ખેડા જિલ્લામાં લોકડાઉનનો ભંગ કરનાર વધુ 73 શખ્સો ઝડપાયાં
નડિયાદ : કોરોના વાઈરસને પગલે ખેડા જિલ્લામાં 144 ની કલમ લાગુ કરી ચાર કરતાં વધુ વ્યક્તિઓ એકત્રિત થવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. તેમ છતાં જિલ્લાના વિવિધ ઠેકાણે બેજવાબદાર વ્યક્તિઓ ટોળામાં એકત્રિત થઈ આ જાહેરનામાનો ભંગ કરી રહ્યાં છે. આવા લોકો સામે જિલ્લા પોલીસ તંત્ર કડકાઈ દાખવી રહ્યું છે. અને પેટ્રોલીંગ, ડ્રોન કેમેરા, સીસીટીવી કેમેરા તેમજ વોટ્સએપ મારફતે આવા બેજવાબદાર વ્યક્તિઓને પકડી પાડવા પોલીસ તંત્ર કામે લાગ્યું છે. વીતેલા ચોવીસ કલાક દરમિયાન ચકલાસી પોલીસે 1, ડાકોર પોલીસે 2, કપડવંજ ટાઉન પોલીસે 5, કઠલાલ પોલીસે 6, મહેમદાવાદ પોલીસે 27, મહુધા પોલીસે 8, નડિયાદ રૂરલ પોલીસે 1, નડિયાદ ટાઉન પોલીસે 15, નડિયાદ પશ્ચિમ પોલીસે 6 અને સેવાલિયા પોલીસે 2 વ્યક્તિઓ ને પકડી પાડ્યાં હતાં. આમ ખેડા જિલ્લામાંથી કુલ 73 વ્યક્તિઓ લોકડાઉનનો ભંગ કરતાં પોલીસના હાથે પકડાયાં હતાં. આ તમામ શખ્સો વિરૂધ્ધ પોલીસે આઈપીસી કલમ 188 મુજબનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
રિપોર્ટ : સંકેત સુથાર (નડિયાદ)