સમાચારપત્ર ચલાવવાનું ભારતીય મોડેલ સંપૂર્ણપણે ધ્વસ્ત…!

મહારાષ્ટ્રના અગ્રણી સકાળ મીડિયા જૂથના પૂણે સ્થિત અંગ્રેજી સમાચારપત્ર ‘સકાળ ટાઈમ્સ’નાં શટર ગઈકાલે પાડી દેવામાં આવ્યાં છે. તેને રાષ્ટ્રવાદી કોંગ્રેસના વડા શરદ પવારના ભત્રીજા અજિત પવાર ચલાવતા હતા. લોકડાઉનના કારણે તેનું પ્રકાશન બંધ હતું, અને હવે તેના 50 કર્મચારીઓને એક મહિનાનો પગાર આપીને છુટા કરવામાં આવ્યા છે. ગોવામાં ‘ગોમાંતક ટાઈમ્સ’ સમાચારપત્રના પણ શ્વાસ બંધ થઈ ગયા છે.
દિગ્ગજ ધ હિન્દુસ્તાન ટાઈમ્સ, નેટવર્ક-18, ટાઈમ્સ ઓફ ઇન્ડિયા, ભાસ્કર જૂથ, આનંદ બજાર પત્રિકા જૂથે અસંખ્ય કર્મચારીઓને છુટા કર્યા છે, નાની આવૃત્તિઓ અને બ્યુરો બંધ કર્યા છે. લગભગ તમામ અંગ્રેજી અને બિન-અંગ્રેજી મીડિયામાં પગાર પર કાપ મુકાયો છે. અનેક પત્ર-પત્રિકાઓએ રેવન્યુના અભાવમાં પાનાં ઓછાં કરીને વાંચન-સામગ્રી સાથે બાંધછોડ કરી છે. માત્ર જાહેરખબરો પર સમાચારપત્ર ચલાવવાનું ભારતીય મોડેલ સંપૂર્ણપણે ધ્વસ્ત થઈ ગયું છે.
આમાં ભારતીય વાચક કશું ગુમાવશે? કદાચ ના. બેઝિક સમાચારો અને માહિતીઓ માટે એ ક્યારનો ડિજીટલ તરફ વળી ગયો હતો, અને થોડું મનોરંજન જોઈતું હતું, તો તે ટેલિવિઝન પૂરું પાડતું હતું. કાગળ પર નીકળતું સમાચારપત્ર તેની પહેલી પસંદ રહ્યું ન હતું. આમ પણ, 50 દિવસના લોકડાઉનમાં વાચકને એ પણ ખબર પડી ગઈ કે સમાચારપત્ર વગર પણ રહી શકાય છે!