“બકાના ગતકડાં – લોક ડાઉન 1″ (ભાગ-5)

“બકાના ગતકડાં ભાગ 5”
લોક ડાઉન 1
“આજથી સમગ્ર ગુજરાતમાં લોક ડાઉનનો આદેશ.આવશ્યક કારણ સિવાય ઘરની બહાર ન નીકળવા અપીલ.હાલ પૂરતો ચોવીસથી એકત્રીસ માર્ચ સુધી લોક ડાઉનનો અમલ.જનતા જો લોક ડાઉનનું કડક પાલન નહી કરે તો કરફ્યુ લાગુ થવાની સંભાવના .” ટીવીમાં સમાચાર જોતા જોતા શાક સમારતાં બકાએ ટીવીનો અવાજ ધીમો કર્યો.
“તુરી …એય…..તુ….રી…..”
“ શું બનાવવાનું છે આજે બોલો.”બાજુમાં બેસીને મોબાઈલમાં વ્યસ્ત પત્ની બોલી.
“તને ખબર કેવી રીતે પડી જાય છે કે હું તને શું કહેવાનો છું ?”
“આ તમે જે સ્ટાઇલથી તુ…રી…બોલો છોને એના ઉપરથી.”
“અચ્છા…તારા માટે શું ઈમ્પોર્ટન્ટ છે ?”
“એઈ…. મારો ડાયલોગ નહી બોલવાનો…”બેયથી ખડખડાટ હસી જવાયું.એકવીસ વર્ષ પહેલાં નવા નવા પરણીને હનીમુન કરવા ગોવા ગયેલાં ત્યારની એ વાત બેયને તાજી થઈ આવી.
બીચ ઉપર ફરતાં ફરતાં કોઈ પિકચરનું શુટીંગ જોવાં ઊભા રહ્યાં.એટલી બધી ભીડમાં કસ્તુરીને બરાબર દેખાય નહી. એટલે ઊંચીનીચી થયા કરે. બકાએ રીતસરની તેડી જ લીધી.હિરોઈનને ગુંડાઓ ઉઠાવી જતાં હોય અને હીરોની એન્ટ્રી થાય….દે ધનાધન મારામારી ચાલુ……સાલું પહેલીવાર ખબર પડી કે સાચેસાચ કોઈ એકબીજાને મારતાં નથી હોતા. હીરોને જીપમાં બેસાડીને ક્રેનથી જીપને એક જહાજ ઉપર લેન્ડ કર્રી.અને જ્યારે મુવી થિયેટરમાં જોયું ત્યારે તો હીરો જીપ હવામાં કુદાવીને જહાજ ઉપર લેન્ડ થાય છે એવું બતાડ્યું હતું બોલો !!!
આ મુવી તો બકાએ અગણિત વખત જોયું હશે.એનું એક મખમલી કારણ પણ હતું.
અચાનક હીરોને ઈજા થતાં શૂટિંગ ખોરવાઈ ગયું.બકો જે રીતે કસ્તુરીને તેડીને ઊભો હતો,એ ક્યારનો કેમેરામેનની નજરમાં હતો.કેમેરામેને ડાયરેક્ટરને કઈક કહ્યું.એક માણસ બકા પાસે આવ્યો અને એને ડાયરેક્ટર બોલાવે છે એમ સંદેશો આપ્યો.દૂરથી આવતી આ નવપરિણીત જોડીને બધાં જોઈ જ રહ્યાં.સૌથી નોટીસેબલ બકાની છ ફૂટની હાઈટ, મોટી મોટી નિર્દોષ આંખો,સિલ્કી વાળ ,ગુલાબી હોઠ ઉપર આકર્ષક મૂછો ,અણીયાળું નાક,પહોળું કપાળ,ફેર સ્કીન અને બ્રાન્ડેડ ડ્રેસિંગ સાથે સૌથી કાતિલ તો એનું સ્માઈલ હતું.એ જરાક હોઠ ખેંચે… અને જે સ્મિત લકીર દેખાય એમાં ભલભલાં ક્લીન બોલ્ડ થઇ જતાં.
કસ્તુરી પણ ઈન્દ્રની અપ્સરાઓને ઝાંખી પાડે એમ હતી.સાડા પાંચ ફૂટની ઊચાઇ,સપ્રમાણ ઘાટીલું શરીર, ગોરો વાન, ફેશનેબલ આઉટફીટસ, લેટેસ્ટ હેરકટ સાથે મોટી અણીયાળી આંખો એના છટાદાર વ્યક્તિત્વને અલગ લુક આપતી હતી.
ડાયરેક્ટરે ધીમેથી પ્રસ્તાવ મુક્યો.જો બકો રાજી હોય તો આ લોકેશન પર સુર્યાસ્ત પહેલાં હીરોના ડમી તરીકે એને લઈને હીરો-હિરોઈનની પહેલી મુલાકાતનો એક રોમેન્ટિક સીન શૂટ કરવો છે. બકો કઈ બોલે એ પહેલા જ ક્સ્તુરીએ સંમતિ આપી દીધી. સીન સમજાવાયો.સીન ગોઠવાયો.કેમેરો બકાની પાછળ. હિરોઈનનો ફ્રન્ટ સાઈડ ફેસ અને ડાયલોગ :”કૌન હો તુમ ? જો ભી હો મેરે લિયે ફરિશ્તે સે કમ નહી.”
બોલતાંકને બકાનો હાથ પકડીને ચૂમ્યો.સીન ઓકે થઈ ગયો.પણ કસ્તુરીના દિમાગમાં વારંવાર એના રીટેક થતાં રહ્યાં.હિરોઈન જાનાની આંખો પણ ઘણું બધું કહેતી હતી.એ વાંચી ગયેલી કસ્તુરીએ રીતસરનો ઉધડો લઈ લીધો.”સીન સમજાવ્યો ત્યારે તો આ હાથ ચૂમવાનું નહોતું સમજાવ્યું.એણે તારા હાથે કિસ કેમ કરી ? અને તું કેમ કઈ નાં બોલ્યો ?”
હોટલમાં ગયાં પછી ક્સ્તુરીએ જાતે સાબુ અને સ્ક્રબરથી ઘસી ઘસીને બકાનો હાથ ધોયો.બકાનો આમાં વાંક ક્યાં હતો ?છેવટે બોલી બોલીને થાકેલી કસ્તુરી બકાને હીબકાં ભરી ભરીને રોઈ.બકાએ રડવા દીધી. મન શાંત થયા પછી એણે બકાને એટલું જ પૂછ્યું : “તારા માટે શું ઈમ્પોર્ટન્ટ છે ?”
“ તું.“ એની આંખોમાં આંખો પરોવીને બકાએ જવાબ આપ્યો. કસ્તુરીના બત્રીસે કોઠે દીવા ઝળહળી ઊઠ્યાં.
“તો ચાલો અત્યારે જ અમદાવાદ પાછા જતા રહીએ.મારે અહી બિલકુલ નથી રહેવું.” તરત જ એ હોટલ અને એ જગ્યા છોડી નીકળી ગયેલાં બકા માટે કસ્તુરીનો આ ડાયલોગ જીવનભરનું સંભારણુ બની ગયો.
બકાએ ચપટી વગાડતાં કહ્યું :” મેડમ ગોવા થી અમદાવાદ પાછા પધારો.આજે મસ્ત ટેસ્ટી પાંવભાજી ખવડાવો એવી ગુજારીશ છે.”
“ જી હુજુરે આલા…” કહેતી મલકાતી કસ્તુરી રસોડામાં ગઈ.
બકાનું મન પાછું ગોવા પહોચી ગયું.બકો નીકળી ગયા પછી જાનાનો માણસ એને મળવા આવ્યો હતો.હોટલના રીસેપ્શન પરથી મળેલા ઓફીસના ફોન નંબર ઉપર અઠવાડીયા પછી જાનાનો ફોન આવ્યો.અને આવતો રહ્યો…આટલાં વર્ષોમાં એના મળવાના સતત આગ્રહ પછીએ ક્યારેય ન મળેલો બકો એના હૈયે વસી ગયો હતો.
જીવનની ઘટમાળો વચ્ચે ય બેયની મિત્રતા હજી અકબંધ હતી.એની યાદ સાથે જ બકાના મગજમાં ગીત ઊભરી આવ્યું…….
“ સમય કી ધારા મેં ઉમર બહે જાની હૈ…
દો ઘડી જી લેંગે વહી રહે જાની હૈ…..
મૈ બન જાઉં સાંસ આખરી તું જીવન બન જા….
મૈ નાં ભુલુંગા…. મૈ નાં ભુલુંગી..”
– નિકેતા વ્યાસ – કુંચાલા