શ્રમ કાયદામાં શ્રમિક વિરોધી સુધારા સામે જામનગર ૧૦ મજૂરમંડળ દ્વારા આવેદનપત્ર

- જાહેર સાહસો ખાનગી ક્ષેત્રને સોંપી દેવાની પેરવીનો આક્ષેપ: પેટ્રોલ-ડીઝલનો ભાવ વધારો પાછો ખેંચવા માંગ
શ્રમ કાયદામાં શ્રમિક વિરોધી સુધારા સામે જામનગરના ૧૦ મજૂર મંડળોએ આવેદન પાઠવી વિરોધ વ્યકત કર્યો હતો. જેમાં જાહેર સાહસો ખાનગી ક્ષેત્રને સોંપી દેવાની પેરવીનો આક્ષેપ કરી પેટ્રોલ-ડીઝલનો ભાવ વધારો પાછો ખેંચવા, લઘુત્તમ વેતન વધારવા માંગણી કરી છે. જામનગરના ઇન્ટુક, મજૂરસેવા સંઘ, ગુજરાત બેંક વર્કર્સ, જીઇબી, ડેરી વિકાસ, મિલ કામદાર મંડળ, એસટી કર્મચારી મંડળ દ્વારા ૧૨ માંગણી સાથે કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું. જેમાં મજૂર મંડળ સાથે વાટાઘાટ કર્યા વગર કોરોનાનો લાભ લઇ મજૂર કાયદા સુધારા લીધાનો આક્ષેપ કર્યો છે. કોરોનાનો વ્યાપને લીધે શ્રમિક તથા મજૂરોનું જીવન દોહ્યલું બની ગયું છે.
ગરીબ તથા મજૂર દેખાવ કે હડતાળ ન પાડી શકે તેવા સુધારા શ્રમ કાનૂનમાં કરવામાં આવ્યા છે. જાહેર ક્ષેત્રને ખાનગી ક્ષેત્રને સોંપી દેવાની પેરવી ચાલી રહી છે. વિદેશી રોકાણ ૧૦૦ ટકા કરી સરકાર પોતાની જવાબદારી ખંખેરવા માંગે છે તેમ જણાવી પેટ્રોલ ડીઝલનો ભાવ વધારો પાછો ખેંચવા, લઘુત્તમ વેતન વધારવા, સુધારેલ શ્રમ કાનૂન પાછા ખેંચવા, ૧૨ કલાક કામનો કાયદો પાછો ખેંચવા, રેલવે, બેંક કૉલ, વીમા, એર ઇન્ડિયા, સંરક્ષણમાં વિદેશી મૂડી રોકાણની છૂટ ન આપવા અને આ અંગેનું 2020નું બિલ પાછું ખેંચવા માંગણી કરવામાં આવી છે.
– રોહિત મેરાણી (જામનગર)