જામનગર : પતિ-પત્ની અને બાળકની પીકવેન સાથે ગમખ્વાર ટક્કર, દંપતીનું મોત

- કાલાવડ-જામનગર ધોરીમાર્ગ પર સર્જાયેલી ગોઝારો અકસ્માત
- ટક્કર બાદ પીકવેન નદીમાં ખાબકી
જામનગર જિલ્લાના કાલાવડ નજીક મોટી માટલી ગામ પાસે બુધવારે સવારે પુરપાટ દોડતા એક બોલેરો પીકઅપ વાન અને બાઇક વચ્ચે સામસામી ભીષણ ટકકર સર્જાતા ગંભીર રીતે ઘવાયેલા બાઇકસવાર દંપતીનું મૃત્યુ નિપજયુ હતુ. જ્યારે ચાર વર્ષનો બાળક ગંભીર રીતે ઘવાતા તેને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયો છે. અકસ્માત સર્જી બોલેરો ચાલક નાશી છુટ્યાનું બહાર આવ્યું છે.
કાલાવડ તાલુકાના મોટા ભાડુકીયા ગામ બનાવની જાણ થતાં શોકમાં ગરકાવ
પોલીસ સુત્રોમાંથી જાણવા મળતી વિગત મુજબ કાલાવડ તાલુકાના મોટા ભાડુકીયા ગામે રહેતા ભાવેશભાઈ રમેશભાઈ પંડ્યા બુધવારે સવારે પોતાના બાઇક પાછળ પત્ની મીરાબેન અને માસુમ પુત્ર હર્ષને લઇ જામનગર તરફ આવવા માટે નીકળ્યા હતા જે દરમિયાન બાઇક મોટી માટલી નજીક પુલ પરથી પસાર થતી વેળાએ જામનગર બાજુથી પુરપાટ વેગે દોડતા દૂધના કેન ભરેલા બોલેરો પિકઅપ વાને ભીષણ ટક્કર મારતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.
અકસ્માત દરમિયાન ચાર વર્ષનો બાળક ગંભીર, સઘન સારવાર હેઠળ
જે અકસ્માતમાં બાઈક પરથી રોડ પર ફંગોળાયેલા દંપતી અને તેના પુત્રને ગંભીર ઇજા પહોંચતા ભારે દેકારો બોલતા આજુબાજુના લોકો દોડી આવ્યા હતા અને 108 મારફતે ત્રણેય ઈજાગ્રસ્તને જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડાયા હતા. જેની જાણ થતા હોસ્પિટલ ચોકી ઇન્ચાર્જ એ.એસ.આઇ. મગનભાઇ ચનિયારા સહિતનો સ્ટાફ દોડી ગયો હતો. બીજી બાજુ હોસ્પિટલમાં સારવાર કારગત નીવડેએ પૂર્વે ગંભીર ઈજાગ્રસ્ત ભાવેશભાઈ (ઉ.વ.38)નું મૃત્યુ થયું હતું. જ્યારે તેમના પત્ની મીરાબેન (ઉ.વ.35)એ પણ એકાદ કલાકની સારવાર દરમિયાન દમ તોડયો હતો.
બીજી બાજુ માસુમ વર્ષ(ઉ.વ.4) પણ ગંભીર હાલતમાં સારવાર હેઠળ હોવાનું સૂત્રોએ જણાવ્યું છે. આ બનાવની જાણ થતા કાલાવડ રૂરલ પોલીસ મથકના હેડ કોન્સ. પી.પી.જાડેજા સહિતનો સ્ટાફ ઘટનાસ્થળે અને હોસ્પીટલ ખાતે દોડી ગયો હતો. પોલીસે બોલેરો ચાલક સામે અકસ્માત મામલે ગુનો નોંધવા તજવીજ હાથ ધરી છે. બનાવ બાદ મોટા ભાડુકીયા ગામ શોકનો માહોલ છે.
બહેનની પુત્રીના સગપણ પ્રસંગમાં દંપતી જામનગર આવ્યું હતું
મૃતક દંપતિ ભાવેશભાઇ પંડયા અને તેના પત્ની મીરાબેન બંને પુત્ર હર્ષ સામે જામનગર ખાતે તેના બહેનના પુત્રીના સગપણ પ્રસંગમાં હાજરી આપવા માટે આવી રહ્યા હોવાનું સુત્રોએ જણાવ્યું છે. જેમાં માતા-પિતાની છત્રછાયા ગુમાવનાર માસુમ બાળક હર્ષ પણ ગંભીર હોવાનું તબીબી સૂત્રોએ જણાવ્યું છે.
ભીષણ ટક્કર બાદ બોલેરો રેલિંગ તોડી નદીમાં ખાબકયો
ગોઝારા અકસ્માતમાં જોરદાર ટક્કર બાદ બોલેરો વાન પુલ પરની રેલિંગ તોડીને નદીમાં ખાબક્યો હતો અને પલટી મારી ગયો હોવાનું બહાર આવ્યું હતુ. જયારે તેનો ચાલક પણ નાશી છુટ્યાનું જાણવા મળ્યું છે.
– રોહિત મેરાણી (જામનગર)