જામનગર શહેરમાં પોણો અને જામજોધપુરમાં દોઢ ઇંચ વરસાદ

- ચારેક દિવસના વિરામ બાદ 2 તાલુકામાં મેઘરાજાની ફરી પધરામણી
જામનગર શહેર સહિત જિલ્લાભરમાં ચારેક દિવસ સુધી છુટાછવાયા વરસાદના બાદ કરતા મહદઅંશે વિરામ બાદ બુધવારે ફરી મેઘરાજા બે તાલુકામાં વરસ્યા હતા જેમાં જામનગરમાં અડધા કલાકમાં વધુ પોણો ઇંચ અને જામજોધપુરમાં દોઢ કલાકમાં વધુ દોઢેક ઇંચ વરસાદ ખાબક્યો હતો.
લાલપુરમાં હળવા ભારે ઝાપટા પડ્યા, ગ્રામ્ય પંથકમાં ધીંગો વરસાદ
જામનગર ઉપરાંત તાલુકાના મોટા ભાગના સ્થળોએ ગત શનિવાર બાદ મેઘરાજાએ મહદઅંશે વિરામ લીધો હતો જે બાદ બુધવારે સવારે ફરી જામનગરમાં વરસાદની ધમાકેદાર આગમન કર્યું હજુ. દસ વાગ્યે શરૂ થયેલા વરસાદે લગભગ અડધો કલાકમાં જ વધુ પોણો ઇંચથી વધુ પાણી વરસાવી દેતા માર્ગો પર પાણી ફરી વળ્યા હતા. જોકે, ત્યારબાદ વરસાદે વિરામ લેતા વાતાવરણ સ્વચ્છ થયું હતું.
જામજોધપુરમાં બુધવારે સવારથી અસહ્ય ઉકળાટ બાદ બપોરે વરસાદ શરૂ થયો હતો. લગભગ દોઢેક કલાક સુધી મુશળધાર વરસેલા આ વરસાદે છ વાગ્યા સુધીમાં ૩૪ મીમી પાણી વરસાવી દેતા ગામ ફરી પાણી પાણી થયુ હતુ. તાલુકાના ગ્રામ્ય પંથકમાં પણ હળવી ભારે મેઘમહેર વરસી હોવાનું બહાર આવ્યું છે. જ્યારે લાલપુરમાં હળવો ભારે ઝાપટા માર્ગો ભીંજવ્યા હતા.
– રોહિત મેરાણી (જામનગર)