સુરાશામળ : જમીનમાં લાકડાના ખિલ્લા નાંખવા બાબતે ખેતપાડોશીઓ વચ્ચે તકરાર
નડિયાદ તાલુકાના સુરાશામળમાં આવેલ વ્હોરા તલાવડી પાસે ખેતરમાં સુર્યાબેન મેલાભાઈ ઝાલા રહે છે. ગામમાં આવેલ ડેરી નજીક રહેતાં ભગુભાઈ નારણભાઈ પટેલનું ખેતર સુર્યાબેનના ખેતરની અડીને આવેલું છે. બંનેનો એક જ શેઢો હોઈ બંને પરિવારો વચ્ચે અવારનવાર ઝઘડા ચાલતાં હતાં. દરમિયાન ભગુભાઈ નારણભાઈ પટેલ, વિમલભાઈ નારણભાઈ પટેલ અને મીનાબેન ભગુભાઈ પટેલ ગતરોજ સાંજના સમયે સુર્યાબેનના જમીનની હદમાં લાકડાના ખીલ્લા નાંખી રહ્યા હતાં. આની જાણ સુર્યાબેનને થતાં તેઓએ ખીલ્લા નાંખવાની ના પાડી ઠપકો આપ્યો હતો.
જેથી ખીલ્લા નાંખનાર ત્રણેય જણાંએ ગમેતમે અપશબ્દો બોલી સુર્યાબેન સાથે બોલાચાલી કરી હતી. જોતજોતામાં ઝઘડો ઉગ્ર બની જતાં ઉશ્કરેયેલા વિમલભાઈએ જમીન ખાલી કરવાનું કહી સુર્યાબેન અને તેમના પુત્ર કલ્પેશને જાનથી મારી નાંખવાની ધમકીઓ આપી હતી. આ બનાવ અંગે સુર્યાબેન મેલાભાઈ ઝાલાની ફરીયાદને આધારે ચકલાસી પોલીસે ભગુભાઈ નારણભાઈ પટેલ, વિમલભાઈ નારણભાઈ પટેલ અને મીનાબેન ભગુભાઈ પટેલ સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
રિપોર્ટ : સંકેત સુથાર (નડિયાદ)