થરાદના 15 કોમ્પલેક્ષના માલિકોએ દુકાનદારોને આપી એક માસની મોટી રાહત

વર્તમાન સમયમાં કોરોના વાયરસની મહામારીનો કપરો સમય ધમધમતો હોઈ ૨૨મી માર્ચથી સતત આજ દિન સુધી દેશમાં લોકડાઉન હોવાથી ધંધો રોજગાર ઠપ્પ થઇ ગયો હતો, જોકે લોકડાઉનના ચોથા તબક્કે અમુક સમય મર્યાદામાં દુકાનો ખુલી રાખવા બનાસકાંઠા જીલ્લા કલેકટરે પરિપત્ર દ્વારા આદેશ જાહેર કર્યો છે, તેમજ આવા કપરા સમયમાં અનેક સેવાભાવી દુકાનોના માલિકો એવા છે જેઓએ મહામારીને ધ્યાનમાં રાખી દુકાનદારો પાસેથી દુકાન ભાડું માફ કરી ઉમદા કાર્યનું શ્રેષ્ઠ ઉદાહરણ પુરૂં પાડી માનવતા દાખવી રહ્યાં છે.
ત્યારે થરાદ શહેરમાં પંદર જેટલા કોમ્પલેક્ષના માલિકોએ મહત્વનો નિર્ણય લઈ દુકાનદારો પાસેથી એક માસનું ભાડું ન લેવાનો નિર્ણય બેઠકમાં કરાતા દુકાનદારોમાં ખુશી વ્યાપી ગઈ હતી. થરાદ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ પથુભાઈ રાજપુતના અધ્યક્ષ સ્થાને કોમ્પલેક્ષ માલિકોના સાથે યોજાયેલી બેઠકમાં મહત્વનો નિર્ણય લેતા દુકાનદારોને એક માસના દુકાનભાડામાં રાહત થઈ હતી, યોજાયેલી બેઠકમાં પૃથ્વી, મિલન, અમર, ચામુંડા, અમન, એકતા, શુકુન, સુપર, શ્રી હિંગળાજ, અનમોલ, વૈભવ, વર્ધમાન, ઓઝા ચેમ્બર્સ, શિવ શક્તિ, આનંદ સહિતના કોમ્પલેક્ષોના માલિકોએ મહત્વનો નિર્ણય લઈ દુકાનદારો પાસેથી એક માસનું ભાડું ન લેવાનો નિર્ણય લેતા દુકાનદારોમાં ખુશી વ્યાપી ગઈ હતી.
રિપોર્ટ : અરવિંદ પુરોહિત, થરાદ
લોકાર્પણ દૈનિક