બકાના ગતકડાં : “ઓફિસની ગોલમાલ”

બકાના ગતકડાં : “ઓફિસની ગોલમાલ”
Spread the love

બકાના ગતકડાં ભાગ 3
“ઓફિસની ગોલમાલ”

ઓફિસમાં કામ કરતાં કરતાં વાઈબ્રેટ મોડ ઉપર રાખેલા ફોનમાં લાઈટીંગ થતાં બકાની નજર એ ભણી ખેંચાઈ. એક ધીમી સીટી વગાડીને ફોન રિસીવ કર્યો. “બોલને ડાર્લિંગ……!”

આખી ઓફિસમાં સન્નાટો છવાઈ ગયો. મોટાભાગનાએ કામમાંથી ઊંચું ડોકું કરીને બકાની સામે જોયું. બકાની બરાબર સામેના ટેબલવાળા અંસારીએ નાકની દાંડીએ ઉતરી ગયેલાં ચશ્માંના કાચમાંથી જોતાં જોતાં બેય આઈબ્રો ઊંચે ચઢાવી ને ડોકું ઊંચું કરીને ઇશારાથી પૂછ્યું, ‘કોણ છે લ્યા આ ડાર્લિંગ ?’

સામે બકાએ પણ બેય આઈબ્રો ઊંચે ચઢાવીને અને ડોકું વન સાઈડ ઝટકાવીને નોન વર્બલ જવાબ આપ્યો ,’લ્યા છે… બોલ નથી કે’વું…!’
“આવી જા ઓફિસે. અહીં અમારે હમણાં કોરોના છે.”

“હેં ? તારી ઓફિસમાં …કેટલાને કોરોના થયો ? ઓફિસમાંથી થયો ? ”

” કોર્પોરેશન નું હેલ્થખાતું ડોર ટુ ડોર જઈને ડેન્ગ્યુના મચ્છર અને પોરા શોધે છે. પોરા મળે તો ફલાણાને ઓફિસમાંથી ડેન્ગ્યુ થયો એવું જાહેર થાય. પણ સાલું આ રીતે હેલ્થ ખાતાવાળા કોરોના વાયરસના ઈંડા ગોતવા આવે છે એ મને ખબર નથી…!ને જો આવે તો પાકું કહી શકું કે આ ઓફિસમાંથી કોરોના થઈ શકે કે નહીં ?!!!

ઓ હેલ્લો…… મેં એમ કહ્યું કે આવી જા ઓફિસે , મીન્સ હું ઓફિસે છું.તારે મળવું હોય તો અહીં આવ. અને હમણાં અમારે અહીં કોરોના છે મીન્સ; એ કારણથી કામની હળવાશ છે. મારી જોડે રહીને ય…” બકાએ ફોન ડિસ્કનેક્ટ કર્યો.

“બકા… આ ડાર્લિંગ કોણ છે ?” અંસારીથી ન રહેવાયું.

બકાના બદલે ચાની ટ્રે લઈને આવી રહેલાં પંચુ પટાવાળા એ જવાબ આપ્યો :”શું તમે ય તે …સંસ્કાર જેવું કંઈ છે કે નહીં ? બકાભાઈ એમ શું તમને લાઈનમારૂં લાગે છે ? ડાર્લિંગનો અર્થ છે વ્હાલું.એટલે ડાર્લિંગ તો કોઈને પણ કહી શકાય…”

“પણ આમ તો…”

“હમણાં આવે જ છે. જોઈ શું ,મળી જ લેજો.” બકાએ ચપટી વગાડી.

હવે કોણ આવે છે એ ઉત્સુકતામાં આખી ઓફિસના પેટમાં ગુડગુડિયા થવા માંડ્યા. ધીમે ધીમે બધા કામમાં પરોવાયાં. ઓફિસની સામાન્ય આવ-જા વચ્ચે એક નખશિખ હેન્ડસમ યુવાન અંદર પ્રવેશી બકાના ટેબલ પાસે પહોંચ્યો. એને જોઈ બકો ઊભો થયો. ખુરશીની બહાર નીકળી હસુ હસુ થતો મિત્રને ભેટ્યો. ને વાંસામાં જોરથી ધબ્બો મારતાં બોલ્યો:”અલ્યા ક્યારના રાહ જોઈએ છીએ.”

હવે બધાનું ધ્યાન ત્યાં ખેંચાયું.બકાએ જરા મોટા અવાજે કહ્યું :”લેટ્સ મીટ માય ડાર્લિંગ ફ્રેન્ડ જીગો.જીગા આ બધા તને પહેલીવાર મળે છે ; તો ચાલ હું તને બધાનો પરિચય કરાવું.”

સૌથી પહેલો એની સામેવાળા અંસારીના ટેબલે ગયાં.”ઓય… અંમુ ડુ યુ સી માય ડાર્લિંગ ? બોલ હવે…!”

“શું યાર આખા એક્સાઇટમેન્ટની પત્તર ખાંડી નાખી…”અંસારીએ મોઢું બગાડ્યું.

“જીગા મીટ માય કુલીગ મિસ્ટર મુનીમ અંસારી ઉર્ફે અમ્મુ…!” એમ એક ટેબલ પરથી બીજા ટેબલે જીગાને ફેરવતો રહ્યો અને અસ્ખલિત

વાકધારાએ જે જીગાએ સાંભળ્યું તે અચંબિત કરનારું હતું.” મીટ મિસ્ટર સિસોટી ઉર્ફે સિમરીયા મોહનલાલ તિલકરામ. અમારા સિનિયર બ્રાન્ચ મેનેજર. આ છે કુમારી પનઘટ પંડિત ઉર્ફે પમપમ આખો દિવસ ફિગર મેઇન્ટેઇન કરવાના ચક્કરમાં લો કેલેરીવાળા બિસ્કિટ સિવાય કંઈ લે નહીં. છેને પાતળી પમપમ…!!!” જીગાએ જોયું ગુસ્સે થવાને બદલે પેલી ય મરકમરક હસતી હતી…!!!

એક બિલકુલ ફ્રેશ યુવાન પાસે જઈને બકાએ એનો આઘાતજનક ઈન્ટ્રો આપ્યો :”આ છે વાંદરો. વાઘબકરી નરેશ રમતાલાલ એટલે કે વાનર ઉર્ફે વાંદરો. એની બાજુમાં છે કાજુ ઉર્ફે કાજલ ઉર્ફે કાકડીવાલા જમનાકુમારી લખમનદાસ.ને આ સામે દેખાય એ અમારા બોસ ડોન ઉર્ફે દલપતસિંગ ઓમકારનાથ નાકવાલાની કેબીન .” પચાસી વટાવી ગયેલી કાજુની કાયા ઉપર જામેલી સ્થૂળતા જોઈ એનું નામ બંધ બેસતું ન જ લાગ્યું.

“અલ્યા આમ ઉઘાડે છોગ જેમતેમ ના બોલ… પણ આ કોઈ તારો વિરોધ નથી કરતાં.ઉપરથી એન્જોય કરે છે. એ નવાઈની વાત છે.”

“ઘરની ચિંતાઓ…, ઓફિસની ચિંતાઓ… ને બીજી પર્સનલ ચિંતાઓ તો ખરી જ…! એટલે સિમ્પલી અમે એકબીજાને હસીને હળવા રહીએ છીએ. અમારા બોસનેય ખબર છે કે અમે એનું નામ ડોન પાડ્યું છે.” જીગો તો આભો જ થૈ ગ્યો.!!!

ત્યાં તો પંચુ કોફી લઈને આવ્યો.”જો આ પંચુ ઉર્ફે પંકજ ચુનારા. મારો ખાસ માણસ. મારે કોઈ ખાસ કામે એક-બે કલાક બહાર જવું હોય તો આ પંચુ મારું ટેબલ સંભાળી લે.”

“તારે વળી એવા શું કામ હોય અગત્યના ?”

“બસ ખાસ કંઈ નહીં. આ તો કોક દિવસ પકોડી ખાવા જઉં…!”જીગાને યાદ ના આવ્યું કે બકો પકોડીનો શોખીન ક્યારથી થઈ ગયો !!!

” યાર તારી વાતોમાં મને કશી ખબર નથી પડતી.”

“અરે મારા તો નંબરે એવા સેવ કરેલાં હોય ને કે મને જ ખબર પડે.” જીગાએ જોયું તો એનો પોતાનો નંબર ડાર્લિંગ નામથી સેવ કરેલો.

પત્નીનો મેરી જાન ,દીકરાનો જાનેમન, કોઈનો આલુ તો કોઈનો ભજીયા ,કોઈનો ચા ને એક નંબર તો હલવો…! ઓ માય ગોડ !!!

“અલ્યા ચા એટલે ચાની કિટલીવાળાનો નંબર ને ? હલવો એ વળી કોણ ?”

“અલ્યા ડોબા ચા એટલે ચા. ચા વગર સવાર પડે ? તો ચા જેવુંય કોક હોય ને…”

“ઓત્તારી…એટલે તારી પેલી… પડોશણ !!! માય ગોડ યાર ભાભી જોવે તો …?”

“તને વાંચીને શું લાગ્યું’તું ? તો એને શું ખબર પડે ? એ તો મેરી જાન વાંચીને જ એટલી ખુશ થઈ જાય છે કે બીજું કંઈ ના જોવે.”

“હંમમમમ……ને આ હલવો ?!!”

“અલ્યા હમણાં તો વાત કરી પકોડી ખાવાની… પકોડી તો હલવો જ ખાય… હું તો અમથો એને કંપની આપવા ઊભો હોઉં ખાલી…!!!”

‘હલવો પકોડી ખાય ?! હેં ?! એટલે…??????’ અર્થગ્રહણની પરીક્ષામાં નાપાસ થઈને મૂંઝાયેલો જીગો હજી કોમામાં જ છે.

  • નિકેતા વ્યાસ – કુંચાલા

01 IMG-20200320-WA0003.jpg

Admin

Takhubhai

9909969099
Right Click Disabled!