વેન્ટીલેટર એમ્બ્યુલેન્સને હાજર રાખવામાં આવે છે અને એમના દ્વારા પોર્ટ ઉપર થતી અવર-જવર ઉપર દેખરેખ રાખવામાં આવે છે. અમરેલી જિલ્લામાં કુલ ૪૫ જેટલા મુસાફરો નોંધાયેલા છે અને તે પૈકી ૨૧ જેટલા મુસાફરોનું હોમ કોરન્ટાઇન પૂર્ણ થયેલ છે અને ૨૪ જેટલા મુસાફરો હોમ કોરન્ટાઇન હેઠળ છે.
આ તમામ કેસોનું દૈનિક હેલ્થ ચેક-અપ અને સ્ટેટસની કામગીરી કરવામાં આવે છે. આ ઉપરાંત સરકારની સૂચના અનુસાર હોમ કોરન્ટાઇન પૂર્ણ થયેલા મુસાફરોનું ફરી રી-સ્ક્રીનીંગ કરવામાં આવશે. જિલ્લાના જન સેવા કેન્દ્રો, પોલીસ સ્ટેશન, સબ રજિસ્ટ્રાર ઓફિસ જેવી તમામ સરકારી કચેરીઓ ઉપર લોક જાગૃતિ માટે પોસ્ટર-બેનર્સ લગાવવામાં આવશે. સર્વેલન્સ ટીમ ઘરે ઘરે જઈને લોકોને માહિતગાર કરે છે. આ ઉપરાંત આરોગ્ય વિભાગ દ્વારા જિલ્લાની તમામ પી.એચ.સી/ સી.એચ.સી., આંગણવાડી, આશા વર્કરોને તેમજ ક્લસ્ટર સહિતના તમામ શર્મીઓને રોગચાળા અંતર્ગત શું કરવું- શું ન કરવું તે બાબતે માહિતગાર કરવામાં આવ્યા છે જેથી બીજા લોકોને માહિતી આપી શકે.
મંદિર-મસ્જિદ સહિતના તમામ ધાર્મિક સ્થળોએ હોર્ડિંગ-પોસ્ટર્સ-બેનર્સ લગાવવા સૂચના આપવામાં આવી છે. જિલ્લાના એસ.ટી. વિભાગ દ્વારા બસોના સેનિટાઇઝેશન અંગે કર્મીઓને તાલીમ અપાઈ છે. જિલ્લામાં ૧૦૮ના તમામ સ્ટાફ મેમ્બરોને કોરોના વાયરસ અંગે તાલીમબદ્ધ કરવામાં આવ્યા છે. જિલ્લાના તમામ સરકારી આયુર્વેદિક દવાખાનાઓમાં વિનામૂલ્યે કોરોના પ્રતિરોધક ઉકાળાનું વિનામૂલ્યે વિતરણ હાથ ધરવામાં આવ્યું છે. આ ઉકાળાનું સતત ૫ દિવસ સુધી સેવન કરવાથી અત્યંત ઉપયોગી નીવડે છે.
કોરોના વાયરસ અંગે જિલ્લાના તમામ સરકારી અને ખાનગી તબીબોને દર્દીની મુસાફરીનો ઇતિહાસ સહીતની તમામ વિગતો નોંધવા જણાવવામાં આવ્યું છે. આ અંગે જિલ્લા આરોગ્ય અધિકારીશ્રીએ લેખિતમાં તમામને સૂચના આપી છે. અમરેલીમાં સુરતથી આવતી ફ્લાઈટ્સની દેખરેખ રાખવામાં આવી રહી છે. સરકાર દ્વારા થૂંકવા ઉપર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે તો જિલ્લામાં એનું ચુસ્તપણે પાલન થાય તે દિશામાં તંત્ર કાર્ય કરી રહ્યું છે. માસ્ક અને સેનિટાઇઝર્સ જેવી આવશ્યક ચીજવસ્તુઓના જથ્થા અંગે સબંધિત અધિકારીઓ સાથે સમીક્ષા પણ કરવામાં આવી છે.
રાજુલાની રામકથા સહિતના જિલ્લામાં તમામ જાહેર કાર્યક્રમો પણ રદ કરવામાં આવ્યા છે. આ પ્રેસ કોન્ફરન્સમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી તેજસ પરમાર, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી એચ.એફ.પટેલ, ડો. સિંઘ, ડો. પટેલ સહિતના તમામ આરોગ્ય કર્મીઓ તથા પત્રકારમિત્રો ઉપસ્થિત રહ્યા હતા.
રીપોર્ટ : રસિક વેગડા (મોટીકુકાવાવ)