મોરબીની મામલતદાર કચેરીએ મંજૂર થયેલા ઉદ્યોગોના પાસ લેવા માટે ધસારો

બે દિવસમાં મંજૂરી મળી હોય એવા એકમોને પાસ આપવાની કાર્યવાહી શરૂ
મોરબી : મોરબી જિલ્લામાં ગ્રામણી વિસ્તારોમાં જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જુદાજુદા ઉધોગોને શરતોને આધીન ચાલુ કરવાની મંજૂરી આપવામાં આવી છે.ત્યારે લોકડાઉનમાં ઉધોગોમાં જવા આવવા માટેના પાસ લેવા આજે મામલતદાર કચેરીમાં ધસારો થયો છે. મામલદાર કચેરી દ્વારા પાસ ઇસ્યુ કરવાની યોગ્ય વ્યવસ્થા ગોઠવવામાં આવી છે અને છેલ્લા બે દિવસમાં જે ઉધોગોને મંજૂરી મળી હોય તેવા એકમોને પાસ ઇસ્યુ કરવાની કાર્યવાહી હાથ ધરી છે.
મોરબી તાલુકા સેવાસદનમાં આવેલી મામલતદાર કચેરીમાં ઉધોગોના લોકડાઉન માટે પાસ ઇસ્યુ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જોકે સિસ્ટમ એવી રીતે ગોઠવવામાં આવી છે કે જેને ઓનલાઈન મંજૂરી મળી હોય તેનું લિસ્ટ બીજા દિવસ મામલતદાર પાસે આવી જાય છે. જેથી, મામલતદાર જે તે કંપનીના પાસ કાઢી રાખે છે. પાસ ઇસ્યુ કરવાની કામગીરી માટે ગઈકાલે પાંચ ટેબલ અને આજે ચાર કે પાંચ કાઉન્ટરની વ્યવસ્થા કરી છે. અને સામાજિક અંતર જળવાઈ તથા લોકોને હાલાકી ન પડે તેની તકેદારી રાખવામાં આવી છે.
ગઈકાલે જેને મંજૂરી મળી હોય તેનું લિસ્ટ આવી જતા મામલતદારે પાસ ઇસ્યુ કરવાની કાર્યવાહી હાથ ધરી હતી. છેલ્લા બે દિવસમાં જે કંપનીને મંજૂરી મળી હોય તેવી કંપનીઓને પાસ આપવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જિલ્લામાં જે તે તાલુકામાં ફેકટરી આવતી હોય એને જ મંજૂરી આપવામાં આવે છે. એટલે માત્ર મોરબી જિલ્લાના ગ્રામીણ વિસ્તારોમાં જ ફેક્ટરીઓને શરતોને આધીન મંજૂરી આપવાની પ્રક્રિયા ચાલી રહી છે. ત્યારે જે કંપનીને ઓનલાઈન મંજૂરી મળી હોય તેવી કંપનીઓને ઓનલાઈન મંજૂરીની કોપી આપ્યા બાદ જ પાસ ઇસ્યુ કરવામાં આવે છે.
રીપોર્ટ : જનક રાજા, મોરબી