કપડવંજ – પુરપાટ ઝડપે દોડતી લોડીંગ રીક્ષા રોડની સાઈડમાં ઉભેલી ટેન્કર પાછળ ઘુસી ગઈ
- પિતાએ બેદરકારીપૂર્વક લોડીંગ રીક્ષા હંકારતાં સર્જાયેલા અકસ્માતમાં પુત્રએ જીવ ગુમાવ્યો
- સવાર એક યુવકનું મોત નિપજ્યું – યુવકના પિતા-કાકાને સામાન્ય ઈજા પહોંચી
નડિયાદ : આતરસુંબામાં રહેતાં ગઢવી પરિવારના ત્રણ વ્યક્તિઓ વહેલી સવારના સમયે લોડીંગ રીક્ષામાં દુધ-છાશના કેરેટ ભરી કપડવંજ જતાં હતા. તે વખતે કપડવંજ નજીક રોડની સાઈડમાં ઉભેલી ટેન્કર પાછળ ધડાકાભેર રીક્ષા ઘુસી જતાં અકસ્માત સર્જાયો હતો. જેમાં 22 વર્ષીય યુવકનું માથાના ભાગે ગંભીર ઈજા પહોંચવાને કારણે મોત નિપજ્યું હતું. જ્યારે મૃતક યુવકના પિતા અને કાકા ને સામાન્ય ઈજા પહોંચી હતી. આ અંગે મળતી માહિતી મુજબ કપડવંજ તાલુકાના આતરસુંબા ગામમાં આવેલ કુવાવાળી ફળીમાં રહેતાં જનકકુમાર શંકરલાલ ગઢવી અમુલ દુધની એજન્સી ધરાવે છે. આજરોજ વહેલી સવારે પાંચ વાગ્યાના અરસામાં જનકભાઈ, તેમનો 22 વર્ષીય પુત્ર રાજદીપ અને ભાઈ દિપકભાઈ શંકરલાલ ગઢવી અતુલ લોડીંગ રીક્ષા નં જીજે 09 વી 8863 માં દુધ-છાશના કેરેટ ભરી આતરસુંબાથી કપડવંજ જવા નીકળ્યાં હતાં.
જનકભાઈ રીક્ષા ચલાવતાં હતાં. તેમની બાજુની સીટમાં તેમનો પુત્ર રાજદીપ બેઠો હતો. અને પાછળના ભાગમાં તેમનો ભાઈ દિપકભાઈ બેઠાં હતાં. સાડા પાંચ વાગ્યાના અરસાંમાં તેઓ કપડવંજ નજીક જલોયા તળાવ પાસેથી પુરપાટ ઝડપે પસાર થઈ રહ્યાં હતાં. તે વખતે જનકભાઈએ એકાએક સ્ટેયરીંગ પરનો કાબુ ગુમાવતાં રીક્ષા રોડની સાઈડમાં ઉભેલા ટેન્કર નં એમપી 09 એચજી 6760 સાથે ધડાકાભેર અથડાઈ હતી. રીક્ષા પલ્ટી ખાઈ જતાં રીક્ષામાં ભરેલો સામાન રોડ પર વિખરાઈ ગયો હતો. તેમજ રીક્ષામાં સવાર જનકભાઈ અને દિપકભાઈને શરીરમાં વત્તાઓછા પ્રમાણમાં ઈજા પહોંચી હતી. જ્યારે રાજદીપને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી. જેથી તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ બોલાવી રાજદીપને સારવાર માટે કપડવંજમાં આવેલ જે બી મહેતા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ફરજ પરના તબીબે રાજદીપ જનકભાઈ ગઢવી (ઉં.વ 22) ને તપાસ્યાં બાદ મૃત જાહેર કર્યો હતો. આ બનાવ અંગે આતરસુંબા પોલીસે અતુલ લોડીંગ રીક્ષાના ચાલક જનકકુમાર શંકરલાલ ગઢવી સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.